ખબર

ગુજરાતના ધારાસભ્યના ભત્રીજાએ ગાંધીનગરમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ, સમાચાર મળતા ધારાસભ્ય દોડી આવ્યા

ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ભત્રીજાએ ગાંધીનગરમાં આપઘાત કરી લીધો છે. મોહનસિંહ રાઠવાના ભત્રીજા પ્રતાપસિંહ રાઠવાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હતું. પ્રતાપસિંહ રાઠવાની ઉંમર 43 વર્ષની હતી અને સેક્ટર-29 ખાતે તેમણે આપઘાત કરી લીધો છે.

ગાંધીનગરના સેક્ટર 29 ખાતે રહેતાં પ્રતાપસિંહ પોપટસિંહ રાઠવા પરિવાર સાથે રહે છે. જેમના પરિવારમાં પત્ની અને પુત્રી છે. ગાંધીનગરના અરણ્ય ભવનમાં પ્રતાપસિંહ રાઠવા પટાવાળા તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે રાત્રિના જમીને પ્રતાપસિંહ ઊંઘી ગયા હતા.

બુધવારની સવારે પ્રતાપસિંહની તેમના રૂમમાંથી ગળેફાંસો ખાઘેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘરના પંખે પ્રતાપસિંહને લટકેલી હાલતમાં જોઈ પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા.

પ્રતાપસિંહની લાશને નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતા છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ દોડી આવ્યા હતા. પરિવારજનો મૃતકની લૌકિક ક્રિયાઓ કરવાં છોટાઉદેપુર ગયા છે. જે પૂર્ણ થઇ ગયા બાદ તેમના ભાઈઓ સહિત પરિવારના સભ્યોની પૂછપરછ કરી મોતનું ચોક્કસ કારણ શોધવાની દિશામાં તપાસ કરવામાં આવશે.