ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને ધોરણ-10ની પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં મળવા બોલાવી પરાણે સંબંધ બાંધ્યા હતા. આ અંગે વિદ્યાર્થિનીએ ઉના પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગીર સોમનાથના ઉનામાં સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને ઘોરણ 10ની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી દેલવાડાના ગેસ્ટ હાઉસમાં બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યાની સનસનીખેજ વિગતો સામે આવી છે. તો બીજી તરફ આ ઘટનાના આરોપી શિક્ષક ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પ્રમુખ હોવાનું સામે આવ્યુ છે.

ઉના તાલુકાના ખાણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાબુ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ધોરણ-10ની પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી વિદ્યાર્થિની સાથે સંબંધો કેળવ્યા હતા.ગત તા.24 માર્ચના રોજ આરોપી શિક્ષકે વિદ્યાર્થિનીને બપોરે દેલવાડા રોડ પર આવેલા શિવમ ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. વિદ્યાર્થિની ગેસ્ટહાઉસ પહોંચી ત્યારે શિક્ષક તે ગેસ્ટ હાઉસના રૂમ નંબર-103માં લઈ ગયો હતો અને ત્યાં બળજબરીપૂર્વક વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
શિક્ષકના કારસ્તાનથી વિદ્યાર્થિની હતપ્રભ રહી ગઈ હતી અને પીડિતાએ ઘરે આવીને સમગ્ર વાત કરતાં પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરાયું હતું. જેમાં પીડિતા વિદ્યાર્થિનીએ પોતાની ઉપર શિક્ષક બાબુ પરમારે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી શિક્ષકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. લોકો શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે.

શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલમાં મેસેજ કરતા બંને પરીચયમાં આવતા ફોનમાં વાતચીત કરતા હતા. ગત 24મી માર્ચના રોજ બપોરે પીડિતાને રસ્તામાં મળેલા શિક્ષક બાબુભાઇએ કહેલ કે, કાલે બહારથી સાહેબ આવવાના છે તને ફોન કરૂ એટલે આવી જજે તેમ કહયુ હતુ.
આ પછી શિક્ષક બાબુભાઇનો ફોન આવતા બપોરે દેલવાડાના શિવમ ગેસ્ટ હાઉસ પહોંચેલ જયાં રૂમ નં.103માં બોલાવી બાબુભાઇએ જબરજસ્તીથી ઘમકાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પોતાના ખૂબ મોટા કોન્ટેક્ટ હોવાની પણ ધમકી આપી હતી.