નકલી બંદૂક લઈને બેંકમાં આવી આ છોકરી, પછી મચાવી એવી ધમાચકડી અને 10 લાખ રૂપિયા લઈને થઇ રફુચક્કર, લાઈવ ઘટના કરી શેર, જુઓ વીડિયો

તમે બેંક લૂંટની ઘણી ઘટનાઓ સાંભળી હશે અથવા તો તેના વીડિયો પણ જોયા હશે. ગુનેગારો ઘણીવાર હથિયારોનો ડર બતાવીને સ્ટાફ પાસેથી પૈસા પડાવી લે છે અને ચાલ્યા જાય છે. જો તેમની બંદૂક અસલી હોય તો તેમને ડર લાગવો જ જોઈએ, પરંતુ આ સમયે એક એવા સમાચાર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એક યુવતીએ રમકડાંની બંદૂક બતાવીને બેંકમાંથી પૈસા લૂંટ્યા અને પછી ત્યાંથી ભાગી ગઈ. આ ઘટના સાથે જોડાયેલ એક અન્ય પાસું છે, જે આ ઘટનાને વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બનાવી રહી છે.

યુવતીએ નકલી બાળકોની બંદૂક બતાવીને બેંક સ્ટાફને ડરાવ્યો અને પૈસા લૂંટી લીધા અને ચાલતી થઇ. તેણે આ દરમિયાન એક સંપૂર્ણ લાઈવ વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. વીડિયો વાયરલ થતાં જ લોકો યુવતી વિશે જાણવા લાગ્યા કે તેણે આવું કૃત્ય કેમ કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે આ પાછળ યુવતીનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો ન હતો પરંતુ તેના પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવાનો હતો.

આ મામલો લેબનોનનો છે અને આ કારનામું કરનાર યુવતીનું નામ સેલી હાફિઝ છે. 28 વર્ષની સેલી હાફીઝ એક્ટિવિસ્ટ છે અને બુધવારે તે બાળકોની પ્લે ગન લઈને બેરૂત બેંક પહોંચી હતી. અહીં આવીને તેણે ફિલ્મી સ્ટાઈલમાં બંદૂક બતાવી બેંક સ્ટાફને પૈસા ઉપાડવા કહ્યું. ત્યાં હાજર સ્ટાફ એટલો ડરી ગયો કે તેમને બંદૂક અસલી છે કે નકલી તેની પરવા ન થઈ અને તેઓ ચીસો પાડવા લાગ્યા. હાફિઝે તેમને કહ્યું કે તે કોઈને મારવા નથી આવી, પરંતુ તેણે તેના ખાતામાં જમા પૈસા ઉપાડવાના છે. બંદૂક બતાવીને યુવતીએ પોતાના ખાતામાંથી 10 લાખ 33 હજાર રૂપિયા ઉપાડી લીધા.

એએફપીના અહેવાલ મુજબ, સેલી હાફીઝે આ ઘટનાનું લાઈવ શૂટિંગ કર્યું હતું. તેણે પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેને આ પૈસા તેની બહેનના કેન્સરની સારવાર માટે જોઈતા હતા. તેને 40 લાખ રૂપિયાની જરૂર હતી અને તેના ખાતામાં 16 લાખ રૂપિયા જમા હતા. તે 3 વર્ષથી અટવાયેલા હતા અને બેંક તેને માત્ર 15 હજાર રૂપિયા ચૂકવી રહી હતી. આવી સ્થિતિમાં તેણે બંદૂક બતાવીને 10 લાખ રૂપિયા ઉપાડ્યા.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ એક વ્યક્તિએ આવી જ રીતે બેંક કર્મચારીઓને બંદૂક બતાવીને તેના પિતાની સારવાર માટે લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. લેબનોનમાં 2019માં શરૂ થયેલી આર્થિક કટોકટી પછી, બેંક થાપણો 3 વર્ષથી સ્થિર છે. આવી સ્થિતિમાં, લોકો તેમના પૈસા ઉપાડવા માટે પરેશાન થઈ રહ્યા છે કારણ કે બેંક તેમને નિર્ધારિત મર્યાદામાં પૈસા આપી રહી છે.

Niraj Patel