ગોરખપુરની પ્રથમ મહિલા પાયલોટ સૃષ્ટિ તુલી, જેણે પોતાની મહેનતથી માત્ર પરિવારને જ નહીં પરંતુ સમગ્ર શહેરને ગૌરવ અપાવ્યું, તે હવે આપણી વચ્ચે નથી રહી. મુંબઈના પવઈ વિસ્તારમાં સૃષ્ટિના શંકાસ્પદ સંજોગોમાં મોતથી બધા ચોંકી ગયા છે. 25 વર્ષિય સૃષ્ટિ એર ઈન્ડિયામાં પાઈલટ હતી અને ભાડાના ફ્લેટમાં રહેતી હતી. સોમવારે સવારે તેનો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં સૃષ્ટિના 27 વર્ષીય બોયફ્રેન્ડ આદિત્ય પંડિતની ધરપકડ કરી છે. સૃષ્ટિના પરિવારનો આરોપ છે કે તેના બોયફ્રેન્ડ આદિત્ય એ તેને ઝેર આપીને મારી નાખી.
સૃષ્ટિ ગોરખપુરના પ્રતિષ્ઠિત વ્યવસાયિક પરિવારમાંથી હતી. તેનો પરિવાર રામગઢતાલ વિસ્તારના આઝાદ ચોકમાં રહેતો હતો. તેના પિતા વિશાલ તુલી ગોરખપુરના મોટા બિઝનેસમેન અને ગોલ્ડન ગેસ એજન્સીના માલિક છે. સૃષ્ટિના દાદા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા અને તેના કાકા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યા છે. સૃષ્ટિના પરિવારને દીકરીની સફળતા પર હંમેશા ગર્વ હતો, સૃષ્ટિએ તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પાયલોટ બનવાનું સપનું જોયું અને તેણે ગોરખપુરની પ્રથમ મહિલા પાયલોટ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સિદ્ધિ પર સૃષ્ટિનું સન્માન પણ કર્યું હતું, જે તેના પરિવાર અને શહેર માટે ગર્વની વાત છે. સૃષ્ટિના પરિવારના જણાવ્યા અનુસાર, તેનો બોયફ્રેન્ડ આદિત્ય પંડિત, જે પોતે પાયલોટ બનવાની તૈયારી કરી રહ્યો હતો, તે ઘણીવાર તેને માનસિક રીતે ત્રાસ આપતો હતો. આદિત્યનું વર્તન જાહેરમાં પણ અપમાનજનક હતું, અને તે સૃષ્ટિ પર બૂમો પણ પાડતો હતો. એક ઘટનામાં આદિત્યએ સૃષ્ટિની કારને નુકસાન પહોંચાડ્યું હતું. આ સિવાય તે સૃષ્ટિના બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેતો હતો.
એકવાર સૃષ્ટિ અને આદિત્ય વચ્ચે વિવાદ થયો જ્યારે આદિત્ય એ સૃષ્ટિ પર ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા દબાણ કર્યું, જો કે સૃષ્ટિને તે દિવસે ફ્લાઇટ ઉડાવવાની હતી. આ દરમિયાન આદિત્ય એ સૃષ્ટિનો ફોન નંબર લગભગ 10 થી 12 દિવસ સુધી બ્લોક કરી દીધો, જેનાથી સૃષ્ટિ ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. માર્ચમાં સૃષ્ટિ અને આદિત્ય તેમના મિત્રો સાથે ગુરુગ્રામમાં જમવા ગયા. રેસ્ટોરન્ટમાં આદિત્ય એ સૃષ્ટિનું અપમાન કર્યુ અને તેણે સૃષ્ટિને નોન-વેજ ફૂડ ખાવાથી રોકી. તે તેને વેજ ફૂડ ખાવા બહાર લઈ ગયો.
થોડા સમય પછી સૃષ્ટિએ તેની બહેન રાશિને ફોન કર્યો અને કહ્યુ કે આદિત્ય એ તેને રસ્તા પર એકલી છોડી દીધી હતી. આદિત્યનું આ વર્તન સૃષ્ટિ માટે ખૂબ જ તણાવપૂર્ણ હતું. તાજેતરમાં જ આદિત્યની બહેનની સગાઈ થઇ હતી, સૃષ્ટિ તેના વ્યસ્ત શેડ્યૂલને કારણે હાજરી નહોતી આપી શકી. આને કારણે આદિત્ય ખૂબ ગુસ્સે થઈ ગયો હતો અને લગભગ દસ દિવસ સુધી સૃષ્ટિ સાથે વાત નહોતી કરી.
આ તણાવપૂર્ણ પરિસ્થિતિથી સૃષ્ટિની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગત રવિવારે રાત્રે આદિત્ય અને સૃષ્ટિ વચ્ચે ઝઘડો થયો હતો. આદિત્યએ પોલીસને જણાવ્યું કે સૃષ્ટિએ તેને ફોન પર આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.આ પછી આદિત્ય દિલ્હી જવા રવાના થયો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે સૃષ્ટિના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખોલવા માટે ચાવી બનાવનારની મદદ લેવામાં આવી અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે સૃષ્ટિ બેભાન હાલતમાં મળી આવી.
તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. સૃષ્ટિના કાકાએ આ મામલે આદિત્ય વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે, તેઓનો આરોપ છે કે આદિત્યએ સૃષ્ટિને માનસિક રીતે એટલી ટોર્ચર કરી કે તેનું મોત થઈ ગયું. આદિત્યએ સૃષ્ટિને ઝેર આપીને મારી નાખી છે, અને તેના પરિવારજનો આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી રહ્યા છે. પોલીસે આદિત્યની ધરપકડ કરી છે અને તેના પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે.