જેવી રીતે તક્ષશિલામાં અને લઠ્ઠાકાંડમાં કંઈ ન થયું તેમ મોરબી હોનારતમાં કંઈ નહીં થાય, ઈટાલિયાએ જુઓ શું શું કહ્યું

સમગ્ર ગુજરાતમાં ત્યારે હાહાકાર મચી ગયો જ્યારે મોરબીની શાન ગણાતો ઝૂલતો બ્રિજ તૂટવાની ખબર સામે આવી અને અનેક લોકોના મોત થયા. 30 ઓક્ટોબર રવિવારનો દિવસ મોરબી માટે કાળો દિવસ બની ગયો, જ્યાં દીવાળીના તહેવાર સમયે લોકોના ઘરમાં રોશની ઝગમગી રહી હતી, ત્યાં 6.30 વાગ્યા આસપાસ પુલ તૂટવાની ઘટના સામે આવતા ચારેકોર અંધારુ થઇ ગયુ. ત્યારે હવે આ દુર્ઘટના પર આમ આદમી પાર્ટીએ ભાજપ પર સીધો હુમલો કર્યો છે.

પક્ષના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર લાઈવ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ ઘટના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે. બધી ઘટનાનો દોષ આખરે તો જનતા પર જ નખાય છે, લઠ્ઠાકાંડ થયો ત્યારે એવું કહેવાતું કે લોકો દારુ કેમ પીવા ગયા ? મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠકો ભાજપ પાસે છે, પરંતુ ભાજપને આટલો પ્રેમ આપનારી જનતાને બદલામાં મોત મળ્યું. ઈટાલિયાએ આગળ કહ્યું કે,

ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓ થઈ રહી છે, લોકો લઠ્ઠાકાંડમાં મરે છે, તક્ષશિલામાં જીવતા ભૂંજાય છે, પરંતુ કોઈનું કંઈ નથી થતું. તેમણે વધુમાં કહ્યુ કે, આજ સુધી કઈ કમિટિએ કયા તીર મારી લીધા ? થાનગઢ હત્યાકાંડની તપાસ કરવા કમિટિ બની, ઉનાકાંડમાં કમિટિ બની, પાટીદાર આંદોલન, ખેડૂત આંદોલન, તક્ષશીલાકાંડ, પેપરલીક…અનેક કાંડની તપાસ કરવા કમિટિ બની પરંતુ કોઈ પરિણામ નથી આવ્યું.

તેમણે કહ્યુ કે, ભાજપના કાર્યાલયમાં ક્યારેય કેમ દીવાલ પડતી નથી કે આગ લાગતી નથી. જનતા જ કાયમ ભોગ બને છે, અને તેનો દોષ પણ જનતાને જ અપાય છે. ઇટાલિયાએ દાવો કર્યો હતો કે, સુરતના તક્ષશિલકાંડના આરોપી કોર્પોરેશનના અધિકારીઓ જામીન પર છૂટી ફરી નોકરીએ લાગી ગયા. મોરબી હોનારતમાં પણ ફરિયાદ થઈ છે, પરંતુ કોઈનું નામ નથી. હવે સિક્યોરિટી ગાર્ડ કે પછી ટિકિટ ક્લાર્કનો ભોગ લેવાશે પરંતુ કંપનીને કંઈ નહીં થાય.

ગુજરાતમાં સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય છે ત્યારે આવું થાય ત્યારે સવાલ ના પૂછવા, રાજકારણ ના કરવું તેવી વાતો કરવામાં આવે છે. ઇટાલિયાએ કહ્યુ કે, રાજ્યમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ લોકો દારુ પીવા કેમ ગયા તેવી વાતો કરવામાં આવી અને મોરબીની ઘટનામાં પણ લોકોએ લાતો મારી એટલે બ્રિજ તૂટી ગયો તેવા વિડીયો વાયરલ કરવામાં આવ્યો.

Shah Jina