ઢોલીવુડ

સ્વામિનારાયણના સંતોના નિવેદન પર જાણો માયાભાઈ, કિર્તિદાન ગઢવી અને સાંઇરામ દવેએ શું કહ્યું

મોરારી બાપુએ રાજકોટમાં એક કથામાં આપેલા એક નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો, જે દિવસેને દિવસે વધુ વકરતો જાય છે. આખો સાધુ સમાજ મોરારી બાપુના સમર્થનમાં આવ્યો હતો અને હવે એ પછી કલાકારો પણ મોરારી બાપુના સમર્થનમાં આવ્યા છે. હાસ્ય કલાકાર સાંઇરામ દવે, માયાભાઇ આહિર અને કિર્તિદાન ગઢવી મોરારી બાપુના સમર્થનમાં આવ્યા છે. તેમને મોરારી બાપુને પોતાના બાપ ગણાવ્યા છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે હવે આ વિવાદનો અંત લાવો, આપણો ધર્મ એક જ છે, જેને મજબૂત કરીએ. તો બીજી બાજુ બીએપીએસ સંસ્થાએ પણ શાંતિની અપીલ કરી છે.

Image Source

હાસ્યકલાકાર માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે, મોરારી બાપુ અમારા બાપ છે, કોઇ દિવસ કોઇની લાગણી દુભાવે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ધ્યાન રાખવું જોઇએ. મેં જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિવેદન અત્યાર સુધીમાં સાંભળ્યા તેમાં એક પણમાં વિવેકપણું જોવા મળ્યું નથી.ત્યારે હાસ્યકલાકાર સાંઇરામ દવેએ કહ્યું, બાપુ મારા માટે ભગવાન છે. બાપુની કરૂણા કિન્નરો સુધી પહોંચી છે ત્યારે બાપુ માટે કેટલી સન્માનની વાત કહેવાય. બાપુ માફી માગે તેવી કાગારોળ જાગી છે ત્યારે મને કલાકાર તરીકે મને દુખ થાય છે. સોશિયલ મીડિયામાં રોજ નવા નવા વીડિયો મુકીને આ વિવાદમાં ઘી હોમવાનું કામ ન કરીએ તેવી મારી પ્રાર્થના છે. આપણે રોજ નવા મેસેજ મુકીને આગને હવા દેવાનું કામ કરી રહ્યા છીએ.

પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ કહ્યું, ‘હિન્દુઓનો પ્રથમ ધર્મ સનાતન ધર્મ છે. બાપુને કોઇ ધર્મ સાથે વાંધો વિરોધ નથી. કોઇને ઠેંસ પહોંચે અને વાદવિવાદ થાય તેવું નિવેદન બાપુ ક્યારેય કરતા નથી. પ્રમુખસ્વામીનો દેહવિલય થયો ત્યારે છેલ્લી આરતીમાં બાપુને જોયા હતા. બાપુ તો મારા જેવા કેટલાય કલાકારોનો બાપ છે. બાપુ વિશે જરા પણ કોઇ કંઇ બોલે તે મારા માટે સહન ન થાય.

આ બધાએ જ સાથે જ એવી પણ અપીલ કરી હતી કે આપણે આપણે લેવા દેવા વગરનો વિવાદ ઉભો કર્યો છે, સામાન્ય બાબતને લઇને વિવાદને વધુને વધુ વિકરાળ ન બનાવીએ. આજુબાજુના દેશો આપણા પર આક્રમણ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્રને એક થવાની જરૂર છે.