સુરત : પાંડેસરાની GIDCમાં આવેલ મિલમાં ભિષણ આગ, ફાયર વિભાગનો કાફલો 15 ગાડીઓ સાથે ઘટનાસ્થળે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવો વધતા જઇ રહ્યા છે અને આવા કિસ્સામાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી જતા હોય છે, તો ઘણા લોકો મોતને ભેટતા હોય છે. હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની છે. પાંડેસરા GIDCમાં આવેલ રાણીસતી મિલમાં આગ લાગી છે અને આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડનો કાફલો 15 ગાડીઓ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તસવીરો અને વીડિયો જોતા એવું લાગી રહ્યુ છે કે, આગ ઘણી ભયનાક છે અને જેને કારણે ધુમાડાના ગોટેગોટા 1 કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે. પાંડેસરા GIDCની મિલમાં ભીષણ આગ લાગવાને પગલે પોલિસ અને ફાયરવિભાગ દોડતો થઇ ગયો છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર અચાનક આગ ભભૂકી ઊઠતા જોતજોતાંમાં આગે આખી મિલને પોતાની ચપેટમાં લઈ લીધી હતી.

આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટનો માહોલ ફેલાઇ ગયો હતો. એકાએક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ આગ બુઝાવવાની કામગીરી થઇ રહી છે અને હાલ ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગતાની સાથે જ આસપાસનાં કારખાનાંમાં કામ કરતા કામદારોનાં ટોળાં પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થતો તે પેટ્રોલિયમ પદાર્થથી તૈયાર થતો હોય છે જેને કારણે તે ઘણો જ્વલનશીલ હોય છે અને આ કારણે જ તેના પર સાદા પાણીથી કંટ્રોલ કરવુ મુશ્કેલ બની જતુ હોય છે. જેને કારણે ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

શહેરની બીજા ફાયર સ્ટેશનની ગાડીઓ પણ હાલ ઘટનાસ્થળે આવવા રવાના થઇ ગઇ છે. હાલ તો જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી અને આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ પણ જાણી શકાયુ નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવાના સમયે આ ઘટના બની હતી. સવારે બોઇલર પાસે કામ ચાલતું હતું અને આ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઉડતા જોતજોતામાં ભીષણ આગ લાગી હતી. જણાવી દઇએ કે, આ મિલ અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની છે અને તેના કારણે સ્ટ્રક્ચર પણ ખૂબ નબળું થઇ ગયું છે. આ મિલમાં ફાયરના સાધનો પણ હતા અને તેવું ફાયર ઓફિસર દ્વારા જણાવાયુ હતુ.

ઘટનાની જાણ થતા સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, આગ લગભગ કાબૂમાં આવી ગઈ છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Shah Jina