અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું પ્રેરણાત્મક

શણના વેપારથી લઈને ગંજાવર કંપનીની સ્થાપના સુધી, આજે છે 19 હજાર કરોડની સંપત્તિ!

શણની ખેતી વિશે આપણે ગુજરાતમાં ખાસ કશી જાણકારી હોતી નથી. દક્ષિણ ગુજરાતના અમુક ભાગો સિવાય ગુજરાતમાં શણનું ઉત્પાદન અને વાવેતર નહીંવત્ છે. પણ ભારતના પૂર્વીય કાંઠે આવેલાં રાજ્યોમાં શણનું ઉત્પાદન આજે પણ મબલખ પ્રમાણમાં લેવામાં આવે છે. જે વખતે ભારતનાં ભાગલાં નહોતા પડ્યાં એ સમયે વિશ્વમાં સૌથી વધારે શણનું ઉત્પાદન અંખડ ભારતમાં થતું. હવે આ ઉત્પાદનમાં ભારત-બાંગ્લાદેશનો લગભગ સમાન કહી શકાય તેટલો હિસ્સો છે.

અહીં વાત કરવી છે, એક એવી શખ્સિયતની જેમણે આ જમીન સાથે જોડાયેલી ચીજનો વ્યાપાર કરીને એવું કાઠું કાઢ્યું કે, આજે તેની ગણતરી ભારતના સફળત્તમ ઉદ્યોગપતિઓમાં થાય છે. એક નાનકડા ગામમાં જન્મીને, શણનો વેપાર કરીને, અથાગ અને યોગ્ય મહેનત કરીને પણ શું થઈ શકે તેનો દાખલો બેસાડનાર છે – GMR ગ્રુપના સ્થાપક ગ્રાંધી મલ્લિકાર્જુન રાવ! ગામડાંનો એક ગણનાપાત્ર પણ નહી તેવો વેપારી ૧૯ હજાર કરોડની પોતીકી સંપત્તિ કેવી રીતે બનાવે છે? એ માટે નીચે વાંચો એમની રસપ્રદ કહાણી:

માતા કહે, ધંધો કર ને બાપા કહે, ભણ!:
આજના આંધ્ર પ્રદેશમાં આવેલાં વિશાખાપટ્ટનમ્ થી સોએક કિલોમીટર દૂર આવેલાં નાનકડા ગામમાં મલ્લિકાર્જુન રાવનો જન્મ થયો હતો. તેમનો પરિવાર પહેલેથી જ શણના કારોબારમાં જોડાયેલો હતો. શણ બહુ ઉપયોગી ચીજ છે. રેસાઓ, કપડાં અને કાગળ જેવી અનેક ચીજો બનાવવા માટે શણ જરૂરી છે. ખનાજ ભરવાના શણના કોથળા(ગુણીઓ) તો આપણી નજરે ચડે જ છે. મલ્લિકાર્જુનનું ભણવામાં તો જાણે મન ન હતું. પિતાજી પહેલા ભણતર પૂર્ણ કરી લેવા દબાણ કરતા અને માતાનું માનવું હતું કે, દીકરાએ બાપદાદાનો ધંધો જ સંભાળી લેવો!

એક જ ભૂલમાંથી લઈ લીધી શીખ:
માધ્યમિકમાં મલ્લિકાર્જુનની ખરી કસોટી થઈ. ભણવામાં સરખું ધ્યાન ન આપવાથી પરીક્ષામાં નાપાસ થવું પડ્યું. પિતાજીની ખીજ ઝીલવી પડી! બાદમાં છોકરાએ મનમાં ગાંઠ વાળી કે હવે તો ગમે તે થાય, ભણીને બતાવવું છે! અને ભણ્યો પર ખરો. છેક માધ્યમિકથી લઈને કોલેજ સુધી પાસ જ ના થયો, અવ્વલ નંબર પણ લાવ્યો! મિકેનિકલ ઇજનેરની ડિગ્રી લીધી.

પછી ધંધામાં ઝંપલાવ્યું:
ઉત્કૃષ્ટ રેન્ક સાથેની ડિગ્રી મલ્લિકાર્જુનના હાથમાં હતી. નોકરી તો સરળતાથી મળી જવાની હતી. પણ તેમણે માતાની વાત માનીને શણના વેપારના ધંધામાં જ ઝંપલાવી દીધું. ભાઈની સાથે મળીને કારોબારને આગળ ધપાવ્યો. થોડાં વર્ષો પછી ભાઈને શણનો ધંધો સંભાળવાનું કહીને મલ્લિકાર્જુને પ્લાસ્ટિકના ઉદ્યોગમાં પગ માંડ્યો. પ્લાસ્ટિકની ચીજો બનાવવામાં તેમણે ટૂંક સમયમાં આંધ્ર પ્રદેશમાં પ્રસિદ્ધી હાંસલ કરી લીધી.

બેન્કના પ્રમુખથી ગંજાવર ગ્રુપના સ્થાપક સુધી:
આંધ્રમાં ‘વ્યાસા’ નામની એક નાનકડી બેન્ક હતી. બેન્કનો કારોબાર બહુ સીમિત હતો. મલ્લિકાર્જુને બેન્કનું પ્રમુખપદ સંભાળ્યું. નાનકડી બેન્કમાંથી વ્યાસાને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી દીધી. બેન્કમાં ભાગીદાર બનીને બેન્કીંગ ક્ષેત્રે તેમણે કરેલું આ કામ નોંધપાત્ર હતું. આ પછી તેમણે GMR(ગ્રાંધી મલ્લિકાર્જુન રાવ) ગ્રુપની સ્થાપના કરી.

એકથી વધારે ખંડોમાં ફેલાયેલ ધંધાનું સામ્રાજ્ય:
શરૂઆતમાં જીએમઆર ગ્રુપનું કામ ખેતી અને પાવરઉદ્યોગનાં ક્ષેત્રમાં ચાલતું હતું. બાદમાં કાર્યવિસ્તારમાં વધારો કર્યો. જાહેર ખાનગી ભાગીદારી મોડલ સાથે કંપનીએ દેશનાં બાંધકામ ક્ષેત્રમાં-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડ્યું, જેનાથી તેમને વિશ્વપ્રસિદ્ધી મળવાની હતી. આજે આ કંપની માત્ર ભારતમાં નહી, બલ્કે તુર્કી, નેપાળ, સાઉથ આફ્રિકા, સિંગાપુર, ફિલિપાઇન્સ, માલદીવ અને ઇન્ડોનેશિયા સહિતના અનેક દેશોમાં કારોબાર ફેલાવીને બેઠી છે.

ભારતના મોટા એરપોર્ટનું સંચાલન:
GMR ગ્રુપનું મુખ્ય કાર્યક્ષેત્ર હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં છે. ઇન્દીરા ગાંધી એરપોર્ટ (દિલ્હી) અને રાજીવ ગાંધી એરપોર્ટ(હૈદરાબાદ)નું સંચાલન આ કંપની દ્વારા કરવામાં આવે છે. ભારતમાં અનેક માળખાગત પ્રોજેક્ટ્સ તેમના થકી બનવા પામ્યા છે.

ઉડ્ડયન ઉપરાંત હાઇ-વે, ઊર્જા અને શહેરી બાંધકામ વિકાસ સહિતના ઉપક્રમોમાં તેમનું કામ ચાલતું રહેતું હોય છે. એક નાનકડા ગામડાના વેપારીનો દીકરો અવિરત પરિશ્રમ કરીને આજે ૧૯ હજાર કરોડ જેટલી અંદાજિત નીજી સંપત્તિ હાંસલ કરીને બેઠો છે! મલ્લિકાર્જુન રાવનું નામ આજે ભારતના નામી ઉદ્યોગપતિઓમાં માન સાથે લેવામાં આવે છે.

આર્ટિકલ કંઈક ઉપયોગી, પ્રેરણાયુક્ત અને જાણકારી ભર્યો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે લીંક શેર કરવાનું ના ભૂલતા, ધન્યવાદ!