ખબર

સોનુ ખરીદવાનો સારો સમય, સસ્તુ થયુ સોનુ, જાણો આજના નવા સોનાના ભાવ

આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કારણે સોનાના ભાવમાં સતત વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે એક્સપર્ટ જણાવી રહ્યા છે કે લાંબા સમય સુધી આ ઘટાડો જોવા નહિ મળે. હાલ સોનાના ભાવ 46,743 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિયેશનનું કહેવું છે કે ગયા સપ્તાહમાં સોનું 1,015 રૂપિયા સસ્તું થયું છે.

ગત સપ્તાહે આવેલા જોરદાર ઘટાડા બાદ ભારતીય બજારોમાં આજે સોના અને ચાંદીની કિંમતોમાં તેજી નોંધાઈ છે. MCX પર સોનામાં તેજી છે. આજે ગોલ્ડ 0.6 ટકાની તેજી સાથે 47,004 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી તરફ ચાંદી 0.6 ટકા વધીને 68,789 પ્રતિ કિલોગ્રામ પર થઈ ગઈ છે. નોંધનીય છે કે રેકોર્ડ લેવલથી સોનાના ભાવમાં 9000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

સોમવારે MCXપર જૂન વાયદો સોનાનો ભાવ 270 રૂપિયા વધીને 47,007 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. MCX પર મે વાયદો ચાંદીની કિંમત 401 રૂપિયા વધીને 67,925 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. સ્પોટ માર્કેટમાં ચાંદીની કિંમત 25.90 ડૉલર પ્રતિ ઔંસ રહી.

નિષ્ણાતો કહે છે કે કોરોના સંક્રમણના કારણે વિશ્વભરમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. જેના કારણે શેરબજારમાં ફફડાટ ફેલાયો છે. આવા સમયે, સોનું રોકાણકારો માટે સલામત રોકાણ વિકલ્પ બની જાય છે. આવી સ્થિતિમાં સોનાના ભાવમાં વધારો થાય છે. ગયા વર્ષે આ જ પ્રકારની તેજી જોવા મળી હતી, જ્યારે સોનાનો ભાવ ઓગસ્ટ 2020માં 10 ગ્રામ દીઠ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો.