ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો દુર્ઘટનાગ્રસ્ત અકસ્માત આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો છે. હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ ટ્રોલી સાથે અથડાતાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે અને 50 જેટલા ગુજરાતી યાત્રીઓને ઈજાઓ થઈ છે. બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓને સૈફઈ મેડિકલ કોલેજ, ફિરોજાબાદ જિલ્લા હોસ્પિટલ અને શિકોહાબાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના યાત્રીઓ અમદાવાદ અને દાદરા નગર હવેલીના હોવાનું સામે આવ્યું છે. આ યાત્રાળુઓ કાશી વિશ્વનાથના દર્શન કરીને અયોધ્યા જઈ રહ્યા હતા ત્યારે ફિરોજાબાદ જિલ્લાના આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર માઈલસ્ટોન 54 નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી.
અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે જણાવ્યું કે અયોધ્યાથી મથુરા તરફ જઈ રહેલી બસનો અકસ્માત થયો હતો, જેના કારણે ત્રણના મોત થયા છે. દુર્ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હાલ બે લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ તમામ યાત્રીઓ અમદાવાદના છે અને તેઓ કાશી વિશ્વનાથ તથા અયોધ્યામાં રામલલાના દર્શન કરી મથુરા-વૃંદાવન જઈ રહ્યા હતા. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
બસના ડ્રાઈવર દુર્ગેશસિંહ રાણાવતે જણાવ્યું કે અમદાવાદથી અયોધ્યા જતી વખતે સવારે 4 વાગે ફીલનગર ગામ પાસે એક રોડવેઝ બસ ઊભી હતી. તેને બચાવવા જતાં સામેથી આવતા ટ્રકને કારણે બ્રેક મારતાં બસ રોડવેઝમાં ઘૂસી ગઈ અને બાજુની ઝાડીઓ સાથે અથડાઈ. અકસ્માતમાં અનેક લોકોને માથા, હાથ અને પગમાં ઈજાઓ થઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ લોકો અયોધ્યાથી મથુરા જઇ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.