ખબર

ગુજરાતના આ જિલ્લામાં કોરોના નહિ પરંતુ આ રોગના કારણે મૃત્યુને ભેટ્યા 8 બાળકો, તંત્ર પણ થયું દોડતું

હાલમાં ગુજરાત સહીત દુનિયાભરમાં કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના માથે એક નવી મુસીબત આવી પડી છે. બનાસકાંઠા જિલ્લાને કોરોના સિવાય પણ હવે બીજા એક ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે.

Image Source

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની વચ્ચે જ હવે ડીપ્થેરીયાએ માથું ઊંચક્યું છે.. બનાસકાંઠા જિલ્લમાં છેલ્લા એકાદ મહિનામાં જ ડીપ્થેરીયાથી 8 બાળકોના મૃત્યુ થયા છે અને 34 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે.

Image Source

જિલ્લામાં સૌથી વધુ 10 શંકાસ્પદ કેસ ધાનેરામાં નોંધાયા છે. તો થરાદમાં 11, ડીસા અને વાવમાં 4-4, લાખણીમાં 3 અને પાલનપુરમાં 2 શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. જિલ્લામાં આવી રીતે સતત ડીપ્થેરીયાના કેસોમાં વધારો થતા તંત્ર પણ દોડતું થઇ ગયું છે.

Image Source

બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જીજ્ઞેશ હરિયાણીએ જણાવ્યું હતું કે: “ડીપ્થેરીયાએ ગંભીર બીમારી છે અને ગત વર્ષે પણ બનાસકાંઠા જીલ્લામાં ડીપ્થેરીયાએ ભારે આતંક મચાવ્યો હતો અને મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ નિપજ્યાં હતા.”

Image Source

આ વર્ષે પણ ડીપ્થેરીયાનો આતંક ફેલાય તે પહેલા તકેદારી રાખવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. જિલ્લામાં ઉભી થનારી સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે થરાદ સરકારી હોસ્પિટલમાં એક આઈસોલેશન વોર્ડ પર ઉભો કરી દેવાયો છે.