પપ્પાની લાડકી એવી ગ્રીષ્માના મોત બાદ તેના પિતાનું દુઃખ જોઈને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે, સોસાયટીના લોકો સામે પણ વ્યક્ત કર્યો આક્રોશ

એક જુવાન જોધ દીકરીને ગુમાવી દેવાનું દુઃખ એક પિતાથી વધારે કોણ સમજી શકે છે. આ દુઃખ અત્યારે ગ્રીષ્માના પિતા ભોગવી રહ્યા છે. ગત 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી નામના નરાધમ યુવાને માસુમ ગ્રીષ્માની હત્યા કરી નાખી. દીકરીની હત્યાની જાણ પણ પિતાને નહોતી, તે તો પરિવાર માટે સુખ કમાવવા અને દીકરીના ધામધૂમથી લગ્ન થઇ શકે એ માટે પૈસા ભેગા કરવા આફ્રિકામાં હતા.

ગ્રીષ્માના પિતા નંદલાલને પરિવારના સભ્યની બીમારીનું બહાનું કાઢી અને આફ્રિકાથી બોલાવવામાં આવ્યા અને જયારે તેઓ ભારત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની લાડલી દીકરી ગ્રીષ્મા હવે આ દુનિયાની અંદર નથી રહી, ત્યારે તેઓ ખુબ જ તૂટી ગયા હતા, તેઓ પોતાનું ભાન પણ ભૂલી ગયા હતા અને ધીમે ધીમે તેમને ખબર પડી કે ગ્રીષ્માની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે પિતા ઉપર શું વીત્યું હશે તેની કલ્પના પણ આપણે નહિ કરી શકીએ.

ગ્રીષ્માના પિતા નંદલાલે ઘણા બધા મીડિયા સાથે વાત કરી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમને ગુજરાત મિત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “સરકારને પ્રુફ આપવાની કોઈ જરૂર જ નથી, તેમની પાસે વીડિયો છે જ. એક વાત એ છે કે આ ક્રૂર મગજના વ્યક્તિ પાસે આ શસ્ત્ર ક્યાંથી આવ્યા ? આ ધારધાર છરા, વિચાર કરો તમે આવડી નાની ઉંમરમાં ધારધાર છરા તો મોટી ઉંમરમાં શું કરી શકે તે વ્યક્તિ ! ”

ગ્રીષ્માના પિતાએ આગળ જણાવ્યું કે, “આજે મારી દીકરી છે, કાલે આખા દેશની દીકરી હશે. તો દીકરીને કોલેજ નહીં જવાનું, કોઈ નોકરી નહીં જવાનું તો શું એને ઘરની ચાર દીવાલમાં જ રહેવાનું છે ? સરકારે પોસ્ટર લગાવ્યા છે કે બેટી બચાઓ, બેટી પઢાઓ તો આ બધાની ક્યાં જરૂર છે ? એવી બધી ચર્ચા કરવી નકામી છે.”

ગ્રીષ્માના પિતાએ તેમના આફ્રિકા જતા સમયની ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે, “ત્યારે પણ એ ખુબ રડી હતી અને મને કહ્યું હતું કે, “પપ્પા નથી જાવું”  ત્યારે મેં તને કહ્યું હતું કે હું દીકરા એક બે વર્ષ જઈ આવું તો તને ટેંશન ના રહે. છેલ્લે મારા ઉપર ફોન આવ્યો શનિવારે સવારમાં ત્યારે મને ફક્ત એટલું જ કહ્યું કે પપ્પા મારે હવે વડોદરા ભણવા જવું છે. ત્યારે મેં કહ્યું હતું કે તને જે ગમે એ તારે કરવાનું.”

તેઓ જયારે ગ્રીષ્માના નિધન બાદ આફ્રિકાથી ભારત આવ્યા તે ઘટનાને યાદ કરતા તેમને જણાવ્યું કે, “જયારે હું અહીંયા આવ્યોને ત્યારે મને કહ્યું કે તમારી ગ્રીષ્મા આ દુનિયામાં નથી રહી ત્યારે મને કોઈ વાતની ખબર નહોતી રહી. ત્યારથી મને કોઈ ખ્યાલ નથી. મને ગાડી લઈને લેવા આવ્યા ત્યારે મને કહ્યું કે પપ્પાને કઈ નથી પરંતુ દીકરી હવે દુનિયામાં નથી રહી પછી મને ભાન જ ના રહ્યું. પછી મને ખ્યાલ જ નથી શું થયું એ.”

આગળ તેમને જણાવ્યું કે “પછી મને ધીમે ધીમે મને આખી ઘટનાની જાણ થઇ કે મારી દીકરી સાથે શું શું બન્યું છે. અમારા બાપ દીકરી વચ્ચે એકદમ ફ્રી માઈન્ડનો સંબંધ હતો. જયારે પણ હું મારી દીકરીને પૂછતો ત્યારે તે મને ફક્ત એટલું જ કહેતી કે, “પપ્પા તમારે નીચું જોઈને આ દુનિયામાં ચાલવું પડે એવું કામ હું ક્યારેય નહીં કરું.”

“એને એના મોબાઈલમાં ક્યારેય લોક નથી રાખ્યું, એના પર્સનલ કબાટની અંદર ક્યારેય એને લોક નથી રાખ્યું. એના બેગની અંદર ક્યારેય કોઈ એવી વસ્તુ હોય નહીં, ફોન પણ કોઈનો પણ આવે એની બહેનપણીનો પણ, તોય ક્યારેય ઓટલા બહાર નીકળીને એને વાત નથી કરી. ક્યારેય કોઈ ખોટું કામ ના કરે એવી મારી દીકરી હતી.”

આ ઉપરાંત ગ્રીષ્માના પપ્પાએ તેમની સોસાયટીના લોકો પ્રત્યે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે આ સમગ્ર ઘટના સોસાયટીની બહાર બની હતી અને બધાની આંખો સામે બની હતી, ત્યારે ગ્રીષ્માના પપ્પાએ તેમની સોસાયટીના લોકોને કહ્યું, “એ કૃત્ય કરતો કરતો હતો ત્યારે કોઈએ કેમ હિંમત ના કરી. ત્યાં કોઈ પથ્થર એવો નહોતો, કેમ હિંમત ના કરી ? આમ ખોટા માર્ગદર્શન દેવા આવો છે. આમ કરી નાખીએ તેમ કરી નાખીએ. આટલી મોટી ઘટના સોસાયટીમાં બની ગઈ અને તમે કઈ ના કરી શક્યા તો તમે નાક શરમ વગરના કહેવાઓ.”

તેઓ સોસાયટીના લોકોને કડક શબ્દોમાં એમ કહી રહ્યા છે કે, “આજે મારી દીકરી સાથે આવું થયું છે, કાલે સમાજની દીકરી છે, તો દીકરીને ક્યાંય ભણવું કે નથી ભણવું ? એને ચાર દીવાલો વચ્ચે પુરી રાખશો ?” આ રીતે ગ્રીષ્માના પિતાએ સોસાયટીના લોકો સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

Niraj Patel