ગ્રેટર નોએડાના દાદરીના બઢપુરા ગામ નિવાસી પાયલ ભાટીએ પ્રેમી સાથે મળીને તેના જેવી કદ-કાઠી દેખાવનાર ગ્રેનો વેસ્ટ નિવાસી હેમા ચૌધરીને ઘરે બોલાવી હત્યા કરી દીધી. હત્યા બાદ હેમાના તહેરા પર ગરમ તેલ નાખી તેની ઓળખ મિટાવવાનો પ્રયાસ કર્યો. હેમાના હાશની નસ કાપી તેને પાયલે પોતાના કપડા પહેરાવી દીધા. હેમાની લાશ પાસે પાયલના નામની સુસાઇડ નોટ છોડી પાયલ અને તેનો પ્રેમી ફરાર થઇ ગયા હતા. સુસાઇડ નોટ વાંચી પરિજનોએ પાયલની લાશ સમજી તેના અંતિમ સંસ્કાર કરી દીધા.
પાયલ પ્રેમી સાથે મળી તેના માતા-પિતાને આત્મહત્યા માટે મજબૂર કરનાર ભાઇની પત્ની, સાળા અને લગ્ન કરાવનાર વચેટિયાની હત્યાનું કાવતરું રચવામાં લાગી ગઇ. 12 નવેમ્બરે લાપતા થયેલી હેમાની ગાયબ થયાની ફરિયાદમાં જોડાયેલી બિસરખ કોતવાલી પોલિસે પાયલ અને સિકંદરાબાદ નિવાસી તેના પ્રેમી અજયની બુધવારના રોજ ધરપકડ કરી હતી.પોલીસ આરોપીઓ સામે પુરાવા એકત્ર કરી રહી છે. પાયલે ફેસબુક ફ્રેન્ડ અજય સાથે મળીને હેમા ચૌધરીની હત્યા કરી હતી.

થોડા દિવસો પછી તેણે ફેસબુક ફ્રેન્ડના નામની મહેંદી પણ લગાવી. દાદરીમાં 12 નવેમ્બરે ફરાર થયાના સાત દિવસ બાદ પાયલે આર્ય સમાજ મંદિરમાં અજય સાથે લગ્ન કર્યા હતા. બીજી તરફ, પરિજનોએ હેમાની લાશને પાયલ સમજી તેના અંતિમ સંસ્કાર કર્યા. પાયલની તેરમી વિધિ પણ 21મી નવેમ્બરે કરવામાં આવી હતી. પાયલે તેના માતા-પિતાના મોતનો બદલો લેવાની તૈયારી શરૂ કરી દીધી હતી.જો કે, તે આવું કરી શકે તે પહેલા જ અજય અને પાયલને પોલિસે કસ્ટડીમાં લઇ લીધા. પાયલ રવિન્દ્ર ભાટી અને રાકેશ દેવીની એકમાત્ર પુત્રી હતી.

તેણે બી.એ.નો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ તે તેના માતા-પિતા સાથે રહેતી હતી. તેના માતાપિતાએ આત્મહત્યા કરી ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું હતું. માતા-પિતાના એકસાથે આત્મહત્યાથી તે આઘાતમાં સરી પડી હતી અને તેણે પોતાનો જીવ આપવાની પણ કોશિશ કરી હતી. તે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ પછી જ તેની અજય સાથે ફેસબુક પર ઓળખ થઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. તેણે તેના માતા-પિતાની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું. આ કાવતરામાં અજયને સામેલ કર્યો. લોકોની નજરથી બચવા તેણે તેના મોતની સાજિશ રચી.