આજની યુવાપેઢીને શું થઇ રહ્યું છે ? સેલવાસમાં બસ કંડકટર યુવતીએ ગળે ટુંપો ખાઈ અને રાજકોટમાં મામલતદારની દીકરીએ અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં આ કારણે હતાશ થયેલી યુવતીએ રાત્રે 3 વાગે ઘરની બહાર જ અગ્નિસ્નાન કર્યું, તો સેલવાસમાં અપમાન સહન ના કરી શકનારી યુવતીએ ગળે ફાંસો ખાધો…જાણો સમગ્ર મામલો

girl suicide in rajkot and silvassa : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. તો ખાસ કરીને યુવા વર્ગમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. ઘણા નાની ઉંમરના છોકરા છોકરીઓ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે વાલીઓની કેટલીક રોકટોકના કારણે આપઘાત કરી લેતા હોય છે.

એકે ગળે ટૂંપો ખાધો તો બીજીએ અગ્નિસ્નાન કર્યું :

ત્યારે હાલ એવા જ બે મામલા સામે આવ્યા છે. જેમાં બે યુવતીઓએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધા છે. એક મામલો સેલવાસમાંથી સામે આવ્યો છે તો બીજો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે. એક યુવતી સેલવાસ સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હતી, તેણે ગળે ટુંપો ખાઈ લીધો, ત્યારે અન્ય યુવતી નિવૃત્ત મામલતદારની દીકરી હોવાનું સામે આવ્યું છે, જેણે અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું.

યુવતી પર લાગ્યો હતો ટિકિટના પૈસા ચોરી કરવાનો આરોપ:

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર, સેલવાસ સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહેલી 23 વર્ષીય સરસ્વતી ભોયા નામની એક યુવતી પર અધિકારી દ્વારા ટિકિટના પૈસા ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેનું માફી પત્ર લીધા વિના જ તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી. જેના બાદ તેને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર:

સરસ્વતીના આપઘાતના પગલે સીટી બસના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. સાથે જ મૃતક યુવતીના પિતાએ અધિકારી પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. તેના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી માફીનામું લઈને ગઈ હતી ત્યારે તેને ચોર કહીને કાઢી મૂકી હતી, જેના બાદ તેને આ પગલું ભર્યું. હાલ પોલીસે યુવતીના મૂર્તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

MBBSનો અભ્યાસ કરતી હતી યુવતી:

તો અન્ય એક મામલામાં રાજકોટ શહેરમાં રહતી અને નિવૃત્ત મામલતદારની દીકરી હેતલ ભોજાણી જેને MBBSનો અભ્યાસ કર્યા બાદ માસ્ટર ડિગ્રી કરી રહી હતી. આ દરમિયાન તેનું ડિગ્રી સર્ટિફિકેટ મોડું આવવાના કારણે તે હતાશ થઇ ગઈ હતી અને તેના કારણે તેને ગતરોજ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ ઘરની બહાર મુખ્ય માર્ગ પર આવીને અગ્નિસ્નાન કરી લીધું હતું.

રાત્રે 3 વાગે જાહેર રસ્તા પર કર્યું અગ્નિસ્નાન:

હેતલના પાડોશી જયારે રાત્રે ગેટ બંધ કરવા માટે બહાર નીકળ્યા ત્યારે તેમણે હેતલને આગની લપટોમાં લપેટાયેલી અને વલખા મારતી જોઈ. જેના બાદ તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીને સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું. પોલીસે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

Niraj Patel