અમદાવાદ એરપોર્ટ પર 25 હજારના પગારમાં ફરજ બજાવતા આ કર્મચારીની ઈમાનદારીને સલામ ! 45 લાખનું સોનુ જોઈને પણ ના જાગી લાલચ… જાણો સમગ્ર મામલો

અધધધ લાખનું સોનુ જોઈને પણ અમદાવાદ એરપોર્ટના આ કર્મચારીનું મન ના ડગમગ્યું… તરત જ તેને કર્યું એવું કામ કે હવે લોકો પણ કરી રહ્યા છે સલામ…

આજના સમયમાં પૈસાની જરૂરિયાત દરેક વ્યક્તિને હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે પૈસા કમાવવા માટે આસાન રસ્તા શોધે છે અને ઘણીવાર તે લોકો સાથે છેતરપિંડી કે પછી ચોરી જેવી ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે, તો દુનિયામાં ઘણા લોકો એવા પણ છે જે પોતાની મહેનત અને ઈમાનદારીથી જ પૈસા કમાવવા માંગતા હોય છે.

જેનું એક તાજું જ ઉદાહરણ અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું, જ્યાં એક 25 હજાર રૂપિયાના માસિક પગારમાં નોકરી કરી રહેલા કર્મચારીને રૂપિયા 45 લાખનું સોનુ મળ્યું તે છતાં પણ તેના મનમાં લાલચ ના જાગી અને તે સોનુ તેણે સરકારી તિજોરીમાં જમા કરાવી દીધું. હવે આ કર્મચારીની ઈમાનદારીના વખાણ કરતા લોકો થાકતા નથી.

આ ઈમાનદાર કર્મચારીનું નામ છે હરવિન્દર નરૂકા. જે મૂળ રાજસ્થાનના અલવરના નિવાસી છે અને તેમની ઉંમર ફ્ક્ત 26 વર્ષની છે. તે હાલ અમદાવાદ એરપોર્ટ પર હાઉસકિપિંગ તરીકે ફરજ બજાવે છે. તેણે બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે અને તેના પિતા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હરવિન્દરને એરપોર્ટમાં નોકરી મળતા જ તે છેલ્લા એક મહિનાથી અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવે છે.

હરવિન્દરના હાથ નીચે 50 લોકો કામ કરે છે. તે રાત્રે પોતાની ડ્યુટી પર હતો અને ત્યારે ટોયલેટની સફાઈ બરાબર થઇ છે કે નહિ તે ચેક કરવા માટે વૉશરૂમમાં ગયો હતો. આ દરમિયાન એક ફ્લશ બરાબર કામ નહોતું કરતું તો તેમને ફ્લશ ટેન્ક ખોલીને ચેક કર્યું. જેમાં તેમને એક કાળા રંગની પોટલી દેખાઈ હતી.

આ પોટલી ખોલતા જ અંદરથી સોનાના બે વજનદાર કડા જોવા મળ્યા. જેના બાદ તેમને પોતાના મનમાં કોઈ લાલચ આવવા ના દીધી અને તરત જ કસ્ટમ અધિકારીઓને આની જાણ કરી. કસ્ટમ અધિકારીઓએ પણ આ કડા કબ્જામાં લઈને તેની વેલ્યુએશન કર્યું તો તેની કિંમત 45 લાખ રૂપિયા નીકળી. આ કડા 400-400 ગ્રામના હતા. તેનું વજન કુલ 800 ગ્રામ હતું. ત્યારે હરવિન્દરે પ્રામાણિક્તાનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Niraj Patel