Navratri : ગરબા રસિકો જલ્દી વાંચી લો…! બસ આટલા જ વાગ્યા સુધી ઘૂમી શકશો ગરબે, નહિ તો…

રાજ્યમાં નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકર પર મોડી રાતે આટલા વાગ્યા સુધીની સરકારે આપી મંજૂરી

નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હવે સરકારે પણ નવરાત્રિ મામલે મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા મંજૂરી આપી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે ગરબા રમવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી નહોતી, ત્યારે આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતા સરકાર દ્વારા પણ હવે શેરી ગરબા અને પાર્ટી પ્લોટવાળાને મંજૂરી આપવામાં આવી છે.

ગરબા આયોજકો નવરાત્રિના નવ દિવસ સુધી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યુ કે,ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

જણાવી દઇએ કે, 26 સપ્ટેમ્બરના રોજથી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે અને સમગ્ર રાજ્યમાં ગરબા આયોજકો સાથે સાથે ગરબા રસિકો પણ ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવે સરકારે પણ 9 દિવસ માટે રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમવાની મંજૂરી આપી દીધી છે. જેને લઇને ગરબા આયોજકો અને ખૈલેયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Shah Jina