ગોંડલ નેશનલ હાઇવે પર સ્વિફ્ટ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર, 4ના કમકમાટીભર્યાં મોત
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ રાજકોટથી એક દર્દનાક અકસ્માતની ખબર સામે આવી. આજે વહેલી સવારે નેશનલ હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. પ્રાપ્ત વિગત મુજબ, આજે વહેલી સવારે હાઇવે પર બે કાર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો અને આ ભયંકર અકસ્માતમાં 3ના ઘટના સ્થળે જ્યારે એકનું ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાદ સારવાર દરમિયાન મોત થયું.
રાજકોટના ગોંડલ નજીક નેશનલ હાઇવે પર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની. રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વીફ્ટના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ તે ડિવાઈડર કુદી સામેથી આવતી બોલેરો સાથે જોરદાર ધડાકા સાથે અથડાઈ અને આ ભયંકર અકસ્માતમાં બંને કારના પરખચ્ચા ઉડી ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી હતી. રીપોર્ટ અનુસાર, સ્વિફ્ટ કારની સ્પીડ વધારે હોવાને કારણે તે ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડ્યા બાદ બોલેરો કાર પલટી મારી અને ત્યાર બાદ સ્વિફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી મારી ગઇ. જેને પગલે સ્વિફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયુ હતુ. અકસ્માતના કારણે હાઇવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઊઠી હતી.
બે કાર વચ્ચે અકસ્માતમાં ગોંડલના બે યુવાનો 35 વર્ષિય સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને 39 વર્ષિય ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું મોત નીપજ્યું જ્યારે સ્વિફટ કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના મોત થયા છે. ધોરાજીના અકસ્માતમાં મોતને ભેટનાર વીરેન દેશુરભાઈ કરમટા અને સિદ્ધાર્થ કિશોરભાઈ કાચાનું મોત નીપજ્યું છે.