Doordarshan Anchor Gitanjali Aiyar : દૂરદર્શનની જાણીતી એન્કર ગીતાંજલિ અય્યરનું 7 જૂને નિધન થયું હતું. ગીતાંજલિ અય્યર ભારતની પ્રથમ મહિલા ઇંગ્લિશ ન્યૂઝ એન્કર હતી. તેમના નિધનના સમાચાર મળતાં પત્રકારત્વ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું. ગીતાંજલિ અય્યરે 30 વર્ષથી વધુ સમયથી દૂરદર્શનનું એન્કરિંગ કર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, તેમના પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે એવોર્ડ વિજેતા પ્રસ્તુતકર્તા પાર્કિસંસ રોગથી પીડિત હતા અને તે ટહેલ્યા બાદ ઘરે પરત ફરતી વખતે બેહોશ થઈ ગયા હતા.
અય્યરના પરિવારમાં એક પુત્ર અને પુત્રી પલ્લવી અય્યર છે, જે એવોર્ડ વિજેતા પત્રકાર છે. ગીતાંજલિ અય્યરે પત્રકારત્વના ક્ષેત્રમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેમને ચાર વખત બેસ્ટ એન્કરનો એવોર્ડ પણ મળ્યો છે. ગીતાંજલિ અય્યરે એકવાર એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે ન્યૂઝ એન્કર બનવાનું કેમ નક્કી કર્યું. આ કહાની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિધન સાથે જોડાયેલી છે. 1971માં પ્રથમ વખત ગીતાંજલિ અય્યરે દૂરદર્શન માટે અંગ્રેજી સમાચાર બુલેટિન વાંચ્યું. તેઓ તેમના ઉચ્ચારણ માટે ખૂબ પ્રખ્યાત બન્યા હતા.
ગીતાંજલિ અય્યરે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને ન્યૂઝ એન્કર બનવાની પ્રેરણા મહાન અંગ્રેજી ન્યૂઝ રીડર મેલવિલ ડીમેલો પાસેથી મળી હતી. આનાથી સંબંધિત એક કિસ્સો સંભળાવતા તેમણે કહ્યું કે, જ્યારે મહાત્મા ગાંધીનું નિધન થયું ત્યારે 30 જાન્યુઆરી 1948ના રોજ રાત્રે 8 વાગ્યે પંડિત જવાહરલાલ નેહરુએ ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા દેશને આ સમાચાર આપ્યા હતા.
તેના થોડા સમય પછી, એંગ્લો-ઈન્ડિયન મેલવિલ ડીમેલોએ એક અંગ્રેજી સમાચાર બુલેટિનમાં મહાત્મા ગાંધીના નિધનનું લાઈવ રિપોર્ટિંગ કર્યું હતુ. ગીતાંજલિ અય્યરે કહ્યું હતું કે મેલવિલ ડીમેલોએ બાપુની મહાન યાત્રાની સ્થિતિનું વર્ણન કર્યું હતું. ગીતાંજલિ અય્યરે કહ્યું હતું કે, હું તે આંખે જોયેલ હાલ સાંભળી રડવા લાગી હતી.
આ પહેલો પ્રસંગ હતો જ્યારે ઓલ ઈન્ડિયા રેડિયો કોઈ વ્યક્તિની અંતિમ યાત્રા પર લાઈવ કોમેન્ટ્રી કરી રહ્યો હતો. તે પછી મને ખબર ન હતી કે મેં તે અંતિમયાત્રા પર મેલવિલે ડીમેલોની ટિપ્પણી કેટલી વાર સાંભળી. જ્યારે પણ હું સાંભળતી ત્યારે મારી આંખો ભીની થઈ જતી હતી.” ગીતાંજલિ અય્યર કહે છે, “તે સમયે હું કોલકાતાની લોરેટો કૉલેજમાં અભ્યાસ કરતી હતી.
મને ખબર પડી કે મેલવિલ ડીમેલોએ સતત સાત કલાક સુધી ગાંધીજીની અંતિમયાત્રાની કોમેન્ટ્રી કરી હતી. તે સમયે મેં નક્કી કરી લીધું હતું કે મારે પણ આવું જ કંઈક કરવું છે. હું મારા અભ્યાસ પછી દિલ્હી આવી ત્યારે હું શ્રી ડીમેલોને પણ મળી હતી અને તેમણે મને ન્યૂઝ રીડર બનવા માટે ઘણી ટીપ્સ પણ આપી હતી.”