કૌશલ બારડ ગુજરાત જાણવા જેવું ધાર્મિક-દુનિયા લેખકની કલમે

ગીર કનકાઈ: સાવજોની ડણકથી ગાજતાં આ મંદિરની કુદરતી સુંદરતા ખરેખર ગાંડા કરી મૂકે તેવી છે!

ધોધમાર વરસાદ પડે અને નદી-નાળાં છલકાય જાય, પહાડો લીલોતરીથી છવાઈ જાય અને ધરતી લીલી ચાદર ઓઢી લે પછી ગીરનું સૌંદર્ય કંઈક ઓર જ જામે છે! આ સૌંદર્યને નિહાળવું હોય તો ગીરમાં એકાદ આંટો દેવો જ પડે. આમ તો ગીરનું એક-એક ઝાડ કે એક-એક ટેકરી કુદરતના સાનિધ્યમાં હોવાનો અનુભવ કરાવે છે. પણ ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું આદ્યશક્તિ શ્રીકનકાઈ માતાજીનું ‘ગીર-કનકાઈ’ મંદિર જંગલના કુદરતી સૌંદર્યને એટલું મનભરીને માણવાનું સ્થાન છે કે ન પૂછો વાત!

આજે વાત કરવી છે આ ગીર કનકાઈ મંદિરની, માતા કનકેશ્વરીના ઇતિહાસની અને અહીં જવા માટે યાત્રીઓ કેમ તલપાપડ હોય છે એ કારણની… તો ચાલો જાણી લઈએ અહીં ટૂંકમાં:

Image Source

હરિયાળી ગીરની મધ્યમાં આવેલું શક્તિસ્થાન —

જૂનાગઢથી 72, સોમનાથથી 63 અને અમરેલીથી લગભગ સો કિલોમીટરના અંતરે ગીર અભ્યારણ્ય અને નેશનલ પાર્કની બિલકુલ વચ્ચે આવેલું કનકેશ્વરી માતાનું આ મંદિર લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે. મંદિર સુધી રવા માટેનો રસ્તો ગીરના જંગલની મધ્યમાં થઈને પસાર થાય છે. મન મરીને માણો છતાંય ન ધરાઓ એટલી લીલોતરીના અહીં દર્શન થાય છે. ગાઢ જંગલ, એમાં વચ્ચે દેખાઈ પડતાં ચિત્તલ, હરણાં, સસલાં અને વાંદરાં સહિતના અનેક પ્રાણીઓ તો ખરાં જ!

ગીર કનકાઈ માતાજીનું મંદિર પણ આવી અદ્ભુત-મનોહર લીલોતરીથી ઘેરાયેલું છે. ઘડીભર તમને ખ્યાલ જ ના આવે કે આ સૃષ્ટિ પર ખરેખર જંગલ સિવાય પણ બીજું કંઈ છે! આવું મનોહર દ્રશ્ય જીંદગીભર વિસરી ના શકાય એ હદે યાત્રિકોને પ્રભાવિત કરે છે.

Image Source

જંગલમાંથી જતો રસ્તો અને સાવચેતી —

અહીં એક વાત ખાસ જાણી લેવી જોઈએ, કે ગીર-કનકાઈ માતાજીનું મંદિર ગીરના જંગલના સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોઈ, જંગલ ખાતાના કડક નિયમોનું પાલન કરવું પડે છે. ચેક-પોસ્ટ પર એન્ટ્રી મળે પછી ગીરના જંગલના રસ્તે વાહન હંકારી શકાય છે. આખા જંગલના રસ્તે ક્યાંય પણ ધુમ્રપાન કરી શકાતું નથી કે ના તો ક્યાંય પ્લાસ્ટિકનો કે કોઈ પણ જાતનો કચરો ફેંકી શકાતો. વન્યજીવોને પણ કોઈ રીતે પરેશાની આપી શકાતી નથી. વચ્ચે વાહન રોકી શકાતું નથી. વળી, સાંજના 6 વાગ્યા સુધી જ ચેક-પોસ્ટ પરથી પ્રવેશ મળે છે અને દિ’ આથમ્યા પહેલાં અહીંથી પરત પણ ફરી જવાનું હોય છે. માતાજીના મંદિરમાં પણ સાંજ પછી રોકાઈ શકાતું નથી.

આટલી સાવચેતી રાખો અને ગીરના જંગલની અદ્ભુત સૌંદર્યતાનું પાન કરો! આખરે ભવાની સ્વરૂપ માતાજી બેઠાં પણ એવે જ ઠેકાણે છે કે જ્યાં પહોંચતા ભાવિકોનું મન આપોઆપ પ્રફુલ્લિત થઈ જ જાય!

Image Source

ગીર કનકાઈનો ઈતિહાસ —

કહેવાય છે, કે વનરાજ ચાવડાના વંશજ કનક ચાવડાએ કનકાવતી નગરીની સ્થાપના કરેલી અને નગરીના અધિષ્ઠાત્રી તરીકે માતા કનકાઈને પૂજ્યાં હતાં. એક કથા એવી પણ છે, કે મૈત્રકવંશના રાજવી (જેનું કુળ અયોધ્યાના સૂર્યવંશીઓનું હતું) કનકસેને ગીરના જંગલની મધ્યમાં કનકાવતી નગરીની અને માતા કનકાઈના મંદિરની સ્થાપના કરેલી. હાલનું મંદિર આશરે 12મી સદી આસપાસનું હોવાનું જણાઈ આવે છે.

આમ તો માતા કનકાઈ અઢારે વરણની કુળદેવી છે. પણ મુખ્યત્ત્વે આહિર, ઉનેવાળ બ્રાહ્મણ, ઝાલા કારડિયા રાજપૂત, દરબાર, વૈશ્યની અમુક જ્ઞાતિઓ, કોળીની અમુક જ્ઞાતિઓ અને મરાઠાવાડના કીર્તિકર બ્રાહ્મણો અહીં કુળદેવી કનકેશ્વરી માતાના દર્શને જરૂર આવે છે. એ ઉપરાંત પણ અહીં શ્રધ્ધાળુઓની ભીડ હોય છે. ઉપર કહ્યું તેમ, ‘માતાજી અઢારે વરણના કુળદેવી છે!’

Image Source

મંદિરનું સુંદર પરિસર —

કનકાઈ માતાજીના મંદિરની આસપાસનું વાતાવરણ ગમતીલાં વૃક્ષોથી છવાયેલું અને હરિયાળું છે. બાજુમાંથી જ કોઈ શીંગવડો નદી ખડખડાટ કરતી વહી જાય છે. ઘટાઓમાં અવારનવાર મોરલાઓ ગહેકી ઉઠે છે! મુખ્ય મંદિર ઉપરાંત અહીં ગણેશજી, શિવજી અને હનુમાનજીનું મંદિર છે. ભૂદરજીનું પણ મંદિર છે અને બાજુમાં પાંચ પાળિયા પણ છે. ધર્મશાળાની પણ સુવિધા કરવામાં આવેલી છે.

કનકેશ્વરી માતાના આમ તો ગુજરાતમાં ચાર-પાંચ પ્રસિધ્ધ મંદિરો આવેલાં છે, પણ સૌથી પ્રસિધ્ધ અને મનોહર કુદરતને ખોળે તો આ જ હશે!

Image Source

અહીંના ગીરના જંગલનો આનંદી મિજાજ અદ્ભુત પ્રકૃતિ જોઈને જ કદાચ કવિ શ્રી ત્રિભુવનભાઈએ લખ્યું હશે કે:

ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,
વિકટ અને વંકા પગરસ્તા ગીચ ખીચોખીચ જામ્યાં ઝાડ,
ઝરે ઝરણ બહુ નીર તણાં,
જો! ગાજે જંગલ ગીર તણાં…

[આશા છે, કે આ લેખ આપને જરૂર ગમ્યો હશે. આવા જ વધુ લેખો વાંચવા ને માણવા માટે ગુજ્જુરોક્સની મુલાકાત લેતા રહેજો. અને મિત્રોને આ આર્ટિકલની લીંક પણ શેર કરી દેજો. ધન્યવાદ!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks