વરઘોડાની અંદર વરરાજાએ હરખમાં આવીને કરી દીધું ફાયરિંગ, મહેમાન બનીને આવેલા આર્મીના જવાનનું થયું મોત, વીડિયો આવ્યો સામે

દરેક વ્યક્તિ પોતાના લગ્નની અંદર ખુબ જ ખુશ હોય છે. પરંતુ ઘણીવાર આ ખુશીના કારણે કેટલીક દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે, ઘણીવાર આપણે વરઘોડામાં જોયું હશે કે કેટલાક લોકો ફાયરિંગ પણ કરતા હોય છે, અને પોતાનો રુઆબ પણ બતાવતા હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો  સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં વરરાજા દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના કારણે તેના જ મિત્રનું મોત થયું.

આ હૃદયદ્રાવક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાંથી. સોનભદ્ર જિલ્લાના રોબર્ટસગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન થયેલા ગોળીબારમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. નવાઈની વાત એ છે કે આ ફાયરિંગ વરરાજા દ્વારા જ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે બુધવારે આરોપી વરરાજાની ધરપકડ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આવેગભર્યો વરરાજા તેના લગ્નમાં ફાયરિંગ કરી રહ્યો છે. પોલીસે માહિતી આપી હતી કે વરરાજા મનીષ મધેશિયા તેના લગ્નને લઈને એટલો ઉત્સાહિત હતો કે વરઘોડા દરમિયાન તેણે પિસ્તોલ કાઢીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેમાંથી નીકળેલી ગોળી તેના જ મિત્રને વાગી, જે સેનામાં સૈનિક હતો. જેના કારણે આર્મી જવાન બાબુલાલ યાદવનું મોત થયું હતું. વધુ નવાઈની વાત એ છે કે જે પિસ્તોલથી ગોળી ચલાવવામાં આવી હતી તે મૃત આર્મી જવાન બાબુલાલની હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર મનીષ મધેશિયાના લગ્ન રોબર્ટસગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બ્રહ્મનગર સ્થિત ગેસ્ટ હાઉસમાં મંગળવારે થવાના હતા. આ લગ્નમાં હાજરી આપવા માટે તેના મિત્ર અને જવાન બાબુલાલ યાદવ આવ્યા હતા. વરરાજા શણગારેલી બગીમાં વાજતે ગાજતે  ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. તેની સાથે ઘણા જાનૈયા પણ હતા. આ દરમિયાન, વરરાજા તેના લગ્નને લઈને એટલો ઉત્સાહિત થઈ ગયો કે તે બગી પર ઉભો થઈ ગયો અને પિસ્તોલથી  ગોળીબાર કરવા લાગ્યો. આ પિસ્તોલમાંથી નીકળેલી ગોળી તેના મિત્ર બાબુલાલ યાદવને લાગી હતી.

ગોળી વાગવાથી બાબુલાલ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી સ્થળ પર હાજર લોકો તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જો કે, જિલ્લા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો અને ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ગોળીબારની ઘટના બાદ લગ્નની ખુશી પળવારમાં શોકમાં ફેરવાઈ ગઈ હતી.

ફાયરિંગમાં આર્મી જવાન બાબુલાલના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે.તમને જણાવી દઈએ કે બાબુલાલ તેમના પરિવારનો આધાર હતો. આ ઘટના બાદ સૈનિકના પરિવાર વતી હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પોલિસે આરોપી વરરાજાને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે.

Niraj Patel