કૌશલ બારડ દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

ગિરનાર પર લટકી રહેલી વિશાળ શિલા પાછળ છે એક સતીનો શાપ! વાંચો રાણકદેવીનો કરૂણ ઇતિહાસ

ગિરનારની પ્રદક્ષિણા અને ગિરનારનું ચઢાણ તો લગભગ લોકોએ કર્યું જ હશે. અને એ નાતે એક વખત ગુજરાતના આ સૌથી ઊંચા પર્વતની મુલાકાત પણ લીધી જ હશે! લોકસાહિત્યમાં એક દૂહો છે:

સોરઠ ધરા ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, એનો એળે ગયો અવતાર!

ગિરનાર પર્વતનું ૩,૩૮૩ ફીટનું ચઢાણ કરવા લાગો એટલે રસ્તામાં એક શિલા દેખાશે. કદમાં વિશાળ એવી આ શિલાની નીચે તમે ઊભા રહો એટલે શરીરમાંથી એક લખલખું પસાર થઈ જાય. આ વિશાળ કાળમીંઢ શિલા એકદમ સીમિત આધાર સાથે જોડાઈને જાણે લટકતી હોય એવી ભાસે છે! જાણે કે, હમણાં જ પડશે! પણ ના; ઇતિહાસ કહે છે, કે એ લટકતી શિલા આજકાલની નથી, એને તો ૯૦૦ વર્ષથી ઉપરનો સમય વીતી ગયો છે! આશ્વર્ય થાય એવી વાત છે. પણ આ ઇતિહાસે બયાં કરેલી હક્કીકત છે.

Image Source

શું છે લટકતી શિલાનું રહસ્ય? —

સવાલ થાય જ, કે આ હમણાં પડશે એવી ભીતીની કારક બનનારી શિલા આ જ સ્થિતીમાં ૯૦૦ વર્ષથી લટકે છે કેવી રીતે? શું છે આની પાછળનું રહસ્ય? રહસ્ય છે જુનાગઢની રાણીનું! એની પાછળ જોડાયેલી છે એક દુર્ભાગી સતીની કથા. એવી સતી, જેણે માતા સીતાની જેમ જીવતાજીવ તો સુખ ભાળ્યું જ નહોતું. જન્મથી જ ઉપરાછાપરી આઘાતો સહન કરતી આ દેવી જેવી સ્ત્રી કોણ હતી? આજે આ બધા સવાલોના જવાબો એકદમ રસપ્રદ રીતે આપવાના છે.

જન્મતા જ તરછોડાયેલી દેવડા ઠાકોરની દીકરી —

વાત જૂની છે. દેવડા ઠાકોર નામના એક માણસને દીકરાની તીવ્ર ઇચ્છા હતી. પુત્રપ્રાપ્તિ માટે એણે ઘણું કર્યું. પણ જન્મ તો થયો એક દીકરીનો. કહે છે કે, પંડિતે કંઈક જોશ ભાખ્યાં કે, આ દીકરી તમારા માટે જોખમ લઈને આવશે. એટલે પિતાએ તો દીકરીને જંગલની મધ્યમાં છોડી દીધી. એકલી-અટૂલી નાનકડી બાળા અને અગાધ અરણ્ય! પણ રામ રાખે એને કોણ ચાખે?

જુનાગઢની પાસેના ગામ મજેવડીના એક કુંભારને આ નાનકડી બાળા જડી. એને આશ્વર્ય તો જરૂર થયું હશે પણ એને નાનકડી બાળાની દયા આવી ને હેત ઉપજ્યું. ફૂલને ઉછેર્યું. નામ પડ્યું – રાણક. રાણક મોટી થઈ. રૂપરૂપના અંબાર જેવી રાણકમાં ખાનદાનીનું ખમીર ઝળકતું હતું. એની સિંહણ શી આંખો ભલભલાને ડારવા માટે પૂરતી હતી.

સિધ્ધરાજ જયસિંહની આણ —

એ વખતે જુનાગઢની ગાદી પર રા’ખેઁગાર (બીજા)નું રાજ હતું. અને ગુજરાતમાં અણહિલપુર પાટણ પર સિધ્ધરાજ જયસિંહનું રાજ હતું. ગુજરાતના સોલંકી રાજાઓ અને સોરઠના-જુનાગઢના રા’વંશી રાજવીઓને એકબીજા સાથે બાપેમાર્યાં વેર હતાં. બંને વંશનો પાયો નાખનાર રાજવીઓથી જ વેર ચાલ્યું આવતું હતું. સોલંકીવંશના સ્થાપક મૂળરાજ સોલંકીએ આટકોટના યુધ્ધમાં કચ્છના રાજવી લાખા ફૂલાણીની સાથે જુનાગઢની ગાદી પર રા’વંશના સ્થાપક રા’ગ્રહરિપુને પણ હણ્યો હતો. વેરની શરૂઆત ત્યાંથી થઈ.

Image Source

સિધ્ધરાજ જયસિંહની વાતો તો જનસામાન્યને પણ ખબર હોય એટલી વ્યાપક છે. ગુજરાતના આરંભથી છેવટ સુધીના રાજવીઓની યાદી તૈયાર કરો, તો એમાં સૌથી વધારે ફળદાયી સિધ્ધીઓ જો કોઈએ મેળવી હોય તો એ જયસિંહ સિધ્ધરાજ સોલંકી! સમગ્ર ગુજરાત પર એણે શાસન સ્થાપી દીધું હતું. એમાં સોરઠ પણ આવે, કચ્છ પણ આવે, તળગુજરાત અને દક્ષિણ ગુજરાત પણ આવે અને ઉત્તર ગુજરાતની ભૂમિ પણ આવે. પણ માત્ર ગુજરાત જ નહી, જયસિંહના વખતમાં સોલંકીઓના બહુચરા માતાજીના વાહનના ચિહ્નવાળા કુકુરધ્વજની આણ છેક માળવા, રાજસ્થાન અને ભારતના બીજા પણ અનેક ભાગો સુધી પહોઁચી હતી. એની પાસે વિશાળ સેના હતી, પ્રશિક્ષિત સામંતો હતા, ખંડોમાં બેસીને ને રણમેદાનમાં ઘૂમીને રણકૌશલ્યની અને સુગઠિત શાસનની થિયરીઓ ઘડનારા મુંજાલ મહેતા ને સોમા મહેતા જેવા પ્રધાનો હતા. એ થિયરીઓને પ્રેક્ટિકલી અમલમાં મૂકનારા દંડાધિપતીઓ હતા, કોટવાળો હતા, સાંધિવિગ્રહકો હતા. કુમારદેવી અને ધ્રુવદેવીનો અંશ હોય એવા રાજમાતા મીનળદેવી હતા. સરસ્વતીને તીરે વસેલું અણહિલપુર પાટણ એ વખતે ભારતનું કૌશલ્યકેન્દ્ર બની ગયું હતું. અહીં સરસ્વતીના પાણી હતાં તો સરસ્વતીની વાણી પણ હતી. એક જૈન સૂરિ, નામે હેમચંદ્રાચાર્યે અહીં જ વસવાટ કરીને ગુજરાતી ભાષાનું ઘડતર કર્યું હતું. હેમાચાર્યના ગ્રંથ ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ને સિધ્ધરાજે હાથીની અંબાડી પર મૂકીને નગરની પ્રદક્ષિણા કરી હતી. વીણાવાદિનીનું આવું તે સન્માન બીજે ક્યાં થયું હતું કે થવાનું હતું! ભોજરાજ મર્યા અને ધારાનગરી પતન પામી એ પછી દેવી સરસ્વતીએ પાટણમાં જ જાણે વાસ કર્યો હતો. [ પાટણની ભવ્યતાની અને સિધ્ધરાજની સિધ્ધીઓની વાત એક પોસ્ટમાં થઈ શકે નહી. ]

આવા પાટણનું નાક કાપ્યું હતું રા’ખેંગારે! સિધ્ધરાજ જયસિંહને હંમેશ માટે જેનો ખટકો રહ્યો એ પરાક્રમ કર્યું હતું જુનાગઢના રાજવીએ.

Image Source

બાપની અસંભવ મનાતી પ્રતિજ્ઞાઓ દીકરાએ પૂરી કરી —

તો સામે પક્ષે સોરઠમાં પણ જુનાગઢની આણ સર્વોપરી બની હતી. અહીં નવઘણ, ગ્રહરિપુ અને ડિયાસ જેવા રાજાઓનો વંશજ, ચંદ્રવંશી રા’ખેંગાર રાજ કરતો હતો. ખેઁગાર આમ તો રા’નવઘણનો સૌથી નાનો દીકરો, એટલે રાજગાદીનો સીધો વારસદાર તો હતો નહી. પણ ઘટના જાણે એમ ઘટી કે, રા’નવઘણને કોઈ કારણસર પાટણના સોલંકીઓ સાથે મનદુ:ખ થયેલું. કહેવાય છે કે, સિધ્ધરાજ જયસિંહે એક વખત રા’નવઘણને દાંતે તરણું લેવડાવેલું! બુઢ્ઢા રા’ને માથે એ વખતે ધરતી મારગ આપે તો અબઘડી સમાઈને જીવ દઈ દઉં એવી લજ્જા સવાર થઈ ગઈ હતી. પણ એમ મરવું થોડું જ સહેલું છે?

કાળઝાળ બનેલા રાજા નવઘણે ચાર પ્રતિજ્ઞાઓ લીધી : પાટણનો દરવાજો ભાંગવો, મીસણ બારોટ(કે ચારણ)ના ગાલ ફાડવા, ભોંયરાનો ગઢ તોડવો અને ઉમેઠના રાજાને હણવો. ઉમેઠના રાજાએ અને મીસણ બારોટે નવઘણની બેઈજ્જતી કરવામાં ભાગ ભજવ્યો હતો. પણ વૃધ્ધ થતા નવઘણને લાગવા માંડ્યું કે, મારાથી આ પ્રતિજ્ઞાઓ પૂરી થઈ શકે એમ છે નહી. એમાંયે પાટણષો દરવાજો તોડવો એટલે તો સિંહને શિકાર કરવા નોતરું આપવા જેવું થાય!

નવઘણની અંત વેળા નજીક આવી. પોતાના ચાર દીકરાઓને બોલાવ્યા. પ્રતિજ્ઞાઓ સંભળાવી ને કહ્યું કે જે આ ચારેય પ્રતિજ્ઞા પૂર્ણ કરશે તેને જુનાગઢની ગાદી મળશે. મોટેરા રાયઘણજીએ કહ્યું, બાપુ! ચાર તો નહી, પણ એક પૂર્ણ કરી દઈશ. બાપે બીજા દીકરા સામે જોયું. એ પણ બોલ્યો, બાપુ એક! ત્રીજા સામે. એના મોઢેથી પણ એ જ જવાબ મળ્યો. પણ બાપુને તો ચારેચાર પ્રતિજ્ઞા પૂર્ણ કરીને સિધ્ધરાજના ચડી ગયેલાં નાકની દાંડી ભાંગી નાખે એવો હિરલો જોઈતો હતો.

Image Source

આખરે નાનેરા ખેંગારે કહ્યું, બાપુ! તમે નિરાંતે પાણી પી લો. હું નવલખ સોરઠના ધણી રા’નવઘણનો દીકરો વચન આપું છું કે, મારા બાપે લીધેલાં ચારેય પ્રણ પૂરાં ન કરું ત્યાં સુધી મારે ચેનથી જીવવું હરામ! રા’ના જીવને સંતોષ થયો. એ નિરાંતે મર્યો. રા’ખેંગાર ગાદીએ આવ્યો અને પાટણનું નાક કાપવાનું કાઉન્ટડાઉન શરૂ થયું…

રા’ખેંગારે અતુલ્ય પરાક્રમ દેખાડ્યું. એ રાજવી હવે વિકરાળ બન્યો. એણે ઉમેઠના રાજાને માર્યો. એક પ્રતિજ્ઞા પૂરી! એણે ભોંયરાનો ગઢ પણ અવિશ્વસનીય પરાક્રમ કરીને ભાંગી જ નાખ્યો. બીજી પૂરી! પછી એણે મીસણ બારોટને બોલાવ્યો. બારોટના કંઠે દુહાઓ સાંભળ્યા. પછી એને હિરા-મોતીની ભેટ આપી. હિરા એના ગાલમાં ભર્યાં. આપી-આપીને એટલાં આપ્યાં કે એના ગાલ ફાટી ગયા. ત્રીજી પૂરી! એ પછી ખેંગારે પાટણના વાવડ લીધા. જયસિંહ માળવા તરફ ચડાઈ લઈને ગયો હતો. ખેંગારે લાગ સાધ્યો અને જઈને અણહિલપુર પાટણનો પૂર્વ તરફનો દરવાજો ભાંગી નાખ્યો. ચોથી પ્રતિજ્ઞા પણ પૂરી! પણ આ છેલ્લું પ્રણ પૂર્ણ થયું એનું પરિણામ ભયંકર આવવાનું હતું. પાટણનો દરવાજો ભાંગવો એટલે પાટણનું નાક કાપવું! ખેંગારે જયસિંહનું નાક જ વાઢી લીધું હતું. પાછા ફરેલા જયસિંહને ખબર પડી ને તે સમસમી ગયો. ખેંગારને કોઈ પણ ભોગે ઠેકાણે પાડવાને તે લાગ શોધી રહ્યો.

રાણકદેવી અને રા’ખેંગાર —

હવે રાણકદેવીને લક્ષમાં રાખીને વાત આગળ વધે છે. કોઈ એક વખતે યુવાવસ્થામાં પહોંચેલ રાણકદેવી અને રા’ખેંગારની નજર મળી. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. એ વખતમાં સિધ્ધરાજ જયસિંહના ભાટો સોમનાથની યાત્રાએ જતા જુનાગઢમાં કુંભારની ઘરે ઉતારો મેળવે છે. એ વખતે તેમની નજર દેવકન્યા સમાન રાણકદેવી પર પડી. ભાટોએ પાટણ જઈને કહ્યું કે, જુનાગઢની એ કન્યા તો પાટણપતીની પટરાણી તરીકે જ શોભે!

Image Source

પાટણથી સિધ્ધરાજનું માગું જુનાગઢ આવે છે. રાણકદેવીના પાલકપિતા હા ભણી દીધી. ગોળધાણા ખવાઈ ગયા. પણ જ્યારે રાણકદેવીને આ વાતની ખબર પડી ત્યારે એણે જયસિંહની રાણી બનવાની ઘસીને ના પાડી દીધી. કહ્યું, મારું હ્રદય તો હવે જુનાગઢના રા’ માટે જ ધડકે છે. રાણકદેવીના નનૈયાની ખબર પાટણ પહોંચી. રાણકદેવીને મનાવવા ઘણા પ્રયત્નો થયા પણ હવે માને એ બીજું! પછી તો રાણકદેવી અને રા’ખેંગારના લગ્ન પણ થઈ ગયાં. સિધ્ધરાજ જયસિંહને આ સમાચાર મળ્યા અને તેમની આંખો કાળઝાળ અગન વર્ષાવી ઉઠી. ખેંગારની ગુસ્તાખીઓનો જે ભારેલો અગ્નિ સિધ્ધરાજના અંતરમાં હતો તેમાં હવે પલીતો ચંપાયો. આગ ભભૂકી ઉઠી.

સિધ્ધરાજની જુનાગઢ ઉપર ચડાઈ —

જુનાગઢ પર ચડાઈ લઈ જવાનો હુકમ થયો અને સિધ્ધરાજની દોરવણીમાં વિશાળ સૈન્ય કાફલો સોરઠ તરફ આગળ વધ્યો. આ બાજુ જુનાગઢનું સૈન્ય ઉપરકોટના કિલ્લામાં આવી ગયું. દરવાજા દેવાઈ ગયા. ઉપરકોટનો કિલ્લો એટલે જાણે ઇન્દ્રનું વજ્રાસ્ત્ર! હજારોને મોઢે એમાં સૈન્ય સમાઈ રહે. પાણી, ખોરાક અને શસ્ત્રસરંજામની વ્યવસ્થા પણ જડબેસલાક. ગિરનારની કરાડો અને ઉપરકોટની અભેદ દિવાલોનું કોમ્બીનેશન શત્રુસૈન્યને ખતરનાક માત આપવા માટે પૂરતું છે.

સોરઠ અને ગુજરાતની સેનાઓ અથડાઈ. અને વર્ષો સુધી ચાલનારા એક ભયાવહ યુધ્ધનો એ સાથે આરંભ થયો. સોલંકીઓની પાસે સૈન્યશક્તિ બધી રીતે જુનાગઢ કરતા વધારે હતી. પણ જુનાગઢની સેનાનું જમા પાસું ઉપરકોટનો કિલ્લો હતો. વર્ષો વીતી ગયાં પણ જયસિંહની સેના ઉપરકોટનો કાંગરો પણ ના ખેરવી શકી. કિલ્લાની બહાર સોલંકીઓનો પડાવ પડ્યો તેને કેટલાંય ચોમાસા વીતી ગયાં પણ જુનાગઢ ઝુકતું નથી, ઉપરકોટ નમતો નથી ને ખેંગાર હારતો નથી!

Image Source

હદ થઈ ગઈ. જે પાટણપતિ માળવાના યશોવર્માને ધરાશાયી કરી શકે, મધ્યભારતમાં ને મારવાડમાં આણ વર્તાવી શકે, સિંધમાં ડારો ફેલાવી શકે એ યુધ્ધવીર જુનાગઢમાં વર્ષો વીતવા છતાં કશું પકાવી ન શક્યો! જયસિંહની માથે નામોશી ચડી રહી હતી. બર્બરકજિષ્ણુ, સિધ્ધરાજ, રાજાધિરાજ પરમેશ્વર, અવંતિનાથ, ત્રિભુવનગંડ…આ બધાં ઉપનામો ધરાવતો જયસિંહ ‘સોરઠપતિ’ બનવાનો કે ઉપરકોટની નિર્જીવ શૂરવીરતા સામે હારીને પાછો પાટણ આવવાનો? પ્રશ્નો અનેક હતા. પણ ઉપરકોટ જાણે જયસિંહની સેના સામે અટ્ટહાસ્ય વેરતો હતો.

ભાણેજો ફૂટ્યા! —

પણ આખરે પાસું બદલ્યું. સિધ્ધરાજે બળથી નહી પણ કળથી જુનાગઢ સર કરવાની તરકીબ અજમાવી. એણે રા’ખેંગારના ભાણેજો – દેશળ અને વિશળ -નો સંપર્ક સાધ્યો. લાલચ આપી કે, ખેંગાર હારી જાય તો જુનાગઢની ગાદી તમને સોંપું. બસ! પછી શું હતું?

એક દિવસ ભાંગતી દેશળ-વિશળ દગો રમ્યા. હળવે રહીને એણે ઉપરકોટનો દરવાજો ખોલી નાખ્યો. હડૂડાટ કરતું બહાર સોલંકી સૈન્ય ગઢની અંદર પ્રવેશ્યું. મારો-કાપોની બૂમરાણ ઉઠી. અંધારામાં ધીંગાણું જામ્યું. જુનાગઢની અસાવધ સેના પર પાટણની ફોજે બરાબરનો સકંજો કસ્યો. બહાદુરો લડ્યા, ખપ્યા. કોટની દિવાલો રક્તરંજિત બની.

Image Source

રા’ખેંગારને હવે બાજી હાથમાંથી સરી જતી લાગી. રાણકદેવીને છેલ્લા જુહાર કહીને જુનાણાના ધણીએ કેસરિયા કર્યાં. એ યુધ્ધમાં ઉતર્યો. એની શૂરવીરતાના પરચા અગાઉ તો પાટણને મળી જ ચૂક્યા હતા. આજે એનું કાળભૈરવ સમું રૂપ સામે આવ્યું. એના બંને હાથમાં ફરતી તલવારો પ્રલયી ભાસી. એની સમશેરનો એક વાર સોલંકી સેનામાં ગાબડું પાડી દેવા માટે પૂરતો હતો. પણ આખરે ઘેરાયેલો માણસ ક્યાં સુધી ટકે? સામે તો દરિયો હતો. ખેંગાર ઘેરાયો. અંધારામાંથી એક સમશેરનો ઘા આવ્યો. ખેંગારનું મસ્તક વઢાયું. રા’વંશના એક પ્રતાપી રાજવીનો અંત આવ્યો. પુષ્કળ ઊર્જાથી ભરેલું એનું શરીર ક્યાંય સુધી તરફડતું રહ્યું. એ દિવસે ગિરનાર રોયો હશે, ઉપરકોટ લાચાર બનીને જોઈ રહ્યો હશે.

જયસિંહનું પાપ જાગ્યું —

રા’ખેંગાર મરાયો અને જયસિંહ ઉઘાડી તલવારે સીધો રાણીવાસમાં પ્રવેશ્યો. રા’ખેંગારના મૃત્યુના સમાચાર સાંભળીને રાણકદેવી સતી થવાની તૈયારી કરી રહેલ. કલૈયા કુંવર જેવા નાના બે દિકરાઓ પાસે હતા. વિજેતા જયસિંહ વિવેકભાન ભૂલ્યો હતો. ઘડીભર વિચાર ઝબકી આવે કે, આવો પ્રતાપી રાજવી આમ કઈ રીતે કરી શકે? એની બદલાની આગ જાણે હજી ભભૂકતી જ હતી.

Image Source

રાણકદેવીના ઓરડે આવીને એને પોતાની રાણી બનીને પાટણ આવવા તૈયાર થઈ જવાનું કહ્યું. રાણકદેવીથી આ સહન ના થયું. વિજેતા જયસિંહ રણમેદાનનો વિજેતા હતો, રાણીવાસનો નહી! રાણકદેવીએ એને મોઢામોઢ સંભળાવી દીધું.

સિધ્ધરાજ આગળ વધીને રાણકદેવીનો હાથ પકડવા જાય છે ત્યાં રાણકદેવીના બાળકુંવરો આગળ વધે છે. નાની શી ઉંમર પણ શી ખુમારી!

હરિયલ ઘરે ન હોય, ફળિયામાં કુંજરડા ફરે;
(પછી) એને વયની વાતું ના હોય, કેસર બચ્ચાંને ‘કાગડા’!

સિંહના બચ્ચાંને વળી ઉંમરની હારે શી લેવાદેવા? ભલે તાકાત ઓછી હોય તેથી શું થયું? માપ તો જીગરનું લેવાનું હોય! બાળરાજાઓએ સિધ્ધરાજને પડકાર ફેંક્યો. કહેવાય છે કે, ગુસ્સામાં ભાન ભૂલેલો સિધ્ધરાજ મહાપાતક કરી બેઠો. એણે તલવારને ઝાટકે બાળકોને વધેરી નાખ્યાં! હાહાકાર મચી ગયો. રાણકદેવીના મુખમાંથી શ્રાપ નીકળ્યો, ‘નિર્વંશ જજો તારું કુળ!’

ગિરનારને શ્રાપ —

મહાપાતક કરી બેઠેલા જયસિંહની આંખો હજી ના ઉઘડી. પોતાની શક્તિઓનો તેણે આંધળો અને સર્વથા અયોગ્ય દુરૂપયોગ કર્યો હતો. એ રાણકદેવીને લઈ જવા લાગ્યો. હવે રાણકને બચાવનાર પણ કોણ હતું? એકલી-અટૂલી તે ધા નાખતી રહી. એની નજર ગિરનાર પર ગઈ. આવો અડીખમ ગિરનાર ઉભો રહ્યો ને મારો ખેંગાર જતો રહ્યો? ફૂલડાંઓની હત્યાને પણ આ નગાધિરાજ ઉભો-ઉભો નિહાળી રહ્યો? એણે કોઈ પ્રતિક્રિયા ન આપી?

રાણકદેવી ગિરનારને ઉદ્દેશીને કહે છે :

ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે;
મરતા રા’ખેંગાર, રંડાયો રાણકદેવીને!

અને પછી જે વાણી નીકરી તે વાદળીઓના વારણા પામતા ગિરનાર માટે ભયનજક હતી. એ ધ્રૂજી ઉઠ્યો. રાણકદેવીના મુખમાંથી નિસાસો નીકળ્યો :

ગોઝારા ગિરનાર! વેરીને વળામણ કિયો;
મરતા રા’ખેંગાર, ખળેળી ખાંડો ન થિયો?

હે ગોઝારા ગિરનાર! તારી હાજરીમાં ખેંગાર મરાયો. જુનાગઢ પડ્યું. આ બધું જોવા છતાં તું હજુ ઉભો છે? ધ્વસ્ત કેમ નથી થઈ જતો તું?

Image Source

એ પછી લોકકથાઓ કહે છે કે, ગિરનાર ખરેખર ખળભળવા લાગ્યો. એની વિશાળ શિલાઓ છૂટી પડવા માંડી. કંઈક વર્ષોથી અખંડ ઉભેલો ગિરિરાજ જાણે હવે થોડાંક વખતનું જ મહેમાન હોય તેવું ભાસવા લાગ્યું. જુનાગઢની પ્રજા જાણે ડરી ઉઠી. અડીખમ ગિરનાર ઢળી પડશે તો શું થશે? લોકો રાણકદેવીના પગે પડ્યા. મા! ગિરનાર પડશે તો સોરઠનું શું થશે? એને બક્ષી દો મા…!

રાણકદેવીને પણ નગરજનોની વાત સાચી લાગી. એણે પડવા જતી એક શિલા પર થાપા માર્યા. મારા આધાર! પડવાનું રહેવા દે. તારાં ચોસલાં કોઈ ચડાવી નહી શકે પાછાં. એ ચડાવનારા તો ગયા!

મા પડ! મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે?
ગયા ચડાવણહાર, જીવતાં જાતર આવશે!

અને ગિરનારને જાણે જીવતદાન મળ્યું! એ પડતા રહી ગયેલી શિલા આજે પણ છે. હમણાં ખાબકશે એવી ભીતી અમુક યાત્રાળુઓ સેવે છે પણ એ કદી પડવાની છે નહી. એની સાક્ષી આપતા રાણકદેવીના થાપાના નિશાન આજે પણ દ્રશ્યમાન છે. એક સતીના શાપ કેટલી હદે અસર કરે છે તેનું આનાથી સારું ઉદાહરણ બીજું ક્યું હોઈ શકે?

Image Source

ભોગાવોને કાંઠે —

જયસિંહ ધરાર રાણકદેવીને પાટણ લઈ જતો હતો. પણ આખરે એની હઠનો અંત આવ્યો. કહેવાય છે કે, પાટણથી મીનળદેવી અને મંત્રીઓનો સંદેશો આવ્યો કે, એ દેવી છે. એને છોડી દે. બાકી એના હાયકારા તને પરભવ પણ સુખી નહી થવા દે!

વઢવાણની પાસે ભોગાવોને કિનારે રાણકદેવી સતી થયા. ભોગાવોને કાંઠે એમની ચિતા ભળભળ બળી રહી. સોરઠની આ સતી હંમેશ માટે વંદનીય-પૂજનીય બની રહેવાની હતી. રાણકદેવી જે જગ્યાએ સતી થયેલા ત્યાં, વઢવાણ શહેરની પાસે – ભોગાવોને તીરે રાણકદેવીનો મહેલ ઊભો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આકર્ષક એવો આ ૧૧૭ સ્તંભવાળો મહેલ આજે ખંડિયેર અવસ્થામાં છે. ખુમારી, ઉજ્જવળ પ્રેમ, અણીશુધ્ધ ચારિત્ર્ય અને શૌર્યતાની મૂર્તિ સમાન રાણકદેવીના આ સ્થાનની મુલાકાત લેજો. એ મહાન નારીના બલિદાનના પડઘાઓ આજે પણ સંભળાશે.

[નોંધ: અહીં પૂરક માહિતી તરીકે એટલું ઉમેરવાનું કે, અહીં જે રા’નવઘણની વાત થઈ છે એ રા’નવઘણ એટલે દેવાયત આહીરે ઉછેરેલ અને સિંધના સુમરા પર આક્રમણ કરી બહેન જાહલને છોડાવનાર રા’નવઘણ નહી. એ તો હતો રા’નવઘણ – પ્રથમ. એનો દિકરો હતો : રા’ખેંગાર – પ્રથમ, જે બાંધકામોનો શોખીન હતો, ખેંગારવાવ અને ઉદયમતિ સહિતના બાંધકામ એણે કરાવ્યાં હોવાનું કહેવાય છે.

Image Source

એ રા’ખેંગાર – ૧ નો પુત્ર એટલે અહીં જેની વાત થઈ છે તે રા’નવઘણ – બીજો. અને એનો દીકરો એટલે રા’ખેંગાર – બીજો, જેની અહીં વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રા’વંશે ૮૭૫ થી ૧૪૭૨ સુધી સોરઠ પર રાજ કર્યું. આ વંશનો છેલ્લો રાજા હતો : રા’માંડલિક-ત્રીજો. મહંમદ બેગડાએ આ સમયે જુનાગઢ પર આક્રમણ કર્યું અને જુનાગઢ જીતી લીધું. એ પછી રા’માંડલિક ધર્માંતરણ પામ્યો. માંડલિકની વાત હ્રદયદ્રાવક છે, ઝાટકા સાથે આજની પેઢીની આંખો ઉઘાડનારી છે. જુનાગઢના આ છેલ્લા રાજવીના અધ:પતન કારણો પરથી આજની નવતર પેઢીને ઘણું એટલે ઘણું શિખવા મળે તેમ છે.

અહીં જે પોસ્ટ મૂકવામાં આવી છે તેમાં સિધ્ધરાજ જયસિંહ સહિત કોઈના વિશે ઘસાતું બોલવાનો કોઈ ઇરાદો નથી. સદીઓ કહેવાતી આવતી વાત અહીં વ્યવસ્થિત કરીને મૂકવામાં આવી છે. અમુક ઇતિહાસકારો રાણકદેવી એક કાલ્પનિક પાત્ર છે એવી વાત પણ ઉચ્ચારે છે.

બાય ધ વે, આ પોસ્ટ પસંદ આવી હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો. ગૌરવકથાઓ વાંચવી એ શુભકામ જ છે. આવી જ પોસ્ટ મેળવવા માટે ગુજ્જુરોક્સની એપ, વેબસાઇટ અને ફેસબુક પેજની મુલાકાત લેતા રહેજો. ધન્યવાદ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks