કૌશલ બારડ ગુજરાત જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

ગુજરાતમાં ઉજવાતો એકદમ અનોખો મેળો: જેમાં ગોળ ખાવા માટે ગધેડાની જેમ માર ખાવો પડે છે! જાણો કેમ?

ગુજરાતનાં મોટાભાગનાં જોવાલાયક સ્થળોની માહિતી તો આપણે આજે વેબસાઇટ કે સમાચારપત્રોમાં મળતી જ રહે છે. પણ એક વાત એ પણ ખરી, કે આ સ્થાનકો મોટેભાગે સૌરાષ્ટ્ર, કચ્છ કે ઉત્તર-મધ્ય ગુજરાતનાં હોય છે. ગુજરાતના પૂર્વીય ભાગોમાં શું ચાલી રહ્યું છે તેના વિશે ગુજરાતીમાં ઇન્ટરનેટ પર માહિતી ઘણી મર્યાદિત હોય છે.

ગુજરાતનો પૂર્વીય વિસ્તાર એટલે આદીવાસીઓની ભૂમિ. એમની પરંપરાઓ આપણાથી નોખી, એમના રીતિરીવાજો અલગ, એમના ઉત્સવો અલગ ને એમની જીવનશૈલી પણ આપણને નવાઈ પમાડે એવી! આજે આપણે વાત કરવી છે ગુજરાતના આદિવાસી લોકોમાં થતા એક ખરા અર્થમાં અદ્ભુત મેળાની કે જેના વિશે જાણીને તમે ચોક્કસથી અચંબિત રહી જશો.

Image Source

ગોળ-ગધેડાનો મેળો —

ગુજરાતનાં પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ જેસાવાડા ગામની વાત છે. હોળી જાય એ પછી પાંચમા, સાતમા કે બારમા દિવસે અહીં ‘ગોળ-ગધેડા’નો મેળો ભરાય છે. નામ જ કેટલું અનોખું છે : ગોળ-ગધેડાનો મેળો! આ મેળો આદિવાસીઓની અનોખી પરંપરાનો દ્યોતક છે. અહીં ઘણી એવી ચીજો જોવા મળે છે જે આપણે ક્યારેય નજરે ના જોયેલી હોય! આદિવાસીઓ મેળાના દિવસે ઢોલ-નગારાં લઈને આવી ચડે છે.

ગોળ ખાવા 25 ફૂટ ઊંચા થાંભલે ચડવાનું —

ગુજરાતની આદિવાસી પ્રજાની પરંપરાગત સંસ્કૃતિનો આ મેળામાં શ્રેષ્ઠ દાખલો જોવા મળે છે. મેદાનમાં ૨૫ ફૂટ જેટલો ઊંચો લાકડાનો એક સ્તંભ ઉભો કરવામાં આવે છે. સ્તંભની ઉપર નાનકડાં બે પાટિયાં લગાવવામાં આવે છે, જેમાં એક માણસ માંડ ઉભો રહી શકે.

ટોચ પર ગોળ રાખેલો હોય છે! જુવાનીયાઓ માટે સૌથી મોટું આકર્ષણ આ ગોળ જ છે. જે ગોળ ખાઈ જાણે એ ભાયડો! જુનાવીયાઓ સ્તંભ ઉપર રાખેલ ગોળ ખાવાને ઉપર ચડે છે. પણ ના, એટલું આસાન નથી!

Image Source

માર ખાતા જાવ, ગોળ ખાતા જાવ! —

ઉપર ચડીને ગળ્યું મોઢું કરવાની ઉમેદ ધરાવતા આ જુવાનો માટે મોટું સંકટ તો નીચે જ ટોળે વળેલું હોય છે. એ હોય છે આદિવાસીઓની કન્યાઓનું ઝૂંડ. નીચે ગોળાકારમાં એકઠી થયેલી કન્યાઓ ઉપર ચડતા જુવાનોને લાકડી વડે ફટકારે છે. જે હાથે ચડે એની ધોલાઈ પાક્કી જ! અને માર તો ખાવો જ પડે છે. આ માર ખાઈને કો’ક જાંબાજ ઉપર પહોંચીને ગળ્યું મોઢું કરવાને નસીબદાર બને છે. ઉપરથી ગોળની ખાંગડીઓ પછી તે નીચે ફેંકે છે. સર્વત્ર આનંદ વ્યાપે છે!

ગોળ ખાવામાં સફળ રહેનારના ગોળ-ધાણા પણ ખવાઇ જતા! —

જૂના કાળે આ મેળાને એક પ્રકારનો સ્વયંવર પણ માનવામાં આવતો. જે જુવાન અનેક અગવડો વેઠીને થાંભલા પર ચડી ગોળ ખાવામાં સફળ રહે એ પછી નીચે ટોળે વળેલી કન્યાઓમાંથી મનપસંદ કન્યાને વરી શકતો! આવી એક પ્રથા જૂનાકાળે ચાલતી હતી.

Image Source

ગોળ ખાવા ગધેડાની જેમ માર ખાવો પડે —

અહીં ‘ગોળ-ગધેડાનો મેળો’ નામ પડવા પાછળના કારણો પણ જાણી લઈએ: (1) ગોળ ખાવા જતા યુવાનને ગધેડાની જેમ માર ખાવો પડે છે! (2) કોઈ યુવાન ઉપર ચડે પણ એ પહેલાં જ બીજા કોઈએ ઉપરનો ગોળ સફાચટ કરી નાખ્યો હોય કે બીજાં કારણોસર ગોળ ઉપર મોજૂદ ન હોય તો ગોળ ખાધા વગરનો યુવાન સ્થાનિકો મુજબ ‘ગધેડો’ બને છે! – આ કારણોથી મેળાનું નામ ‘ગોળ-ગધેડાનો મેળો’ પડ્યો હોવાનું કહેવાય છે.

[આશા છે, કે આ રસપ્રદ આર્ટિકલ આપને પસંદ પડ્યો હશે. જો એવું હોય તો આપના મિત્રો સાથે લીંક શેર કરજો, ધન્યવાદ!]
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.