જેલમાં બંધ બળાત્કારી આસારામના પરિવારની વધી મુશ્કેલીઓ, શું પત્ની અને દીકરી પણ હવે જશે જેલમાં ? ગુજરાત હાઇકોર્ટે મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો

Gujarat HC Notice to Asaram’s family: દુષ્કર્મના આરોપમાં જેલની અંદર બંધ આસારામની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આસારામ અને તેનો દીકરો નારાયણ સાઈ બંને બળાત્કારના આરોપમાં જેલની અંદર બંધ છે, તો હવે તેમના પરિવાર માથે પણ સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે 2013ના રેપ કેસમાં આસારામની પત્ની, દીકરી અને ત્રણ મહિલા શિષ્યોને નોટિસ પાઠવી છે.

આ કેસમાં મહિલાઓને અગાઉ નિર્દોષ જાહેર કરવામાં આવી હતી, જ્યારે આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ હસમુખ સુથારની ડિવિઝન બેન્ચે આસારામની પત્ની લક્ષ્મીબેન અને દીકરી ભારતીબેન સહિત પાંચ મહિલાઓને નોટિસ ફટકારી છે. ગાંધીનગરની એક કોર્ટે 31 જાન્યુઆરીએ આસારામને 2013માં પૂર્વ મહિલા અનુયાયી દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.

અમદાવાદ નજીક મોટેરામાં આસારામના આશ્રમમાં 2001 થી 2007 દરમિયાન મહિલા પર ઘણી વખત બળાત્કાર થયો હતો. આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને ચાર અનુયાયીઓ પર ગુનામાં મદદ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. પુરાવાના અભાવે કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજ્યના કાયદા વિભાગે 6 મે, 2023ના રોજ પ્રોસિક્યુશનને તેમની નિર્દોષ છૂટ સામે અપીલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નિર્દોષ છમાંથી પાંચ સામે અપીલ દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આસારામ 2013માં રાજસ્થાનમાં પોતાના આશ્રમમાં સગીર બાળકી સાથે બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં જોધપુર જેલમાં બંધ છે. જયારે તેમનો દીકરો નારાયણ સાઈ પણ સુરતની જેલમાં  બળાત્કારના કેસમાં બંધ છે. હાલ નારાયણ સાઈની પત્નીએ પણ કોર્ટમાં છૂટાછેડા સાથે 5 કરોડ માંગવાની અરજી પણ કરી છે.

Niraj Patel