જો લગ્નની લાલચે સહમતિથી શરીર સંબંધ બંધાય તો તેને દુષ્કર્મ ના માની શકાય….ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

પુખ્ત વયના બંને પાત્રોએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં – ગુજરાત હાઇકોર્ટ

Gujarat High Court : ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, જેમાં કેટલાકમાં લગ્નની લાલચે શરીર સંબંધો બાંધવામાં આવતુ હોવાનું પણ સામે આવે છે. ત્યારે આવા મામલે ગુજરાત હાઇકોર્ટે ગુરૂવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ચુકાદામાં હાઇકોર્ટે જણાવ્યું કે, પુખ્ત વયના હોય તો લગ્નની લાલચે પોતાને સરેન્ડર ન કરી શકો, બંને પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે લગ્નના વચન બાદ જો શારીરિક સંબંધ બંધાયા હોય અને પાછળથી લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધાવી શકાય.

સહમતિથી શરીર સંબંધ બંધાય તો તેને દુષ્કર્મ ના માની શકાય
અમદાવાદનો એક કેસ આવો હતો જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના અલગ અલગ ચુકાદાને ટાંકીને હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જો યુવક અને યુવતી પુખ્તવયના હોય અને સહમતિથી શારીરિક સંબંધો બંધાયા હોય તો તેને બાદમાં દુષ્કર્મ ન કહી શકાય. અમદાવાદનો એક મહિલાનો કેસ ચાલી રહ્યો હતો જેમાં લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા અને કોર્ટે સુનાવણીમાં એવું જણાવ્યુ કે, એક દિવસ પહેલા ઓડીસા હાઈકોર્ટે પણ આવો જ એક ચુકાદો આપ્યો હતો.

કલમ 376 ન લાગી શકે
મહિલાએ યુવક પર લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટે જણાવ્યુ કે, જો પુખ્તવયના યુવક યુવતી લગ્નની કે કોઇપણ અન્ય લાલચ આપીને પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધો બાંધે છે તો મહિલા બળાત્કારની ફરિયાદ ન કરી શકે. તેની પર કલમ 376 ન લાગી શકે. આ ઉપરાંત એવું પણ જણાવ્યુ કે, મહિલાએ પોતાની ઈચ્છા સાથે સબંધો બાંધ્યા હોય તો એ દુ્ષ્કર્મ ગણી શકાય નહીં.

અરજદાર આરોપી સામે કોઇ કેસ નથી બનતો
આ મામલે ગુજરાત હાઇકોર્ટે વધુમાં જણાવ્યુ કે, આ કેસમાં સામે આવેલા તથ્યો પરથી અરજદાર આરોપી સામે કોઇ કેસ નથી બનતો અને આરોપીની ગુનો કરવાની માનસિકતા હતી એવું પણ નથી જણાતું. અરજદારની ડિસ્ચાર્જ અરજી રદ કરતો અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જે આદેશ કર્યો છે તેને રદ કરવામાં આવે છે અને ગુજરાત યુનિવર્સિટી પોલિસ સ્ટેશનમાં ધારા 376 હેઠળ નોંધાયેલી ફરિયાદ પણ રદ કરવામાં આવે છે તેમજ ફરિયાદમાંથી આરોપીને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવું કોર્ટે જણાવ્યુ હતુ.

Shah Jina