...
   

ક્રિકેટર સુરેશ રૈનાના આ નજીકના વ્યક્તિની થઇ હતી હત્યા, કોર્ટે સંભળાવી કઠોર સજા- 12 દોષીઓને…જાણો સમગ્ર મામલો

પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના ફુઆની હત્યાના મામલામાં પઠાણકોટ જિલ્લા અદાલતે દોષિતો સામે સજાની જાહેરાત કરી છે. કોર્ટે આ કેસમાં દોષિત તમામ લોકોને આજીવન કેદ અને 2 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં પઠાણકોટના થારિયાલ ગામમાં કેટલાક લોકોએ ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી અને ઘરમાં હાજર લોકો પર હુમલો પણ કર્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા, જેમાંથી એક ક્રિકેટર સુરેશ રૈનાના ફુઆ હતા.

હત્યાની આ ઘટના બાદ શાપુરકંડી પોલીસ સ્ટેશનમાં 12 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. પઠાણકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન તમામ 12 આરોપીઓને આજીવન કેદ અને 2-2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 19 ઓગસ્ટ 2020ની રાત્રે કેટલાક અજાણ્યા બદમાશોએ સુરેશ રૈનાના ફોઇ-ફુઆ અને પરિવાર પર હુમલો કર્યો હતો. પરિવાર ટેરેસ પર સૂઇ રહ્યો હતો. ધારદાર હથિયારોથી થયેલ હુમલામાં રૈનાના ફુઆ અને વ્યવસાયે ઠેકેદાર અશોક કુમાર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

બૂમો સાંભળીને પાડોશીઓ ઘરમાં ઘૂસી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અશોક કુમારના પુત્ર કૌશલ કુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમની પત્ની થોડા વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રહી, ત્યારબાદ તેના પણ શ્વાસ બંધ થઇ ગયા. તત્કાલીન મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ ઘટના પછી તરત જ SIT બનાવવાનો આદેશ આપ્યો. જેમાં અમૃતસર બોર્ડર રેન્જના IGP, પઠાણકોટ SSP, SP વગેરે સામેલ હતા. એસઆઈટીએ તપાસ દરમિયાન પુરાવા એકત્રિત કર્યા.

પઠાણકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલી પોલીસ ચાર્જશીટ મુજબ કુલ 100 લોકો શંકાસ્પદ જણાયા હતા, આ ઘટનાને બદમાશોએ એક યોજનાથી અંજામ આપ્યો હતો. તેઓએ માત્ર મોટાપાયે લૂંટ ચલાવી હતી, પરંતુ તેઓએ વિરોધ કરતા બે લોકો પર જીવલેણ હુમલો કર્યો. ત્યારે હવે કોર્ટે કુલ 12 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્વીકાર્યું છે કે આરોપીઓ સામે પૂરતા પુરાવા છે.

Shah Jina