છડેચોક માસુમ ફૂલ જેવી ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દેનારા ફેનિલનો લૂલો બચાવ, કહ્યું, ‘અમારા પ્રેમ સંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા…”

સુરતમાં એક 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયાની ગત 12 ફેબરીઆરીનાં રોજ છડેચોક ફેનિલ ગોયાણી નામના યુવાને હત્યા  કરી નાખી. આ ઘટનાએ આખા ગુજરાતને ગમરોળીને રાખી દીધું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હત્યારો ફેનિલ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરતો જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ તેને પોતાના હાથે છરી મારી અને ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

હવે ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને હાલ તે પોલીસની ધરપકડમાં છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે આરોપી ફેનિલે પોલીસને ચોંકવનારું નિવેદન આપ્યું હતું, તેને જણાવ્યું હતું કે ગ્રિશમાં સાથે તેની ઓળખાણ ગ્રીષ્માના એક મિત્ર પવન કળથિયા દ્વારા થઇ હતી. શરૂઆતમાં તે બાઈક લઈને ગ્રીષ્માને મળવા જતો હતો. ધીમે ધીમે બંને વચ્ચે વાત-ચિત્ત વધતા બંને વચ્ચે અવાર-નવાર મુલાકાતો થવા લાગી હતી.

ફેનિલે એમ પણ જણાવ્યું છે કે ગત 22 ડિસેમ્બરના રોજ ગ્રીષ્માનો જન્મ દિવસ હોવાના કારણે બંને આર.વી. કોલેજ ખાતે પણ મળ્યા હતા અને ફરવા માટે ગયા હતા. તેને એમ પણ જણાવ્યું કે એક વર્ષ પહેલા ગ્રીષ્માનો ફોન તૂટી જવાના કારણે તેને નવો ફોન લીધો હતો અને જૂનો ફોન રીપેર થતા તેના મામાના હાથમાં આવી ગયો અને અંદર રહેલા ફોટોથી બંનેના સંબંધોની જાણ તેના મામાને થઇ ગઈ હતી અને આ વાત ગ્રીષ્માએ ફેનિલને જણાવી હતી.

જેના બાદ ગ્રીષ્માએ ફેનિલને વાત ના કરવાનું જણાવ્યું હતું અને સામેથી મેસેજ કરવાનું જણાવ્યું હતું. જેના બાદ ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલીની જેઝેડ કોલજ પાસે બોલાવ્યો હતો. જ્યાં ગ્રીષ્મા સાથે તેના મામા અને કાકા પણ હાજર હતા. ત્યાં ગ્રીષ્માના કાકા અને મામાએ ફેનિલને ધમકી આપતા કહ્યું હતું કે જે લફડું હોય તે મૂકી દેજે નહિ તો ટેરો વારો પડી જશે. જેના બાદ ફેનિલે કહ્યું હતું કે મારી અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સંબંધ છે તો અમારા લગ્ન કરાવી આપો. જેના બાદ તેના મામાએ આ બધું બંધ કરી દેવા અને તેના ઘરે તેના મમ્મી પપ્પાને મળવાનું જણાવ્યું હતું.

ફેનિલે એમ પણ જણાવ્યું કે તેના બાદ સમાજમાં બદનામીના ડરથી ફેનિલે મળવાની ના પાડી હતી. પરંતુ ગ્રીષ્મા સાથે તેના મેસેજ ઉપર વાત ચાલુ જ હતી. ત્યારબાદ દિવાળી ઉપર ફેનિલના મોટા બાપાના દીકરા ઉપર ફોન આવ્યો હતો કે ફેનિલ ગ્રીષ્માને હેરાન કરી રહ્યો છે અને ગ્રીષ્માના મામાએ તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવ્યો છે. જેના બાદ ફેનિલ અને તેના મોટા બાપાનો દીકરો બંને હીરાબાગ સર્કલ પાસે ગયા હતા.

જ્યાં ગ્રીષ્માના મામાએ ફેનિલનો ફોન લઈને ફોટો અને મેસેજ ડીલીટ કરાવી દીધા હતા. જેના બાદ ફેનિલે એમ પણ જણાવ્યું કે તેના ઘરે એક દિવસ રાત્રે 5-7 માણસો ગાડી લઈને આવ્યા હતા અને તું ફેનિલ છે તેમ કહીને લાફો પણ માર્યો હતો. જેના બાદ ફેનિલે પણ સામે લાફો માર્યો હતો અને તે લોકોએ ફેનીલનાં માતા પિતાને પણ માર માર્યો હતો.

આ ઘટના બાદ ફેનિલે ગ્રીષ્મા સાથે વાત બંધ કરી દીધી હતી અને ત્યારબાદ હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ થયેલા ફેનિલે ગ્રીષ્મા નામની યુવતીની તેની માતા સામે ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી મૂકી છે. આખા ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી આ જ ઘટનાની ચર્ચા થઇ રહી છે

એવામાં આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે સામાજિક આગેવાનોએ શહેરમાં કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે, આજે સુરત પોલીસ કમિશનરે આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સુરત પોલીસના જાહેરનામા પ્રમાણે, હવેથી સુરતમાં હોટલો, કોફીશૉપ, કાફે અને રેસ્ટોરન્ટની આડમાં ધમધમતા કપલ બોક્સ (જેમાં યુવક યુવતીઓ કેબીન જેવા બોક્સમાં કાંઈ પણ કરી શકે છે) પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત હોટલો અને રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ રીતે દેખાય તે પ્રમાણે બેઠક વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ હોટલો અને રેસ્ટોરન્ટ અને કાફેમાં સીસીટીવી લગાડવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. વધુમાં આવા સ્થળો પર અશ્લિલ કૃત્યો તેમજ નશીલા કે કેફી પદાર્થોનું સેવન ના થવું જોઈએ. આ સિવાય સ્કૂલ, કૉલેજ, ટ્યૂશન ક્લાસ અને મહિલા હોસ્ટેલ બહાર કારણ વિના પુરુષોને બેસવા કે ઉભા રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસનું કહેવું છે કે, કિશોરીએ કે સ્ત્રીઓ, બાળકીઓ પોતાને સુરક્ષિત સમજે તેના માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બનીને ઘરની બહાર હરીફરી શકે તે જરૂરી છે. ગઈકાલે મંગળવારે હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો અને આજે બુધવારે સુરત પોલીસ દ્વારા રિમાન્ડ માટે ફેનિલને કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 5 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ઘણાય અનિષ્ટ તત્વો સ્કૂલ કે કોલેજ જતી સ્ટુડન્ટ, પોતાના કામે એકલી જતી યુવતીઓને અભદ્ર ચેનચાળા, પીછો કરીને, ગંદા શબ્દોના ઉચ્ચારણ કે મહિલાઓ પર હુમલો કરીને પજવતા હોય છે. અમુક કેસોમા રેપ જેવા ગંભીર બનાવો પણ બને છે. જેથી આવા બનાવોને અટકાવવા તેમજ મહિલા સુરક્ષા વધારવાના હેતુસર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામુ પાડી 17મી ફેબ્રુઆરીથી શહેરી વિસ્તારમાં વ્યાજબી કારણ વગર સ્કૂલો-કોલેજો, ટ્યુશન-ક્લાસ તથા મહિલા હોસ્ટેલ આજુ-બાજુ બેસી રહેતા, ઉભા રહેતા પુરૂષો ઉપર કેટલાંક નિયંત્રણો ફરમાવ્યા છે.

ગુજરાતના ચકચારી ભરેલા કેસ ગ્રીષ્મા હટકાંડના એક પછી એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા તેને પોલીસ સમક્ષ પણ કેટલીક રજુઆત કરી હતી ત્યારે હવે આ મામલામાં ફેનિલ અને તેના એક મિત્રની ફોન ઉપર થયેલી વાતચીતનો એક ઓડિયો પણ સામે આવી રહ્યો છે.

કથિત રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ ઓડિયો કલીપ ફેનિલ અને તેના મિત્ર વચ્ચેની વાતચીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત આઓડિયો કલીપ હત્યાના દિવસની જ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ક્લિપમ ફેનિલ ગ્રીષ્માને મારી નાખવાનું જણાવતો સંભળાઈ રહ્યો છે. તો તેનો મિત્ર તેને સમજાવતો સંભળાઈ રહ્યો છે.

ઑડિયામાં ફેનિલ તેના મિત્રને કહી રહ્યો છે કે, “પેલી મારી ગર્લફ્રેન્ડ હતીને તેના ઘરે ખબર પડી ગઈતી ત્યારે માથાકૂટ થઇ તો ત્યારે મારુ આઈડી પાસવર્ડ એની પાસે હતું ત્યારે એને મને એ રીતે મેસેજ કરીને હલવાડયો. તો એને મારા ઘરે આવીને કહ્યું કે ફેનિલ ગોયાણી કોણ ? મેં કીધું હા તો મને એને એક લાફો માર્યો.”

ઓડિયોમાં આગળ ફેનિલ કહી રહ્યો છે કે, “જેવા મને લાફો માર્યો એવો મેં બેયને લાફા માર્યા. તો એ આવ્યા હતા કંઈક પાંચ-છ જણા. હું જ્યાં બહાર જાઉં ત્યાં વાંહેથી મને મારવાની ટ્રાય કરે છે. એક વાર મોટા વરાછા બેઠો હતો. તો ત્યાંથી મને મારવા આવ્યો. ત્યારે તેનો મિત્ર તેને પૂછે છે કે તને મારવા માટે કોણ આવે છે ? એના પપ્પા કે એના ભાઈઓ ?”

ત્યારે ફેનિલ જવાબ આપતા કહેતા સંભળાઈ રહ્યો છે કે, “એના પપ્પા નથી, એના કાકા, એના ફુવા અને એના મામા એ ત્રણ જણ. તો મને વાંહેથી મારવા આવ્યા. એ નથી આવતા બીજાને મોકલે છે. આવું એને ત્રણથી ચાર વાર કરેલું છે. હવે હું એના ઘરે જાઉં છું ઓલીના (ગ્રીષ્માના) અને એને પતાવીને હું દવા પી જાઉં છું.”

ફેનિલની વાત સાંભળીને તેનો મિત્ર જણાવી રહ્યો છે કે, “તું એના ઘરે જઈને શું કરીશ ?” ત્યારે જવાબમાં ફેનિલ કહે છે કે, “હું એને મારી નાખીશ, મારે બીજું કઈ નથી જોવતું.” તેનો મિત્ર કહે છે “પરંતુ શું કરવા ?” ત્યારે ફેનિલ કહે છે, એ મારી વાંહે પડી ગયા છે. ત્યારે તેનો મિત્ર કહે છે કે “એને (ગ્રીષ્મા)એ તારું શું કર્યું ? એ છોકરીએ ?”

આ વાતનો જવાબ આપતા ફેનિલ કહે છે કે, “એમ નહિ, એક વસ્તુ છે, હું કઈ એની પાસે નથી ગયો, રેડી… એ મારી પાસે સામેથી આવેલી. પછી એના માથે આવી ગયું તો એને નામ નાખી દીધું મારુ. અને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો.” આ ઓડિયો બસ અહીંયા સુધીનો જ છે. જેમાં સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવાનો પ્લાન પહેલાથી બનાવી લીધો હતો.

Niraj Patel