સુરતના પાસોદરામાં થયેલ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર કોર્ટમાં અંતિમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત બંને વકીલોની દલીલો ચાલી રહી છે, ત્યારે ગ્રીષ્માનો કેસ લડી રહેલા જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી, અને ગ્રીષ્માની માતાની જુબાની આપવા વિશે પણ જણાવ્યું હતું.
નયન સુખડવાલાએ જણાવ્યું કે એક માતા જેને પોતાની દીકરીને નવ મહિના સુધી પોતાની કૂખમાં રાખી પ્રસુતિની અસહ્ય પીડા સહન કરી, રાતના ઉજાગરા પણ સહન કર્યા અને જે દીકરીને જન્મ આપ્યો હતો તેને તેની આંખો સામે જ મોતને ભેટતા જોવી એ પીડા એક માતા માટે જીવનભર ભુલાઈ ના શકે.
તેમને એમ પણ જણાવ્યું કે ગ્રીષ્માની માતાએ જે જુબાની આપી છે, તે માતાની જુબાની કોઈ ના માનવાનું કોઈ કારણ નથી. તે મરનારની માતા છે અને તે ખોટા આરોપી સામે જુબાની આપી રહી છે એવું માની ના શકાય. એક માતાએ પોતાની દીકરી માટે કેટલાય સપના જોયા હશે, હવે આ માતા સામે જ જયારે પોતાની દીકરીની હત્યા કરી દેવામાં આવી હોય ત્યારે હત્યાની વેદના પ્રસુતિની પીડા કરતા અધિક હશે. આ વેદના એક માતા માટે આખી જિંદગીની વેદના બની ગઈ છે.
હવે આ કેસની અંદર સરકારી પક્ષના વકીલની દલીલ આજે શુક્રવારના રોજ કરવામાં આવશે. જેના બાદ હત્યારા ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખ પણ દલીલો કરશે. ગત રોજ અગિયાર વાગ્યાથી શરૂ થયેલી સરકાર પક્ષની દલીલો લંચ બ્રેક સાથે સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી. ત્યારે હવે આ કેસનો નિર્ણય જલ્દી જ આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.