અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીને કારણે વધુ એક ગુજરાતીનું મોત, 3 વર્ષના બાળક સાથે 30 ફૂટ ઊંચી દિવાલ પરથી પટકાતા કલોલના યુવકનું મોત

આજ કાલ લોકોને વિદેશમાં જવાની અને ત્યાં જઇ અભ્યાસ કરવાની અને નોકરી કરવાની ઘણી ધૂન લાગી છે. ઘણા લોકો એવા હોય છે, જેઓ ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હોય છે અને કેટલીકવાર પકડાઇ જતા અથવા તો ઠંડીને કારણે થીજી જતા તેઓ મોતને પણ ભેટતા હોય છે. અમેરિકામાં પહોંચવાની લ્હાયમાં કેટલાક પરિવારો વિખેરાયા છે, ત્યારે હાલમાં આવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક ગુજરાતી પરિવાર અમેરિકામાં ગેરકાયદેસ ઘૂસણખોરી કરવા જતા તહસનહસ થયો છે. ગાંધીનગરના કલોલનો યુવક તેના ત્રણ વર્ષના અને પત્ની સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ દરમિયાન તે ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દિવાલ ઉપરથી પટકાયો અને તેનું મોતચ નિપજ્યુ, જ્યારે તેની પત્ની અને તેના માસૂમ બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતક યુવકનું નામ બ્રીજકુમાર છે. જે કલોલની જીઆઈડીસીમાં નોકરી કરતો હતો, તેને અમેરિકા જવું હોવાને કારણે તે એજન્ટ થકી થોડા દિવસ પહેલા પત્ની અને બાળક સાથે અમેરિકા જવા નિકળ્યો અને કેનેડામાં ભારે હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવે છે. ત્યારે મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી એજન્ટો લોકોને અમેરિકામાં ઘૂસાડી રહ્યા છે.

મૃતક બ્રિજકુમાર પણ પરિવાર સાથે ટ્રમ્પ વોલથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો અને આ દરમિયાન 30 ફૂટ ઊંચી દિવાલ પરથી કોઈ કારણસર તે ત્રણેય નીચે પટકાયા અને જેને લઇને માથામાં ગંભીરઈજા પહોંચવાને કારણે બ્રિજકુમારનું સ્થળ પર જ મોત થયું હતું અને પત્ની તેમજ ત્રણ વર્ષના પુત્રને ગંભીર ઇજા પહોંચવાને કારણે મેક્સિકોની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, એજન્ટે 40 લોકોના ગ્રુપને મેક્સિકોના રસ્તેથી અમેરિકા પહોંચાડવા માટે મોકલ્યું હતું.

આ ગ્રુપમાંથી વિખૂટા પડી જવાથી કે અન્ય કોઈ કારણસર કલોલનો પરિવાર દિવાલ ઉફરથી પટકાયો અને અકસ્માતનો ભોગ બન્યો હતો. જણાવી દઇએ કે, આ પહેલા પણ આવો કિસ્સો જાન્યુઆરી 2022માં સામે આવ્યો હતો, જેમાં ડિંગુચા ગામના જગદીશભાઈ પટેલ, તેમની પત્ની વૈશાલીબેન, અને પુત્રી વિહંગા(ગોપી) તેમજ પુત્ર ધાર્મિક કેનેડા બોર્ડરથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે જ ચારેયના કાતિલ ઠંડીના કારણે મોત નિપજ્યા હતા.

Shah Jina