ડોક્ટરની પત્નીના રહસ્યમય મોત બાદ મૃતકના માતા-પિતાએ લગાવ્યો હત્યાનો આરોપ, સાસરીમાં જ કર્યા દીકરીના અંતિમ સંસ્કાર…પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર હોવાની શંકા…

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર આપઘાત, હત્યા કે પછી રહસ્યમય મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે કેટલાક સમય પહેલા જ બિહારના ગોપાલગંજમાં એક ડોક્ટરની પત્નીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું અને તે પછી તેના માતા-પિતાએ તેના સાસરિયાઓ પર પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો. હત્યા બાદ બીજા દિવસે સવારે મૃતકના પરિવારજનોએ તેના સાસરિયાના ઘરની સામે જ અંતિમ સંસ્કાર કરી દીધા. દરવાજા પર અંતિમ સંસ્કાર થયા બાદ મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે કથિત આરોપી ડૉ.મુકેશ કુમારની ધરપકડ કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી.

નિશાના લગ્ન ફેબ્રુઆરીમાં ડો.મુકેશ સાથે થયા હતા
કહેવાય છે કે મૃતક મહિલાનું નામ નિશા કુમારી છે, જે સિવાનના બડહરિયા પોલીસ સ્ટેશનના જ્ઞાનીપુરના રહેવાસી શંભુ પ્રસાદની 23 વર્ષિય દીકરી હતી. નિશાના લગ્ન 28 ફેબ્રુઆરીએ માંઝા પોલીસ સ્ટેશનના આલાપુરના રહેવાસી ડૉ. મુકેશ કુમાર સાથે થયા હતા. પરિવારનો આરોપ છે કે નિશાના પતિના કોઈની સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ બાબતે હંમેશા તે નિશાને ત્રાસ આપતો હતો. આ સાથે માતા-પિતા પર દહેજ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જે અંગે નિશા તેના માતા-પિતાને ફોન પર માહિતી આપતી હતી.

યુવતીનું ગળું દબાવી હત્યાનો આરોપ
પિયરવાળાએ મૃતકના પતિ પર 18 જુલાઈની રાત્રે માર માર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ મૃતકના માતા-પિતાના નિવેદન પર પોલીસે નિશાના પતિ ડૉ. મુકેશ કુમાર અને સાસુ-સસરા સહિત સાત લોકો વિરુદ્ધ FIR નોંધી છે. આ ઉપરાંત ડૉ. મુકેશ કુમારની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. પોલીસ તેઓની ધરપકડ માટે દરોડા પાડી રહી છે.

અંતિમ સંસ્કાર સાસરાના ઘરના દરવાજે કરવામાં આવ્યા
નિશાના મોત બાદ માંઝા પોલીસે મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે મૃતકનો મૃતદેહ તેના માતા-પિતાને સોંપ્યો હતો. પરંતુ હત્યાથી ગુસ્સે ભરાયેલા નિશાના માતા-પિતા તેની લાશ લઈને તેના સાસરે પહોંચ્યા હતા. જ્યાં નિશાના મૃતદેહને નિશાના પતિના ઘરની સામે રાખીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગ્રામજનોએ ઘરના દરવાજે અગ્નિસંસ્કારનો વિરોધ કર્યો
બીજી તરફ, આલાપુર ગામમાં નિશા કુમારીના મૃત્યુ બાદ જ્યારે પરિણીતાના લોકો અંતિમ સંસ્કાર કરવા દરવાજે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ સ્મશાનભૂમિમાં અગ્નિસંસ્કાર કરાવવાની વાત કરી હતી, પરંતુ નિશાના માતા-પિતા દરવાજા પર જ અગ્નિસંસ્કાર કરાવવા પર અડગ હતા. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પરંતુ, પોલીસ આવે તે પહેલા જ પરિજનોએ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા. અહી ઘટનાને લઈને મોટી સંખ્યામાં આલાપુર ગામના લોકો એકઠા થઈ જતા પરિસ્થિતિ તંગ બનતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. પોલીસે સંવેદનશીલતાથી કામ કરી પરિસ્થિતિને કાબુમાં લાવી મામલો શાંત પાડ્યો હતો.

પતિ-પત્ની હનીમૂન પર લખનઉ જઈ રહ્યા હતા
ધરપકડ કરવામાં આવે તે પહેલાં પત્નીનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે સદર હોસ્પિટલમાં પહોંચેલા ડૉ.મુકેશ કુમારે જણાવ્યું હતું કે જે દિવસે ઘટના બની તે દિવસે પતિ-પત્ની બંને લખનઉ જવાના હતા. બંનેએ પહેલેથી જ છપરા-ગોમતીનગર એક્સપ્રેસની ટિકિટ બુક કરાવી હતી. ઘરે બધું તૈયાર હતું, તેઓ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ઉપરના રૂમમાં પત્ની નિશા કુમારીની આત્મહત્યાના સમાચાર મળ્યા, જેના પછી તેના પિયરના લોકોને જાણ કરવામાં આવી.

Shah Jina