ખબર

કોરોનાના કહેર વચ્ચે રૂપાણી સરકારે લીધો ખુબ જ સરસ નિર્ણય- જાણો વિગત

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધારે વિકટ બનતી જઇ રહી છે. તેવામાં સરકાર દ્વારા અનેક પગલા ઉઠાવાઇ રહ્યા છે. જેના અનુસંધાને હવે હોસ્પિટલો બાદ એમ્બ્યુલન્સની સુવિધા સુધારવા માટે સરકાર દ્વારા બીજો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અંતર્ગત કોરોનાકાળમાં દર્દીઓની સેવા માટે નવી 150 એમ્બ્યુલન્સ તાત્કાલિક ખરીદવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં જોડાઇ જાય એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં હવે નવા નવા રેકોર્ડ બ્રેક કેસો નોંધાઇ રહ્યા છે, ત્યારે ગઇકાલે 11 હજારથી પણ વધુ કેસ નોંધાયા હતા અને 110થી વધુ દર્દીઓના મોત થયા હતા. કોરોનાના વધતા કેસ સામે રિકવર થનાર દર્દીઓનો આંક થોડો ઘટતો જઇ રહ્યો છે. કોરોનાની બીજી લહેર સરકાર અને જનતા માટે વધુ ચિંતા વધારી રહી છે.