ઓય બાપા, શરીરની ચામડી ઉતારી દે તેવા વિચિત્ર રોગની ગુજરાતમાં એન્ટ્રી, અહીંયા આવ્યો પહેલો કેસ

ગુજરાતમાં આરોગ્યની પરિસ્થિતિ દિવસે દિવસે વણસી રહી છે. રાજ્યભરમાં વિવિધ રોગચાળા અને ગંભીર બીમારીઓએ માથું ઊંચક્યું છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગો લોકોના સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની રહ્યા છે. મંકીપોક્સનો ભય હજુ યથાવત છે, ત્યારે રાજ્યમાં એક નવા રોગનું આગમન થયું છે.

તાજેતરમાં, કચ્છમાં એક રહસ્યમય રોગે 15 લોકોનો ભોગ લીધો, અને હવે જૂનાગઢમાં કાવાસાકી નામના ભયાનક રોગનો કિસ્સો સામે આવ્યો છે. એક 6 વર્ષીય બાળકી આ રોગની શિકાર બની હતી, પરંતુ સમયસર સારવારને કારણે તેનો જીવ બચી ગયો છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમય પછી કાવાસાકી રોગનો કેસ નોંધાતા ડૉક્ટરો ચોંકી ઉઠ્યા છે. હોસ્પિટલના બાળરોગ વિભાગના કર્મચારીઓએ આ કેસની ગંભીરતા સમજી અને 16 દિવસ સુધી સઘન સારવાર આપીને બાળકીને સ્વસ્થ કરી છે. સૌરાષ્ટ્રના તાલાલા વિસ્તારની આ બાળકી હતી.

કાવાસાકી રોગના મુખ્ય લક્ષણોમાં પાંચ દિવસથી વધુ સમય સુધી ચાલતો તીવ્ર તાવ, હોઠ અને આંખોમાં લાલાશ, શરીર પર સોજો, હાથ-પગમાં સોજા અને લાલાશ, તેમજ ત્વચા ઉતરવાનો સમાવેશ થાય છે.

બીજી તરફ, સુરતમાં આરોગ્યની સ્થિતિ ચિંતાજનક બની છે. સુરત મહાનગરપાલિકા રોગચાળો નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ રહી છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી લોકો પીડાઈ રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે પૂરતી જગ્યા નથી.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર પણ બેડ મૂકવા પડ્યા છે. વરસાદ પછી તડકો નીકળતાં ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. અંદાજે હોસ્પિટલમાં દાખલ થતા દર 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના છે.

kalpesh