“આટલી મોટી ઘટના સોસાયટીમાં બની ગઈ અને તમે કઈ ના કરી શક્યા તો તમે નાક શરમ વગરના કહેવાઓ”, ગુસ્સે થયા ગ્રીષ્માના પિતા, જુઓ બીજું શું કહ્યું ?

ગત 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી નામના નરાધમ યુવાને માસુમ ગ્રીષ્માની હત્યા કરી નાખી. દીકરીની હત્યાની જાણ પણ પિતાને નહોતી, તે તો પરિવાર માટે સુખ કમાવવા અને દીકરીના ધામધૂમથી લગ્ન થઇ શકે એ માટે પૈસા ભેગા કરવા આફ્રિકામાં હતા. પરંતુ જયારે તેમને આ ઘટનાની જાણ થઇ ત્યારે તે સાવ તૂટી ગયા હતા.

ગ્રીષ્માના નિધન બાદ આફ્રિકાથી ભારત આવ્યા તે ઘટનાને યાદ કરતા તેમને ગુજરાત મિત્ર મીડિયાને જણાવ્યું કે, “જયારે હું અહીંયા આવ્યોને ત્યારે મને કહ્યું કે તમારી ગ્રીષ્મા આ દુનિયામાં નથી રહી ત્યારે મને કોઈ વાતની ખબર નહોતી રહી. ત્યારથી મને કોઈ ખ્યાલ નથી. મને ગાડી લઈને લેવા આવ્યા ત્યારે મને કહ્યું કે પપ્પાને કઈ નથી પરંતુ દીકરી હવે દુનિયામાં નથી રહી પછી મને ભાન જ ના રહ્યું. પછી મને ખ્યાલ જ નથી શું થયું એ.”

આગળ તેમને જણાવ્યું કે “પછી મને ધીમે ધીમે મને આખી ઘટનાની જાણ થઇ કે મારી દીકરી સાથે શું શું બન્યું છે. અમારા બાપ દીકરી વચ્ચે એકદમ ફ્રી માઈન્ડનો સંબંધ હતો. જયારે પણ હું મારી દીકરીને પૂછતો ત્યારે તે મને ફક્ત એટલું જ કહેતી કે, “પપ્પા તમારે નીચું જોઈને આ દુનિયામાં ચાલવું પડે એવું કામ હું ક્યારેય નહીં કરું.”

આ ઉપરાંત ગ્રીષ્માના પપ્પાએ તેમની સોસાયટીના લોકો પ્રત્યે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે આ સમગ્ર ઘટના સોસાયટીની બહાર બની હતી અને બધાની આંખો સામે બની હતી, ત્યારે ગ્રીષ્માના પપ્પાએ તેમની સોસાયટીના લોકોને કહ્યું, “એ કૃત્ય કરતો હતો ત્યારે કોઈએ કેમ હિંમત ના કરી. ત્યાં કોઈ પથ્થર એવો નહોતો, કેમ હિંમત ના કરી ? આમ ખોટા માર્ગદર્શન દેવા આવે છે. આમ કરી નાખીએ તેમ કરી નાખીએ. આટલી મોટી ઘટના સોસાયટીમાં બની ગઈ અને તમે કઈ ના કરી શક્યા તો તમે નાક શરમ વગરના કહેવાઓ.”

તેઓ સોસાયટીના લોકોને કડક શબ્દોમાં એમ કહી રહ્યા છે કે, “આજે મારી દીકરી સાથે આવું થયું છે, કાલે સમાજની દીકરી છે, તો દીકરીને ક્યાંય ભણવું કે નથી ભણવું ? એને ચાર દીવાલો વચ્ચે પુરી રાખશો ?” આ રીતે ગ્રીષ્માના પિતાએ સોસાયટીના લોકો સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Niraj Patel