જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા કેપ્ટન વરુણ સિંહને ઓળખો છો? મળી ચૂક્યુ છે શૌર્ય ચક્ર

ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે. હાલમાં તેઓ વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ છે. તેcની સારવાર ચાલી રહી છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર તાલુકામાં આવેલા કનહોલી ગામના વતની છે. તેમની અદમ્ય હિંમત અને બહાદુરીના આધારે તેમણે શાંતિના સમયમાં સેનાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતીને દેવરિયા જિલ્લાને ગર્વ અનુભવવાની તક આપી છે.

15 ઓગસ્ટ 2021ના ​​રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. ફ્લાઈંગ કંટ્રોલ સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થયા પછી પણ 10 હજાર ફૂટની ઉંચાઈથી વિમાનના સફળ લેન્ડિંગ માટે વિંગ કમાન્ડરને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કન્હોલી ગામના રહેવાસી વિંગ કમાન્ડર વરુણ સિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે. તેમના પિતા કર્નલ કેપી સિંહ પણ સેનામાંથી નિવૃત્ત થયા છે. નાના ભાઈઓ પણ નેવીમાં ફરજ બજાવે છે.

ભારતીય વાયુસેનાએ જણાવ્યું કે જનરલ રાવત સ્ટાફ કોર્સના વિદ્યાર્થીઓ અને અધિકારીઓને સંબોધવા માટે ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન (નીલગિરી હિલ્સ)ની મુલાકાતે હતા. ભારતીય વાયુસેનાનું Mi 17 V5 હેલિકોપ્ટર તેમને લઈને જઈ રહ્યું હતું. આમાં સીડીએસની ટીમ અને 9 અન્ય મુસાફરો અને 4 સભ્યો હાજર હતા. તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટરનો દુઃખદ અકસ્માત થયો હતો. ભારતીય વાયુસેના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચ્યા છે.

ગ્રુપ કેપ્ટન વરુણસિંહને ઇજાગ્રસ્ત હાલતમાં વેલિંગ્ટનની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. વરુણ સિંહને મિલિટરી હેલિકોપ્ટરના શ્રેષ્ઠ પાયલટ માનવામાં આવે છે. 2021ના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તેમને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યુ હતુ. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસને હવાઈ કટોકટી દરમિયાન અસરકારક રીતે બચાવી લેવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ અને પ્રેશરાઈઝેશન સિસ્ટમમાં મોટા સુધારા બાદ એલસીએ તેજસ ઉડાવી રહ્યા છે. આ દરમિયાન હાઈ એલ્ટિટ્યુડ કોકપિટ પ્રેશર ફેઈલ થઈ ગયું હતું. આ પછી તેણે પોતાની સમજણથી પ્લેન લેન્ડ કરાવ્યું હતું.

તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર

આ અકસ્માતમાં ગંભીર ઘાયલ થયેલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હવે ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી કામના કરવામાં આવી રહી છે. જનરલ રાવતના નિધન પર રક્ષામંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો છે અને ગ્રુપ કેપ્ટનના જલ્દી સાજા થવાની કામના પણ કરી છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, વેલિંગ્ટન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જલ્દી સ્વસ્થ થઈ જાય.

CDS જનરલ બિપિન રાવતને લઈ જતું IAFનું Mi-17V5 હેલિકોપ્ટર કુન્નૂર (તમિલનાડુ) પાસે ક્રેશ થયું હતું. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 63 વર્ષીય જનરલ બિપિન રાવતે જાન્યુઆરી 2019માં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પોસ્ટ દેશની ત્રણ સેવાઓ આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. બાદમાં તેમને લશ્કરી બાબતોના નવા બનાવેલા વિભાગના વડા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Shah Jina