મેઘરાજાએ બોલાવ્યા ગીર સોમનાથમાં ભૂક્કા, ભારે વરસાદથી મચી તબાહી- જળબંબાકારની સ્થિતિ

ગીર સોમનાથમાં આભ ફાટ્યું, સુત્રાપાડામાં 22 ઇંચ વરસાદ, જુઓ ભયાનક તસવીરો

Gir Somnath heavy rain: ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલુ થઇ ગયો છે. મંગળવાર સુધીમાં 163 તાલુકામાં વરસાદ ખાબક્યો છે અને ગીરસોમનાથના સુત્રાપાડામાં તો 24 કલાકમાં જ 22 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા 19 અને 20 જુલાઈના રોજ એટલે કે આજે અને આવતીકાલે અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરાઇ છે.

સુત્રાપાડામાં 24 કલાકમાં 22 ઇંચ વરસાદ
અમરેલી, ભાવનગર, વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદની તેમજ અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યના ગીર સોમનાથમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. સુત્રાપાડામાં 24 કલાકમાં 22 ઇંચ તો વેરાવળમાં 19 ઇંચ અને તાલાળામાં 12 ઇંચ તેમજ કોડીનારમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને પગલે જિલ્લાના મોટાભાગના રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા છે.  ખૂબ જ વધારે વરસાદ ખાબકતા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે અને નિચાણવાળા ઘરોમાં પણ કમર સુધી પાણી ભરાયા છે.

ટીવી અને ફ્રીજ પણ પાણીમાં તણાયા
આ ઉપરાંત ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પણ નદીઓ વહેતી જોવા મળી રહી છે. કેટલાક ઘરોમાં તો વરસાદના ગોઠણસમા પાણી ભરાઇ ગયા છે અને મુખ્ય જળાશયો પણ ઓવરફ્લો થઈ ગયા છે. જિલ્લાના જીવાદોરી સમાન હિરણ 2 ડેમના બધા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને તેને કારણે અસરગ્રસ્ત સોમનાથ અને વેરાવળના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જો કે, રાત્રે લોકો ભર ઊંઘમાં સૂતા હતા અને અચાનક જ ઘરોમાં પાણી ઘુસી જતા ઘરમાં રહેલી વસ્તુઓ સહિત ટીવી અને ફ્રીજ પણ પાણીમાં તરતા જોવા મળ્યા હતા.

રાજકોટના ધોરાજીમાં પણ જળબંબાકારની સ્થિતિ
તલાલામાં વરસાદને પગલે પુર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયુ હતુ. આ ઉપરાંત રાજકોટના ધોરાજીમાં પણ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યના પાંચ જિલ્લામાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Shah Jina