ફેનિલને બચાવવા પક્ષના વકીલે કર્યો ધડાકો, કહ્યું કે જે ઓડિયો વીડિયો કલીપ છે તેમાં…

સુરતમાં ગ્રીષ્મા વેકરયાની હત્યાને લઇને લોકોમાં રોષ હજુ પણ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે લોકો એવી માગ કરી રહ્યા છે કે ગ્રીષ્માના પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે અને ફેનિલને કડકમાં કડક સજા થાય. ત્યારે આ મુદ્દે લોકોએ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

સુરતના કામરેજના પાસોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયા નામની માસૂમ દીકરીને સરાજાહેર ગળુ કાપી હત્યા કરી દીધી હતી. જે બાદ તેને કડકમાં કડક સજા થાય અને સમાજમાં એક દાખલો બેસે તેવો પ્રયાસ સુરત પોલિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા ચારેક દિવસમાં 58 જેટલા સાક્ષીઓને કોર્ટમાં તપાસવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર અને આ ઘટનાને પોતાની નજર સામે જોનારા લોકો તેમજ મોબાઇલમાં જેણે વીડિયો ઉતાર્યો તે તમામની જુબાની લેવામાં આવી છે. સરકારી વકીલની સાથે સાથે બચાવ પક્ષના વકીલ દ્વારા પણ જોરદાર દલીલ કરવામાં આવી રહી છે. પોલિસ દ્વારા આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં જ 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં રોજ કાર્યવાહી ચાલી રહી છે. બચાવ પક્ષની એવી અરજી હતી કે ફેનિલ મેન્ટલી અનસાઉન્ડ છે. જો કે, આ અરજી નામંજૂર કરવામાં આવી હતી અને બચાવ પક્ષ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. મુખ્ય જીલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલ કેસમાં 7 કલાક સાક્ષીઓની જુબાની ચાલી રહી છે.

અત્યાર સુધી 58 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે જો કે, કુલ 190 વિટનેસ છે. ઘટનાસ્થળના સાક્ષી મામલતારની પણ જુબાની લેવાઇ હતી. આ કેસમાં હવે એક સપ્તાહમાં ચૂકાદો આવે તેવો સરકારી વકીલ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત તકને આપેલ ઇન્ટરવ્યુમાં જયારે બચાવ પક્ષના વકીલને એવું પૂછવામાં આવ્યુ હતુ કે તમે તમારા ક્લાયન્ટને બચાવવાને પૂરતો પ્રયાસ કરશો તો

આના જવાબમાં વકીલ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે 100 % તે તેમના ક્લાયન્ટ એટલે કે ફેનિલ ગોયાણીને બચાવવા પુરી કોશિશ કરશે. બચાવ પક્ષના વકીલ દ્વારા સરકારી વકીલ તેમનો સાથ સહકાર આપી રહ્યા છે તે બાબતે પણ તેમણે વાત કરી હતી. તેમણે વીડિયો બાબતે એવું પણ જણાવ્યુ હતુ કે, વીડિયો, ઓડિયો ક્લિપ અને સીસીટીવી ફુટેજ એક ઇલેકટ્રોનિક એવિડન્સનો એક ભાગ છે. તે સરળતાથી ટેમ્પર થઇ શકે છે અને કોઇના ધડ ઉપર કોઇનું માથુ ટેક્નોલોજી દ્વારા જોઇન્ટ કરી શકાય છે.

Shah Jina