પ્રેમિકાને સોનાની ચેઇન અપાવવા માટે પ્રેમી બની ગયો પોકેટમાર, ATMમાંથી પૈસા કાઢીને આવતા લોકોના ખિસ્સા કાપવા જતા પકડાયો, ચખાડ્યો મેથીપાક, જુઓ

પ્રેમમાં લોકો શું-શું નથી કરતા, ઘણા પ્રેમીઓને તમે પ્રેમની અંદર બરબાદ થતા પણ જોયા હશે, તો ઘણા પ્રેમીઓ પોતાની પ્રેમિકા માટે કંઈપણ કરી છૂટવા માટે પણ તૈયાર થતા હોય છે. પોતાની ગમતી વ્યક્તિ માટે જયારે તે કઈ કરે છે ત્યારે તેમને એ વાતનું પણ ભાન નથી હોતું કે તે સારું કરે છે કે ખરાબ. પરંતુ ઘણીવાર આવા બધા કામ તેમના માટે મુસીબત ઉભી કરતા હોય છે. હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક પ્રેમી તેની પ્રેમિકાને સોનાની ચેઇન અપાવવા માટે પોકેટમાર બની ગયો.

પ્રેમિકાને સોનાની ચેઈન અપાવવા માટે આરોપી પ્રેમી છૂટાછવાયા બજારમાં એક વ્યક્તિના ખિસ્સા પર હાથ સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન તે લોકોના હાથમાં આવી ગયો. આ પછી આશિક પોકેટમારને ટોળાએ બરાબરનો મેથીપાક ચખાડ્યો. આ દરમિયાન પ્રેમી લોકોના પગે પડી ગયો અને તેમની માફી માંગી. પરંતુ લોકોએ તેની વાત સાંભળી નહીં.

આ મામલો બિહારના સિવાનમાં આવેલા મારવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તેતાર બજારની બેંક ઓફ ઈન્ડિયા પાસેનો છે. ઘટના વિશે જાણવા મળી રહ્યું છે કે બેંક ઓફ ઈન્ડિયામાંથી રોકડ ઉપાડીને પરત ફરી રહેલા યુવકનું ખિસ્સુ સાફ કરતી વખતે લોકોએ આ પોકેટમારને પકડ્યો હતો. આ પછી લોકોએ તેને જોરદાર માર માર્યો હતો. આરોપી યુવક વારંવાર લોકોને છોડી દેવા માટે આજીજી કરતો હતો. પરંતુ લોકોએ તેને ઉગ્રતાથી પાઠ ભણાવ્યો.

આ દરમિયાન તેણે પૂછપરછમાં જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ તેના જન્મદિવસ પર સોનાની ચેઈનની માગણી કરતી હતી. તેની પાસે સોનાની ચેઈન આપવા માટે પૈસા ન હતા. પોતાની ગર્લફ્રેન્ડની ઈચ્છા પૂરી કરવા તેણે ખિસ્સા કાપવાનું શરૂ કર્યું. આરોપી આશિકે જણાવ્યું કે તે ટ્રેનમાં પોકેટમારી કરતો કરતો પટનાથી સિવાન પહોંચ્યો હતો. સિવાન પહોંચતા પહેલા તેણે ટ્રેનમાં ઘણા લોકોના ખિસ્સા સાફ કર્યા અને લગભગ 9 હજાર રૂપિયા ભેગા કર્યા.

ટ્રેનમાં તે બીજા ખિસ્સા પર હાથ સાફ કરી રહ્યો હતો, તે દરમિયાન તે લોકોની નજરમાં આવ્યો, પછી તે કોઈક રીતે ત્યાંથી ભાગી ગયો. આ પછી તે સિવાનથી આગળ બજારમાં પહોંચ્યો. જ્યારે તેણે એક યુવકને બેંકમાંથી પૈસા લઈને નીકળતો જોયો તો તે પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં અને તેણે ખિસ્સુ કાપવાનો પ્રયાસ શરૂ કર્યો તો લોકોએ તેને પકડી લીધો.

લોકોના હાથે ઝડપાઈ ગયા બાદ લોકોએ આરોપી પ્રેમી પોકેટમારને પોતાની ઈચ્છા મુજબ પાઠ ભણાવ્યો. લોકોએ તેને લાતો અને મુક્કાથી લોહીલુહાણ કરી નાખ્યો હતો. તે જ સમયે, મામલાની માહિતી મળ્યા પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, આરોપી યુવકને ભીડમાંથી બચાવ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ પટનાના રાજા બજારના વોર્ડ નંબર-1ના રહેવાસી અભિષેક તરીકે થઈ છે.

Niraj Patel