અમદાવાદ : ગોમતીપુરમાં ગાયો પકડવા જતા ગાયે પહેલા માળેથી માર્યો ભૂસકો…પગ અને માથામાં પહોંચી ઈજા

ગુજરાતમાંથી ઘણીવાર રખડતા ઢોરના આતંકના કિસ્સા સામે આવે છે. છેલ્લા દિવસોમાં જ રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ઝાટકણી કાઢી હતી અને તે પછી ઢોરોને પાંજરે પુરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા હાલ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાંથી હાલમાં રખડતા ઢોરનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઢોર પાર્ટીથી ડરીને એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ અને પછી ડરી ગયેલી ગાયે ત્યાંથી કૂદકો મારી દીધો. અમદાવાદના ગોમતીપુરમાંથી આ બનાવ સામે આવ્યો છે. આ દરમિયાનનો વીડિયો પણ સામે સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે ગોમતીપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમે કાર્યવાહી કરી ત્યારે એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ અને તેણે ડરીને મકાનના પહેલા માળેથી ભૂસકો માર્યો હતો. હકીકતમાં ગાયને કોઈ જગ્યા મળી ન હતી અને તેના માટે તે કૂદી ગઇ હતી. પહેલા માળેથી નીચે કૂદતા ગાયને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જો કે, બાદમાં તેને સારવાર માટે ઢોરવાડામાં ખસેડવામાં આવી હતી.

જણાવી દઇએ કે, ગાય ઢોર પકડ પાર્ટીથી ડરી ગઇ હતી અને તેને લઇને તે મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ જયારે ઢોર પકડ પાર્ટીના સભ્યને જોઈને તેણે પહેલા માળેથી ભૂસકો માર્યો તો તેને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. મંગળવારના રોજ આ વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન ઢોર પકડ પાર્ટીની ટીમ પર હુમલો થયો હતો અને આ દરમિયાન એક કર્મીને ઈજા પણ પહોંચી હતી. જે બાદ ગુરુવારે પણ ઢોર પકડવાની કાર્યવાહી ચાલી હતી. આ ઉપરાંત બીજો એક બનાવ નિકોલમાં સામે આવ્યો હતો,

જેમાં બાળકો સાથે દંપતી બાઈક પર જતું હતું ત્યારે અચાનક જ રસ્તામાં ગાય આવી જતાં બાળકી અને દંપતી રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં જેમાં પિતાને હાથના ભાગે અને નાની બાળકીને ઇજા થઈ હતી, જ્યારે માતા અને બાળકનો આબાદ બચાવ થયો હતો.હાઇકોર્ટની ઝાટકણી બાદ પહેલા દસે દિવસ 150 જેટલાં ઢોર પકડવામાં આવતા પરંતુ હવે સૌથી ઓછાં ઢોર પકડવામાં આવી રહ્યા છે. આને લઇને 21 ટીમો કાર્યરત કરવામાં આવી છે.

Shah Jina