હત્યા કે આત્મહત્યા ? 3 દિવસથી ગુમ જૂનાગઢના ઝાંઝરડાની યુવતિની લાશ હસ્‍નાપુર ડેમમાંથી મળી

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ, અંગત અદાવત કે પછી અન્ય કારણો હોય છે. ગુજરાતના જૂનાગઢના ઝાંઝરડાની એક યુવતી ત્રણ દિવસથી રહસ્યમય રીતે ગુમ થઇ હતી, જે બાદ ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ યુવતિનો મૃતદેહ 4 દિવસની શોધખોળ બાદ ગિરનાર જંગલમાં આવેલા હસનાપુર ડેમના ઓવરફ્લો વિસ્તારમાંથી મળી આવ્યો હતો. જોકે, હાલ તો તેની મોત પાછળનું કારણ અકબંધ છે. આ યુવતિનું નામ જાહ્નવી મહેતા છે, જે કોમ્પ્યુટર એન્જીનીયરીંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.

ગત 2 તારીખના રોજ જાહ્નવી અને તેની મિત્ર બંને કોલેજની હોસ્ટેલમાંથી નીકળી હતી અને હસનાપુર ડેમ સાઈટ ઉપર ગઇ હતી. જ્યા બંનેએ નાસ્તો કર્યા બાદ સેલ્ફીઓ લીધી હતી અને ફોટા પાડ્યા હતા. જાહ્નવીનો કોહવાઈ ગયેલો મૃતદેહ જામનગર પીએમ માટે મોકલવામાં આવ્યો છે. જાહ્નવી તેની મિત્ર આસ્થા સાથે ડેમ સાઈટ ફરવા નીકળી અને બંને ત્યાં પહોંચ્યા એ પહેલા કેટલાક સીસીટીવી ફૂટેજમાં પણ બંને જોવા મળી રહ્યા છે. જાહ્નવીની મિત્ર આસ્થા જ્યારે પરત ફરી ત્યારના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા નથી. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પરંતુ રસ્તા પર રડતી રડતી જતી હોવાનું નજરે જોનારા અને તેને મદદ જોઈતી હોવાનું કહેનારા લોકો મળી રહ્યા છે. જો કે, આસ્થાએ કોઈ સાથે વાત કરી નથી અને જ્યારે તેના પિતાને વાત કરી ત્યારે તેની મિત્ર જાહ્નવી એ ડેમમાં પડી આત્મહત્યા કરી લેતા પોતે દુઃખી હોવાનું અને પોતે પણ મરી જશે એમ કહેતી હતી. ઝાંઝરડા રોડ પર રહેતા મીતલબેનના જણાવ્યા મુજબ તેમની દિકરી જાહ્નવી ત્રણ દિવસથી ગાયબ હતી અને આ અંગે તેમણે આસ્થાનો સંપર્ક સાધ્યો હતો

અને તેણે જણાવ્યુ હતુ કે, બંને હસ્નાપુર ડેમ ખાતે ગઇ હતી જયાં તે ડેમમાં પડી ગઇ. તે બાદ ચાર જિલ્લાની ફાયર ટીમોએ ડેમ ફેંદી નાખ્યો અને તેનો મૃતદેહ ત્રણ-ચાર દિવસની ભારે મહેનત બાદ મળ્યો હતો. બાલાજી હોસ્ટેલમાંથી હસ્નાપુર ડેમ ખાતે બપોરના 12 વાગ્યા પછી ગઇ હતી અને 3 વાગ્યે તે ડેમમાં કુદી હોવાનું આસ્થાનું કહેવું છે. મૃતકના પરિવારજનોએ રહસ્યમય રીતે ગુમ થયાની ડીવાયએસપીને રજુઆત કરતા પોલીસે ચોતરફ તપાસ હાથ ધરી હતી.

આ મામલે આસ્થાની જુબાની ખુબ અગત્યની છે. મૃતકનો કથિત પ્રેમી કે જેની સગાઇ થોડા સમય પહેલા થઇ છે તે શંકાના દાયરામાં છે. થોડા સમય પહેલાં સગાઇ મામલે મૃતક અને તેના કથિત પ્રેમી વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઇ હતી અને યુવકે તેને માર પણ માર્યો હતો. આની જાણ પરિવાજનોને પણ હતી. ત્યારે આ મામલે કથિત પ્રેમીની ભૂમિકા છે કે નહિ તે તપાસનો વિષય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુવતિના હાથ અને ગાલ પર ઇજાના નિશાન જોવા મળ્‍યા હતા.

Shah Jina