વાહ સુરતના વેપારીએ કાઢી અનોખી ઓફર… એક કિલો દોરીના ગૂંચળા લઈને આવો અને લઇ જાવ 1 કિલો ખમણ, લોચો અથવા ચીઝ રોલ

ઉત્તરાયણનો તહેવાર બે દિવસ પહેલા જ પૂર્ણ થયો અને ઠેર ઠેર લોકોએ ખુબ જ પતંગો ચગાવી. પરંતુ હવે  આપણે જ્યાં પણ નજર કરીશું ત્યાં દોરીઓના ગૂંચળા જોવા મળશે, ઠેર ઠેર રસ્તા ઉપર અને ગલીઓમાં પણ દોરીઓ વેર વિખેર પડેલી હશે, જેના કારણે સામાન્ય માણસની સાથે પશુ- પક્ષીઓને પણ તકલીફ પડતી હોય છે.

ઘણા લોકો એવા પણ હોય છે જે રસ્તા ઉપરથી દોરીઓ દૂર કરવા માટે અભિયાન પણ ચલાવતા હોય છે, ત્યારે આ કામને સુંદર રીતે કરવાનું કામ સુરતના એક દુકાનદારે કર્યું છે, જેમને ના ફક્ત આ કામ કરીને લોકોના દિલ જીતી લીધા છે પરંતુ રસ્તા ઉપર અને ઠેર ઠેર પડેલી દોરીઓ દૂર કરવામાં પણ એક મહત્વનું યોગદાન આપ્યું છે.

આ વખતે ઉત્તરાયણનો તહેવાર એટલા માટે પણ ખાસ રહ્યો કારણ કે ગુજરાતીઓને ઉત્તરાયણ ઉપર ત્રણ દિવસની રજા મળી ગઈ. શુક્રવારે ઉત્તરાયણ અને શનિવારે વાસી ઉત્તરાયણ ઉપરાંત રવિવારની રજાનો પણ ભરપૂર આનંદ મળ્યો, જેના કારણે આકાશ રંગબેરંગી પતંગો સાથે ત્રણ દિવસ સુધી છલકાયેલું જોવા મળ્યું.

પરંતુ આ ત્રણ દિવસની મજા ઘણા પશુ પક્ષીઓ અને માણસો માટે દુર્ઘટના રૂપ પણ બની. ઘણા લોકોના દોરી ભરાવવાના કારણે અકસ્માત થયા તો ઘણા લોકો મોતને પણ ભેટ્યા, તો પશુ પક્ષીઓને પણ દોરીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, ત્યારે હવે ઉત્તરાયણ બાદ ઘણા લોકોને રસ્તામાં દોરી ભરાવવાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે હાલમાં સુરતમાં આવેલા વેસુ આગમ આર્કેડની અંદર જય ગોપીનાથ ખમણ અને લોચાની દુકાન ચલાવી રહેલા જીવદયા પ્રેમી ચેતન અને પરેશે મળી અને આ સમસ્યાના સમાધાન માટે એક અનોખી ઓફર આપી છે. જેના દ્વારા એક નવી જાગૃતિ ફેલાઈ છે.

આ દુકાનદારે એવી ઓફર લોન્ચ કરી છે જેમાં તમે 1 કિલો દોરીની ગૂંચ લઈને જશો તો તમને 1 કિલો સાદા ખમણ, એક કિલો લોચો અથવા ચીઝ રોલ તમને ફ્રીમાં આપવામાં આવશે, જો તમે 500 ગ્રામ દોરીની ગૂંચ લઈને જશો તો આજ વસ્તુઓ તમને 500 ગ્રામ પણ આપવામાં આવશે. આ ઓફર 20 જાન્યુઆરી સુધી રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ખાણીપીણીના શોખીન સુરત વાસીઓ માટે આ ઓફર ખુબ જ આકર્ષક બની ગઈ છે, જેના દ્વારા તેમની મન પસંદ વાનગી લોચો અને ખમણ ખાવાનો શોખ પણ પૂર્ણ થઇ જશે અને રસ્તા ઉપર દોરીના ગૂંચવાળા પણ દૂર થઇ જશે. આ ઓફરને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

Niraj Patel