કહેવાય છે કે દાદા-દાદીને મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે એટલે કે તેમને દીકરા કરતા પૌત્ર-પૌત્રીઓ વધારે વ્હાલા હોય છે. જો કે,અમરેલીના રાજસ્થળી ગામ નજીકથી એક એવો કિસ્સો સામે આવ્યો જે ચકચારી જગાવી રહ્યો છે. એક વર્ષનો પૌત્ર રડતા તેને શાંત કરવાને બદલે આ સનકી દાદીએ તેને બચકા ભરી-ભરીને અને ઢોર માર મારીને મારી નાખ્યો. ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો. 24 કલાક પોલીસને ચકરાવે ચડાવ્યા બાદ આખરે હત્યારી દાદીને પોલિસે ઝડપી પાડી.
બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તાત્કાલિક ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલ્યો હતો. પહેલા તો અકસ્માતે મોતની નોંધ કરાઇ પણ ત્યારબાદ મૃતક અલીરજાક રફીક સેયદ નામના એક વર્ષના માસૂમ બાળકને બચકાં ભરેલી હાલતમાં જોતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અને સત્ય સામે આવ્યુ.
ફોરેન્સિક રિપોર્ટ આવતા બાળકને માર માર્યાના કારણે મોત થયાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસવડા દ્વારા સ્થાનિક પોલીસને કડક સૂચના આપતા DYSPના સુપરવિઝન હેઠળ અમરેલી તાલુકા PSI જાતે જ ફરિયાદી બન્યા અને બાળકનાં દાદી આરોપી કુલશનબેન હુસેનભાઈ સેયદ સામે હત્યાનો ગુનો નોંધ્યો.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અમરેલીના રાજસ્થળી ગામમાં કુલસનબેન પોતાના પૌત્રને લઈ અલગ ઓરડીમાં આરામ કરવા ગયાં હતાં ત્યારે સાંજના સાડા ચાર પાંચ વાગ્યા આસપાસ બાળક જોરજોરથી રડતા કુલસમબેને તેને શાંત કરવા ખૂબ પ્રયત્ન કર્યા પણ બાળક રડવાનું બંધ નહીં કરતા દાદીને ગુસ્સો આવ્યો અને તેણે પૌત્રના જમણા ગાલ પર તેમજ જમણી આંખથી ઉપર કપાળના ભાગે અને હાથે-પગમાં જોરજોરથી બચકાં ભર્યાં. આ ઉપરાંત બાળકને માર પણ માર્યો.જેને કારણે માસૂમે ત્યાં જ દમ તોડી દીધો.