ગોંડલના આ પરિવારમાં બે સગા ભાઈઓને અડધા કલાકના અંતરે જ ભરખી ગયો કોરોના, પરિવારમાં છવાઈ ગયો શોકનો માહોલ

કોરોના વાયરસના કારણે ઘણા પરિવારો ઉજળી ગયા છે, ઘણા પરિવારનોના મોભીઓ ચાલ્યા ગયા તો ઘણા પરિવારોના લાડકવા આ કાળમુખા કોરોનાએ છીનવી લીધા છે. ઘણી જગ્યાએ તો આખા પરિવારો જ મોતને ભેટ્યા છે ત્યારે હાલ ગોંડલ શહેરમાંથી બે સગા ભાઈઓને પણ કોરોના ભરખી ગયો હોવાની ખબર આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ડેકોરા સિટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ધાર્મિક સ્વભાવના 75 વર્ષીય ભગવાનજીભાઈ કાનજીભાઈ કલોલાનું ગત રાત્રિના સવા નવ વાગ્યે કોરોનાથી નિધન થયું હતું.

કુદરતની કરુણતા કહો કે બે ભાઈઓનો અતૂટ પ્રેમ ભગવાનજીભાઈના નાનાભાઇ ચંદુભાઈને ભગવાનજીભાઈના નિધનની ખબર આપવામાં આવી નહોતી. તે છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત હોવાના કારણે અલગ અલગ હોસ્પિટલમા સારવાર લઇ રહ્યા હતા. પોતાના ભાઈના નિધનની જાણ ના હોવા છતાં પણ ચંદુભાઈએ મોટાભાઈના નિધનના થોડા જ સમયમાં રાત્રે પોણા દસની આસપાસ દેહ ત્યાગી દીધો હતો.

બંને ભાઈઓના આમ અચાનક નિધનના કારણે પરિવાર ઉપર પણ આભ તૂટી પડ્યું હતું. આ બનાવ અંગે ભગવાનજીભાઈના પુત્ર સતિષભાઈ કલોલાએ જણાવ્યું હતું કે, “ચંદુભાઈ કલોલા દેવડા મૂકામે ડેમ ઉપર પીજીવીસીએલમાં સર્વિસ કરતા હતા. ગત બીજી એપ્રિલના વેક્સિન લીધા બાદ આઠમી એપ્રિલના કોરોના સંક્રમિત થયા હતા. હોમ ક્વૉરન્ટીન રહેવા છતાં પણ તબિયતમાં સુધારો ન થતા ગોંડલ સિવિલ હૉસ્પિટલ, જામનગર સિવિલ હૉસ્પિટલ બાદમાં રાજકોટ ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.”

છ ભાઈઓના પરિવારમાં ભગવાનજીભાઈ સૌથી મોટા હતા અને ચંદુભાઈ સૌથી નાના હતા. એકસાથે પરિવારના બે વ્યક્તિઓનાં નિધન થતા હાલ કલોલા પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Niraj Patel