એક વકીલ જે દેશ માટે અંગ્રેજો સાથે ભીડાયો અને ગોદરેજને ભારતના ઘરે ઘરે સુધી પહોંચાડ્યું

આજની સૌથી બેસ્ટ સ્ટોરી: એક વકીલે ઉધારી લઈને શરૂ કરી કંપની, કેવી રીતે બની ઘરે ઘરે ફેવરિટ બ્રાન્ડ

ગોદરેજ નામ દરેક ભારતીય માટે જાણીતું હશે. ભારતીય ઘરોમાં ગોદરેજ નામ એટલું જ ઓળખવામાં આવે છે જેટલુ ક્રિકેટમાં સચિન તેંડુલકર અને બોલીવુડમાં અમિતાભ બચ્ચન. વાત  તાળા-ચાવીની હોય કે પછી તિજોરીની સૌથી પહેલા લોકોના મનમાં ગોદરેજનું જ નામ આવે છે. 125 વર્ષથી આ કંપની પોતાની સેવાઓ લોકોને આપી રહી છે પણ શું તમે જાણો છો કે આટલા વર્ષોથી લોકોના ભરોસા પર ખરી ઉતરનારી આ કંપનીની શરૂઆત કેવી રીતે થઇ અને કોણે કરી?

સફળતાની આ કહાની આર્દેશિર ગોદરેજની છે જેના સિદ્ધાંતો મોહનદાસ કરમચંદ ગાંધીના સિદ્ધાંતો સાથે એકદમ બંધ બેસે છે. આર્દેશિરે લો સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઇસ્ટ આફ્રિકામાં વકીલના સ્વરૂપે કામ કરવા લાગ્યા. પણ તેમને જલ્દી જ સમજાઈ ગયું કે વકાલત કરવામાં ખોટું બોલવાનું પણ થઇ શકે છે જે તેમને મંજુર ન હતું અને તે વકાલત છોડીને વર્ષ 1894માં મુંબઈ આવીને વસ્યા.

શરૂઆતમાં પૈસા ન હોવાથી તેમણે એક કેમિસ્ટ શોપમાં કામ કરવાનું શરૂ કર્યું, જો કે તેમનો ઉદ્દેશ્ય બિઝનેસ કરવાનો હતો અને તેમને આ કામમાં મન ન લાગતા તે ત્યાંથી નીકળી ગયા અને બ્રિટિશ કંપની માટે સર્જરીના બ્લેડ અને કાતર જેવા ઓજારો બનવવાનું શરૂ કર્યું. જો કે આ કામ શરૂ કરવા માટે તેમણે પોતાના પારસી સમાજના એક મિત્ર પાસેથી 3 હજાર રૂપિયાની ઉધારી લીધી હતી, જો કે તેમનો આ બિઝનેસ પણ લાંબો સમય સુધી ચાલી શક્યો ન હતો.

આ કામ લાંબુ ન ચાલવાનું કારણ આર્દેશિરનો ભારત દેશ પ્રત્યેનો પ્રેમ હતો. ઓજારો આર્દેશિર બનાવતા હતા અને તેમને વહેંચતી હતી બ્રિટિશ કંપની. આર્દેશિર પ્રોડક્ટ પર મેડ ઈન ઇન્ડિયા લેબલ લગાવવા માંગતા હતા જે બ્રિટિશ કંપનીને મંજુર ન હતું, જેને લીધે આર્દેશિરે આ કામ પણ છોડી દીધું. જેના પછી માત્ર એક સમાચારે આર્દેશિરનું ભાગ્ય પલટાવી નાખ્યું. તે સમયે મુંબઈમાં ચોરી લૂંટફાટની ખુબ ઘટનાઓ બનતી હતી.

અહીંથી આર્દેશિરને કંઈક નવો આઇડીયા આવ્યો. જો કે બજારમાં તાળા-ચાવી તો મળતા જ હતા પણ તે સુરક્ષિત ન હતા એવામાં આર્દેશિરે એવા તાળા અને તિજોરી બનાવવાનું વિચાર્યું જે એકદમ સલામત હોય અને સહેલાઈથી તૂટી ન શકે. જેના પછી આર્દેશિરે મુંબઈમાં 215 વર્ગફૂટના ગોડાઉનમાં તાળાઓ બનવાનું કામ શરૂ કર્યું અને અહીંથી જ જન્મ થયો ગોદરેજ કંપનીનો.ગોદરેજના બનાવેલા તાળા-ચાવી એકદમ અનોખા હતા અને તે અન્ય કોઈપણ ચાવીથી ખુલી શકે તેવા ન હતા.

જોત જોતામાં ગોદરેજના તાળા ભરોસાની મિસાલ બની ગયા અને તેનો કારોબાર પ્રગતિ કરવા લાગ્યો. એંજીનીયરો અને કારીગરોની સાથે ખુબ મહેનત કર્યા પછી ગોદરેજે લોઢાની તિજોરી પણ બનાવી જે સહેલાઈથી તૂટી ન શકે. જો કે આ કામ સાથે સાથે આર્દેશિરે અન્ય બિઝનેસ પણ શરૂ કર્યા હતા. 1918માં દુનિયામાં પહેલો વનસ્પતિ તેલ વાળો સાબુ આવ્યો હતો, તેના પહેલા પ્રાણીઓના અવશેષોમાંથી સાબુ બનવવા આવતા હતા. જેના પછી 1923માં તિજોરીની સાથે સાથે ફર્નિચર બિઝનેસ, 1951માં લોકસભા ચુનાવ માટે 17 લાખ બેલેટ બોક્સ.

1952માં સ્વતંત્રતા દિવસના મૌકા પર સીંથોલ સાબુનું લોન્ચિંગ, 1958માં રેફ્રિજરેટર બનાવનારી પહેલી ભારતીય કંપની બની, 1974માં લીકવીડ હેર કલર પ્રોડક્ટ્સ, 1990માં રિયલ એસ્ટેટ બિઝનેસ, 1991માં ખેતીનો કારોબાર, 1994માં ગુડ નાઈટ બ્રાન્ડ બનવાનારી કંપની ટ્રાન્સલેકટા ખરીદી અને 2008માં ચંદ્રયાન-1 માટે લોન્ચ વ્હીકલ અને લ્યુનર ઓર્બીટર બનાવ્યા હતા. આજે ગોદરેજ સીસીટીવીથી લઈને કંસ્ટ્રક્શન અને ડેરી પ્રોડક્ટ સુધીના 20થી પણ વધારે કારોબાર કરી રહી છે. ભારત સહિત 50 જેટલા દેશોમાં તેનો વેપાર ફેલાયેલો છે અને તેની પ્રોડક્ટ વહેંચાઈ રહી છે.

Krishna Patel