ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર પ્રેમ સંબંધ તો ઘણીવાર અવૈદ્ય સંબંધ આવા આપઘાતનું કારણ હોય છે, તો ઘણીવાર માનસિક કે શારીરિક હેરાનગતિ.. ઘણીવાર એવું પણ બને છે કે લોકો નાની અમથી વાતમાં આપઘાત જેવુ આત્મઘાતી પગલુ ભરતા હોય છે. ત્યારે હાલમાં રાજકોટના જસદણમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિએ નાની અમથી વાતને કારણે આપઘાત કરી લીધો.
રાજકોટના જસદણના વિરનગરમાં રહેતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હાલ તો એવું સામે આવ્યું છે કે તેની સગાઇ બે મહિના પહેલા જ થઇ હતી અને મેળામાં જવા માટે તેના મંગેતરે મનાઈ ફરમાવતા આ વાતે લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે હાલ પોલીસે પોસમોર્ટમ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના જસદણના વીરનગરમાં રહેતી 20 વર્ષિય આરતી સાકરીયાએ પોતાના ઘરે ઝેરી દવા ખાઈ આપઘાત કરી લીધો હતો. દીકરીના આપઘાતથી પરિવારમાં પણ માતમ ફેલાઇ ગયો છે. હાલ જસદણ પોલીસે મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. આરતીની સગાઇ બે મહિના પહેલા જસદણના બાખલવડ ગામે વિજય પલાડીયા નામના યુવક સાથે થઈ હતી.

તેઓ બંને શુક્રવારના રોજ સોમનાથ દર્શને ગયા અને પછી ત્યાંથી પરત ફર્યા બાદ બીજા દિવસે વિજયને બીલેશ્વર મેળામાં જવાનું કહેતા તેણે બાઇક નહીં હોવાનું જણાવ્યું અને તેને પગલે આરતીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો. આરતી બે ભાઈ ત્રણ બહેનમાં ત્રીજા નંબરની હતી.