ખબર

વડોદરાની MS યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં ફાટ્યો કોરોનાનો રાફડો, 175 વિદ્યાર્થીનીઓમાંથી 36ના રીપોર્ટ આવ્યા પોઝિટિવ

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર ઘણો જ વધી રહ્યો છે. ગઇકાલની જ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં સૌથી વધુ કેસ 20 હજાર જેટલા નોંધાયા હતા. અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કોરોનાના કેસ ઘણા વધી રહ્યા છે ત્યારે હાલ એક સમાચાર સામે આવ્યા છે કે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગર્લ્સ હોસ્ટેલની જે 175 વિદ્યાર્થીનીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં 36ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત એક વિદ્યાર્થીની તો કોરોના ટેસ્ટ દરમિયાન જ બેભાન થઇને પડી ગઇ હતી. હાલ આ 36 વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીના કેમ્પસમાં જે આઇસોલેશન હોલ બન્યો છે ત્યાં રાખવામાં આવી છે અને તમામના પરિવારને પણ જાણ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ તો જે વિદ્યાર્થીનીઓ પોઝિટિવ આવી છે તેઓને મેડિકલ ટીમ દ્વારા દવા આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં કોરોનાના કેસો વધતાં સત્તાધીશો અને વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયાં છે. એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ ખાતે આવતીકાલે કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલાં 22 જાન્યુઆરીના રોજ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે આવતીકાલે જ બોયઝ હોસ્ટેલમાં કોરોના ટેસ્ટ કરાવવા મેડિકલ ટીમ દ્વારા યુનિવર્સિટી તંત્રને જણાવવામાં આવ્યુ હતુ.

મહાનાગર પાલિકાના સહયોગથી આજે સવારના 10 વાગ્યાથી લઇને બપોરના 2 વાગ્યા સુધી 175 વિદ્યાર્થીનીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 36 રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ તમામને તાત્કાલિક દવા આપીને હોસ્ટેલના આઇસોલેશન હોલમાં શિફ્ટ કરવા માટે વોર્ડનને સૂચના આપવામાં આવી હતી અને સાથે સાથે તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવશે. હાલ 4 ગર્લ્સ હોસ્ટેલમાં કુલ 220 વિદ્યાર્થિનીઓ રહે છે. 21 જાન્યુઆરીએે યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ ખાતે પણ ધન્વંતરિ રથના માધ્યમથી કોરોના ટેસ્ટ કરશે.