ગાંધીનગરમાં 800 કરોડની હોટલના ઉદ્દઘાટન પૂર્વે જ એક 5 મહિનાની માસુમ બાળકીને પાર્કિંગમાં જ ટ્રેક્ટરે કચડી નાખી

આજે ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર બનેલી ભવ્ય હોટલનું ઉદ્દઘાટ પ્રધાન મંત્રી મોદી ઓનલાઇન માધ્યમથી કરવાના છે. દેશભરમાં આ હોટલ અને ગાંધીનગરના વૈભવી રેલવે સ્ટેશનની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે હવે એક ખુબ જ દુઃખદ ખબર પણ આવી રહી છે.

ગાંધીનગર રેલવે સ્ટેશનના પાર્કિંગ લોટની અંદર શ્રમજીવી મજુર દંપતી પોતાની 5 માસની દીકરીને સુવડાવીને કામ કરી રહ્યા હતા. તે દરમિયાન લોડર ટ્રેકટરના ચાલકે કાનમાં ઈયરફોન ભરાવી રાખી પોતાનું ટ્રેકટર ગફલત ભરી રીતે હંકારી ગાઢ નિદ્રામાં સૂતેલી બાળકીના માથા પરથી ટ્રેકટર ફરાવી દીધું હતું.

હૃદયકંપાવી દેનારી આ ઘટનામાં માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું. હોટલના ગાર્ડનમાં પ્લોટમાં ચાલતાં માટી પુરાણ કામની જગ્યા નજીક બાળકીને સૂવડાવી હતી. ત્યારે જ ટ્રેકટર ચાલકે બાળકીનો જીવ લઇ લીધો હતો, બાળકીને કચડ્યા બાદ અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ઘટના અંગેની ફરિયાદ પણ સેક્ટર 7 પોલીસમાં કરવામાં આવી હતી. જેના બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બાબતે મળતી વધુ માહિતી પ્રમાણે ગાંધીનગરના સેકટર 3/ડી સાઈ બાબા મંદિર પાસે કાચા છાપરામાં રહેતા ચિરાગ સંઘાડા તેના ભાઈ સાથે માટી લેવલિંગની મજૂરી કામ કરે છે. જેને સંતાનમાં પાંચ મહિનાની દીકરી પ્રિયાંશી છે. છેલ્લા ઘણા સમયથી દંપતી ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસે નવી બનેલી લીલા હોટલનાં ગાર્ડન તેમજ ખાલી પ્લોટમાં મજૂરી કામ માટે જતું હતું.

જયારે આ મજુર દંપતી કામ ઉપર જતું હતું ત્યારે પોતાની બાળકીને પણ સાથે લઇ જતા હતા. પોતાના નિત્યક્રમ મુજબ ગઈકાલે પણ ચિરાગ અને તેની પત્ની મજૂરી કામે લીલા હોટલ ખાતે ગયા હતા અને પોતાની બાળકીને ખુલ્લા પ્લોટમાં સુવવડાવીને તે મજૂરી કરવા માટે લાગી ગયા હતા. અહીં કોઈની અવરજવર નહિવત હોવાથી દંપતી ચિંતા મુક્ત થઈને નજીકમાં મજૂરી કરી રહ્યું હતું અને થોડી થોડી વારે દીકરી તરફ નજર પણ રાખી રહ્યું હતું.

આ દરમિયાન અહીં લોડરનું કામ કરતો ટ્રેકટર ચાલક કાનમાં ઈયર ફોન ભરાવી ગીતો સાંભળી કામ કરતો હતો. જેણે ગીતોની ધૂનમાં પોતાનું ટ્રેકટર ખુલ્લા પ્લોટ તરફ હંકારી રાખ્યું હતું જેથી દૂરથી દંપતી જોઈ જતાં બૂમાબૂમ કરી તેને રોકવાની કોશિશ કરી હતી પરંતુ ઈયરફોનમાં ગીતો સાંભળી રહેલા ચાલકે પોતાનું ટ્રેકટર ગાઢ નિંદ્રામાં રહેલી પ્રિયાંશીનાં માથા પરથી પસાર કરી દીધું હતું. જેનાં કારણે લોહીના ફુવારા સાથે પ્રિયાંશીનું કચડાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

પોતાની આંખો સામે જ દીકરી ઉપર ટ્રેકટર ફરી વળવાના કારણે માતા પિતા પણ આઘાતમાં સરી પડ્યા હતા. પ્રિયાંશીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

Niraj Patel