ઘર છૂટયાની વેળા ભાગ – 38 (અંતિમ ભાગ)

0

ભાગ -૩૮ (અંતિમ ભાગ)
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો, ભાગ 37 માટે અહીં ક્લિક કરો)

અનિલભાઈએ સરસ્વતી દ્વારા આપેલો નંબર ડાયલ કર્યો.. સામા છેડેથી રોહનનો અવાજ આવ્યો…

“હેલો..”

અનિલભાઈ : “હેલ્લો, કોણ રોહન વાત કરે છે ?”

રોહન : “હા, સર.. હું રોહન બોલી રહ્યો છું, આપ કોણ ?”

અનિલભાઈ : “બેટા, અનિલ બોલું છું.”

અનિલભાઈના બેટા કહેવા ઉપર રોહન એકદમ વિચારમાં પડી ગયો, વરુણના પપ્પા મમ્મી સિવાય કોઈ તેને બેટા નહોતું કહેતું, પહેલીવાર કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને બેટા સંબોધન કરી બોલાવ્યો.

રોહન : “સોરી સર, મને આપની ઓળખાણ ના પડી !”

અનિલભાઈ : “હું અવંતિકાના પપ્પા બોલું છું.”

અવંતિકાનું નામ સાંભળતા રોહન ખુરશીમાંથી એકદમ ઊભો થઈ ગયો, તેના મનમાં અસંખ્ય વિચારો દોડવા લાગ્યા,

“અવંતિકાના પપ્પા એ કેમ ફોન કર્યો હશે ? અને તે પણ આટલા વર્ષો બાદ ? શું મારા કારણે અવંતિકાના જીવનમાં તો કોઈ પ્રોબ્લેમ નહિ આવ્યો હોય ?” થોડીવાર માટે તો એ સુન્ન થઈને કઈ બોલ્યા વગર જ ઊભો રહી ગયો.
રોહનના મૌન ને જોઈ અનિલભાઈ કહેવા લાગ્યા :

“રોહન, મારે તારી જરૂર પડી છે આજે એટલે હું તને ફોન કરી રહ્યો છું, ઘણું શોધ્યા બાદ તારો નંબર મળ્યો. એક તું જ છે જે અમને મદદ કરી શકે છે.”

અનિલભાઈની મદદની વાત સાંભળી રોહનના મનમાં બીજા વિચારો ચાલવા લાગ્યા “અવંતિકાના પપ્પાને મારી શું મદદ જોઈતી હશે ??” એટલે તેને પૂછ્યું…:

“અંકલ, હું આપની શું મદદ કરી શકું ?”

અનિલભાઈ : “વાત ઘણી લાંબી છે બેટા, જો તારી પાસે સમય હોય તો આપણે રૂબરૂ જ મળી ને વાત કરી શકીએ ?”

રોહન : “ચોક્કસ અંકલ, તમે કહો ત્યાં હું તમને મળવા આવી જાઉં.”

અનિલભાઈ : “હું અત્યારે લંડનમાં છું, અને અમારી એક છેલ્લી આશા તું જ છે. હું આવતી કાલે જ ઇન્ડિયા આવવા

માટે નીકળું છું. તને મળવા.”

રોહન જવાબમાં કઈ બોલી શક્યો નહિ. માત્ર “ઓકે” કહી અને વાત પૂર્ણ કરી.

ફોન પૂરો થયા બાદ રોહનના મનમાં વિચારોનું ઘોડાપુર ફરી વળ્યું. અચાનક આમ અવંતિકાના પપ્પાનો ફોન આવવો, તેમનું મળવા માટે કહેવું, પોતાની મદદ અને રોહન જ એમની છેલ્લી આશા હોવી એ વાત વિશે રોહનને ઘણી મૂંઝવણ થવા લાગી. આખી રાત તેને વિચારોમાં વિતાવી. બીજા દિવસે કામમાં પણ એટલું મન ના લાગ્યું. કેટલીક મિટિંગ તેને કેન્સલ કરી નાખી. ત્રીજા દિવસે રોહનના ફોનમાં અનિલભાઈનો ફોન આવ્યો. અને મળવા માટે સ્થળ નક્કી કર્યું. રોહને તેમને કલબનું નામ આપી ત્યાં આવી જવાનું કહ્યું.
રોહન અનિલભાઈ પહેલા કલબ પહોંચી ગયો ત્યાં રિસેપશન સામેના વેઇટિંગ એરિયામાં બેસી અનિલભાઈની રાહ જોવા લાગ્યો. અવંતિકાને એક બે વાર કૉલેજમાં અનિલભાઈ મુકવા માટે આવ્યા હતાં માટે થોડોઘણો તેમનો ચહેરો રોહનને યાદ હતો. ક્લબનો ગેટ માંથી અનિલભાઈની એન્ટ્રી થતા જ રોહન ઊભો થઈ તેમની સામે ગયો અને કહ્યું :

“તમે જ અનિલ અંકલ ?”

અનિલભાઈ : “હા, હું જ અનિલ. તું રોહન છે ?”

અનિલભાઈ રોહનને પહેલીવાર જોઈ રહ્યાં હતાં, તેમને કલ્પના નહોતી કે રોહનનું વ્યક્તિત્વ આ પ્રકારનું હશે, બ્રાન્ડેડ કપડાં, શૂઝ અને એક અલગ પ્રતિભા જોઈ અનિલભાઈ રોહનને જોઈ અંજાઈ ગયા.

“હા અંકલ, હું રોહન.” જવાબ આપી અનિલભાઈના ચરણ સ્પર્શ કર્યા. અનિલભાઈને પહેલા માળ ઉપર આવેલ કેફે એરિયામાં લઈ જઈ આદર પૂર્વક બેસાડ્યા. અને પૂછ્યું :

“શું લેશો અંકલ, ચાય, કોફી કે કોલડ્રિન્ક ?”

અનિલભાઈ : “મદદ લઈશ બેટા તારી.”

અનિલભાઈના આવા શબ્દો સાંભળી રોહન ચોંકી ઉઠ્યો.તેમના હાથમાં પોતાનો હાથ મુકતા કહેવા લાગ્યો :

:”હા, અંકલ, હું પ્રોબ્લેમ નથી જાણતો છતાં હું આપને ચોક્કસ મદદ કરીશ. પણ એ પહેલાં તમે કઈ લો.”
રોહનના આગ્રહથી અનિલભાઈએ કોફી ઓર્ડર કરવા માટે કહ્યું.
રોહને વાત જાણવાની ઉત્સુકતા બતાવી. બોલતા પહેલાં જ અનિલભાઈની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. રોહન સમજી ગયો કે વાત ખૂબ જ દુઃખદ છે એટલે તેમને હિંમત આપતા કહ્યું ;

“અંકલ, તમે વિના સંકોચે જણાવો.”

અનિલભાઈએ ધીમે ધીમે અવંતિકાના લગ્ન બાદ અને રોહિતના અકસ્માતની વાત કરી. ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં અવંતિકા હજુ રોહિતની રાહ જોઈ રહી હોવાનું જણાવ્યું. રોહનને પણ તેમની વાત સાંભળી ખૂબ જ દુઃખ થયું. તેની આંખોમાં પણ આંસુ છલકાઈ આવ્યા. પણ હજુ અનિલભાઈએ રોહનને જણાવ્યું નહોતું કે રોહન તેમની શું મદદ કરી

શકે ? માટે રોહને પૂછ્યું :

“અંકલ, હું આપની શું મદદ કરી શકું ?”
“અમે અવંતિકાને ખૂબ સમજાવી બીજા લગ્ન માટે, પણ એ રોહિત પાછો આવશે એ આશાએ બેઠી છે, અમે તો એના પાછા આવવાની આશા છોડી જ દીધી છે. પણ અવંતિકા માનવા માટે તૈયાર નથી. માટે હવે અમારા માટે છેલ્લો રસ્તો તું જ બાકી છે. તું જ એક છું જે અવંતિકાને સમજાવી શકે છે અને સાચવી પણ શકે છે. અમે અવંતિકાનું જીવન અમારી આંખો સામે બરબાદ થતાં ના જોઈ શકીએ. અને તારા વિશે પણ મેં જાણ્યું છે કે તું અવંતિકાને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેના કારણે જ હજુ સુધી તે બીજા લગ્ન નથી કર્યા. માટે બેટા પ્લીઝ, અમારી માટે અવંતિકાને અપનાવી લે” અનિલભાઈ આંખોમાં આંસુ સાથે રોહન સામે બે હાથ જોડી કહેવા લાગ્યા.

રોહન તેમના જોડેલા બે હાથને અલગ કરતાં કહેવા લાગ્યો :

“અવંતિકાના જીવન વિશે સાંભળી મને ખુબ જ દુઃખ થયું, મેં ક્યારેય એવી કલ્પના પણ નહોતી કરી કે તેના જીવનમાં આમ બનશે. જ્યારથી હું અને અવંતિકા અલગ થયા ત્યારથી મેં એનો કોઈ સંપર્ક કર્યો નહિ. કારણ કે હું મારા કારણે અવંતિકાના જીવનમાં કોઈ તકલીફ આવે એમ કરવા નહોતો માંગતો, હા મેં અવંતિકા વિના જીવી અને ક્યારેય લગ્ન નહિ કરવાનું નક્કી કરી લીધું હતું. હું મારા લક્ષ માટે આગળ વધ્યો. આજે મારી પાસે બધું જ છે. બસ ખાલી એક પ્રેમની ખોટ મારા જીવનમાં બાળપણથી રહી ગઈ છે.”

અનિલભાઈ : “કિસ્મત આગળ કોનું ચાલ્યું છે ? કદાચ ઈશ્વરની પણ એજ ઈચ્છા હશે કે અવંતિકા તને પાછી મળે, એટલે જ તું પણ તારા જીવનમાં બીજા કોઈને સ્થાન આપી શક્યો નહિ. ભૂલ અમારી પણ છે. મેં તને મળ્યા પહેલા, ઓળખ્યા પહેલા જ રોહિત સાથે અવંતિકાના લગ્ન કરાવી દીધા.”

રોહન : “ના અંકલ. એમાં ભૂલ તમારી નથી, તમે તો એનું સારું વિચારી ને જ એના લગ્ન રોહિત સાથે કરાવ્યા હતાં. જે બન્યું એમાં તમારો કોઈ વાંક નથી. પણ આ તમે જે અત્યારે વિચારો છો એજ બહુ મોટી વાત છે. હું તમારો સાથ આપીશ અને અવંતિકાને મળી અને સમજાવીશ.”

રોહનની વાત સાંભળી અનિલભાઈને ખુશી થઈ તેમને રોહનનો આભાર વ્યક્ત કર્યો અને લંડન આવવા માટે જણાવ્યું. રોહનના મનમાં પણ આ તક વહેલી તકે ઝડપી લેવાનું મન થયું. અવંતિકાના દુઃખને જાણ્યા બાદ તે હવે તેને વધુ દુઃખી જોઈ શકે એમ નહોતો માટે તેમની સાથે જ લંડન પાછા આવવા માટે સહમતી દર્શાવી. અને ક્લબમાંથી છુટા પડ્યા.
અનિલભાઈએ સુમિત્રાને ફોન કરી બધી વાત જણાવી. સુમિત્રા પણ આ વાતથી ખુશ થઈ. રોહને પણ ઘરે જતાં પહેલાં જ વરુણને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. વરુણે તેને પોતાના ઘરે જ બોલાવી લીધો. અનિલભાઈ સાથે થયેલી બધી જ વાત વરુણને કરી. મિત્રના જીવનમાં ફરી એકવાર ખુશીઓ આવતી જોઈ વરુણને પણ ઘણો આંનદ થયો. રોહને વરુણને થોડા દિવસ બિઝનેસને સાચવી લેવા કહ્યું. વરુણે પણ તૈયારી બતાવી. કેટલાક કામ અને મિટિંગ જે રોહન વિના શક્ય નહોતી તે રોહને કેન્સલ કરાવી. રોહન લંડન જવા માટે ઉતાવળો થઈ રહ્યો હતો.

ત્રણ દિવસમાં વિઝા માટેની બધી કામગીરી પૂર્ણ કરી રોહન અને અનિલભાઈ લંડન જવા માટે નીકળ્યા. અનિલભાઈને આનંદ હતો કે રોહન તેમની સાથે આવી રહ્યો છે, તેમને ગળા સુધી વિશ્વાસ હતો અવંતિકા રોહનને જોઈ થોડી પીગળશે. બસ હવે તે રાહ જોઈ રહ્યાં હતાં રોહન અને અવંતિકા બંને એકબીજાની સામે આવે.

લંડન પહોંચી અનિલભાઈએ રોહનને પોતાના ઘરે જ રોકાઈ જવા માટે કહ્યું પણ રોહને હમણાં ના કહ્યું. તેને એક હોટેલમાં બુકિંગ કરાવ્યું. એરપોર્ટથી રોહન હોટેલ તરફ અને અનિલભાઈ પોતાના ઘર તરફ જવા રવાના થયા. અવંતિકાને કઈ રીતે મળવું તેનું આયોજન ફોન ઉપર જ નક્કી કરવાનું રાખ્યું.

લંડનમાં પહોંચી રોહનની આંખોની ચમકમાં વધારો થયો હતો, અવંતિકા સાથે વર્ષો બાદ થવાના મિલનના સપનામાં તે ખોવાયેલો હતો. આટલા વર્ષો બાદ અવંતિકાને જોવાનો ઉમળકો, તેનો બદલાયેલો ચહેરો, વિદેશમાં આવ્યા બાદ બદલાયેલી તેની ભાષા એ બધું જ જોવા માટે તેનું દિલ અધીરુ બન્યું હતું. હોટેલમાં પહોંચીને રાત્રે પણ તે બરાબર સુઈ ના શક્યો. રોહિતના મૃત્યુ અને તેના દીકરાની જવાબદારી તેને કેમ કરી ઉપાડી હશે ? માથે આવેલું દુઃખ તેને કેમ કરી સહન કર્યું હશે ? એ બધા વિચારોમાં ખોવાયેલા રોહનને બસ હવે અવંતિકા સુધી પહોંચવું હતું.

અવંતિકાને રોહન આવ્યાની કઈ ખબર જ નહોતી. ના અનિલભાઈએ કે ના સુમિત્રાએ તેને કઈ જણાવ્યું. પણ અનિલભાઈએ આ વાત સુરેશભાઈ સાથે કરવાનું નક્કી કર્યું. અવંતિકાના ભૂતકાળ વિશે એમને જણાવી શકાય એમ નહોતું. પણ અવંતિકાનો કૉલેજ ફ્રેન્ડ છે એ રીતે એમને જણાવી શકાય એમ નક્કી કરી સુરેશભાઈને મળવા માટે પોતાના ઘરે જ બોલાવ્યા.

સુરેશભાઈ તેમની પત્ની સાથે અનિલભાઈના ઘરે આવ્યા અને ત્યાં રોહન વિશેની ચર્ચા આરંભાઈ.

અનિલભાઈ : “સુરેશભાઈ, ચાર વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો છે, આપણે તો આશા છોડી દીધી પણ અવંતિકા હજુ રોહિતના આવવાની આશા લઈને બેઠી છે.”
સુરેશભાઈ : “હા, એજ ચિંતા અમને કોરી ખાય છે, જુવાન જોધ વહુ ઘરમાં વિધવાની જેમ પોતાનું જીવન વિતાવે એ અમે પણ નથી જોઈ શકતા, અને એને સમજાવવાના આપણે ઘણાં પ્રયત્નો કર્યા ! પણ એ કોઈ વાતે માનવા માટે તૈયાર જ નથી. તો હવે શું કરીએ ?”

અનિલભાઈ : “મેં એક રસ્તો વિચાર્યો છે. અને એટલે જ મેં આજે તમને અહીંયા બોલાવ્યા.”

સુરેશભાઈ : “કેવો રસ્તો ?”

અનિલભાઈ : “થોડા દિવસ પહેલાં હું અને સુમિત્રા એજ વિશે વાત કરતાં હતાં, અચાનક અમને એનાં એક કૉલેજ ફ્રેન્ડની યાદ આવી. એનું નામ રોહન છે. મેં એનો સંપર્ક શોધી એની સાથે વાત કરી અને જાણવા મળ્યું કે એને હજુ સુધી લગ્ન જ નથી કર્યા, અને મને એક આશાનું કિરણ દેખાયું. હું એને મળવા ઇન્ડિયા જઈ આવ્યો અને બધી વાત એની સાથે કરી. એ પણ અવંતિકાને અપનાવવા માટે તૈયાર થઈ ગયો. હું મારી સાથે જ એને લંડન લઈ આવ્યો છું. હવે આપણે સાથે મળી અવંતિકા અને રોહનને ભેગા કરીએ. અવંતિકા અહીંયા એકલી પડી ગઈ છે. ના તેના કોઈ મિત્રો છે, ના કોઈ એવી વ્યક્તિ જેની સાથે તે પોતાના દિલની વાત કરી શકે. માટે રોહન વિશે જાણી હું તરત તેને મળવા નીકળી ગયો. તમને પણ પૂછવામાં મેં સમય ના બગાડ્યો. બસ હવે તમે હા કહો તો આપણે રોહન અને અવંતિકા મળે એવું આયોજન કરીએ”

સુરેશભાઈ : “અનિલભાઈ તમે ખૂબ જ સારું કામ કર્યું છે. અમને કોઈ મનદુઃખ નથી કે તમે અમને પૂછ્યા વિના રોહનને અહીંયા લઈ આવ્યા. અને જો રોહનના કારણે અવંતિકાનું જીવન સુધરી જતું હોય તો અમને ખૂબ જ ખુશી થશે. પણ રોહનના મમ્મી પપ્પા આ માટે તૈયાર થશે ?”

અનિલભાઈ : “મેં બધી જ તપાસ કરી. રોહનના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયાં, થોડો સમય મામાના ઘરે રહ્યો અને પછી અમદાવાદમાં આવી એકલો રહેવા લાગ્યો. તેની આગળ પાછળ કોઈ નથી. તેનો એક મિત્ર છે. જેના બિઝનેસમાં રોહન જોડાયો અને આજે એ આખા બિઝનેસને સાંભળે છે.”

સુરેશભાઈ : “આ તો ખૂબ સારી વાત કહેવાય. રોહન જેવા સફળ અને મહેનતુ છોકરાના હાથમાં અવંતિકાને સોંપી આપણે એને એક સારું જીવન આપવા જઈ રહ્યાં છીએ.”

સુરેશભાઈ અને તેમની પત્નીની સહમતી ના કારણે સુમિત્રા અને અનિલભાઈ ખુશ થયા. બીજા દિવસે અવંતિકાને કોઈપણ રીતે ક્રિસ્ટલ પેલેસ પાર્કમાં લઈ આવવાની હતી. સુરેશભાઈએ આ જવાબદારી પોતાના માથે લીધી. સાંજે છ વાગ્યાનો સમય ગોઠવી, રોહન અને અવંતિકાને ભેગા કરવાનું કામ બંને પરિવારોએ ભેગા મળી નક્કી કર્યું.
અનિલભાઈએ રોહનને ફોન કરી સાંજે છ વાગે ક્રિસ્ટલ પાર્ક પહોંચી જવાનું કહ્યું. સુરેશભાઈએ અવંતિકાને પાર્કમાં મોકલવા માટે એક આયોજન કર્યું. અવંતિકા ઓફિસથી સાડા પાંચ વાગે નીકળતી. ઓફિસથી પાર્કનું અંતર વિસ મિનિટનું હતું. સુરેશભાઈ એ અવંતિકાના ઓફીસ જતાં પહેલાં જ જણાવી દીધું કે “સાંજે તેઓ ક્રિસ્ટલ પાર્કમાં જવાના છે તો ઓફિસથી નીકળતાં તેમને ઘરે લઈને જાય.” અવંતિકા “સારું” કહીને નીકળી ગઈ. તેને ખબર નહોતી કે પાર્કમાં તેની રાહ જોતાં સુરેશભાઈ નહિ પણ રોહન મળશે.

રોહન માટે દિવસ વિતાવવો મુશ્કેલી ભર્યો થઈ રહ્યો હતો. તે ત્રણ વાગે જ પાર્ક જવા માટે નીકળી ગયો. સાડા ત્રણ સુધી પાર્કમાં પહોંચી તે એક ઠેકાણે બેસી ગયો. અનિલભાઈ અને સુમિત્રા સુરેશભાઈના ઘરે જ ચાલ્યા ગયાં. સાંજે અવંતિકા રોહન સાથે આવે એની રાહ જોવા માટે. બરાબર સાડા પાંચ વાગે સુરેશભાઈએ અવંતિકાને ફોન કરી યાદ કરાવ્યું. પોતે ક્યાં સ્થળ પાસે હશે એ પણ જણાવી દીધું. પણ એ સ્થળ પાસે રોહન મળવાનો હતો.

રોહન પણ પાર્કમાં બેઠો બેઠો પોતાના હાથમાં પહેરેલ ઘડિયાળને જોયા કરતો. સમય પણ જાણે આજે થંભી થંભીને ચાલતો હોય એમ લાગી રહ્યું હતું. રોહને એન્યુઅલ ડેના દિવસે જે જેકેટ પહેર્યું હતું એજ આજે પહેરીને આવ્યો હતો.

છ વાગવામાં દસ મિનિટ બાકી હતી અને અવંતિકા પાર્કમાં પ્રવેશી. રોહન જે તરફ તેની રાહ જોઈ રહ્યો એજ તરફ તે આગળ વધી રહી હતી. રોહનની નજર સામેથી આવતી અવંતિકા ઉપર પડી. એક સમયતો તેને માન્યામાં ના આવ્યું કે એ અવંતિકા હોઈ શકે, કૉલેજમાં હસતો ખીલખીલાટ કરતો ચહેરો આજે સાવ મુરઝાયેલો દેખાઈ રહ્યો હતો. શરીર તો ચાલી રહ્યું હતું પણ જાણે એમાં જાન ના હોય તેવું લાગી રહ્યું હતું. અવંતિકાને હજુ અનુમાન નહોતું કે તેની સામે રોહન ઊભો રહ્યો છે. તેની નજર આમ તેમ સુરેશભાઈને શોધી રહી હતી. રોહનથી થોડે દૂર અવંતિકા ઊભી રહી અને સુરેશભાઈને શોધવા લાગી. આજુબાજુમાં નજર ફેરવતાં અવંતિકાની નજર સામે ઉભેલા રોહન ઉપર જઈ અટકી. રોહનને જોતાં એકક્ષણ તો તેને માનવામાં ના આવ્યું કે એ રોહન જ છે. પણ તેને પહેરેલા જેકેટ અને રોહનની આંખો જોઈ અવંતિકાને લાગ્યું આ રોહન જ છે. રોહન એક નજરે અવંતિકાને જ જોઈ રહ્યો હતો. અવંતિકાની નજર પણ રોહનને જ જોવા માટે અટકી ગઈ. રોહનને જોતા તેના હૃદયમાં મૃત્યુ પામેલી લાગણીઓ સજીવન થવા લાગી. વર્ષો પહેલા ખોવાઈ ગયેલો એક ચહેરો નજર સામે જોઈ અવંતિકાની આંખો છલકાયા વિના રહી ના શકી. રોહન પણ જાણે મિલનની એ પળને ઝંખતો હોય તેમ તેનાથી દૂર ઊભો આંસુઓ સારી રહ્યો હતો. કુછ કુછ હોતા હૈ ના શાહરુખ ખાનની જેમ પોતાના બંને હાથ ફેલાવી અવંતિકાને પોતાની બાહોમાં સમાઈ જવા માટે આમંત્રણ આપવા લાગ્યો. અવંતિકા પણ જાણે વર્ષોથી રડવા માટે અધિર બની હોય તેમ દોડીને રોહનન બહોપાશમાં સમાઈ ગઈ અને ચોધાર આંસુએ રડવા લાગી. રોહન પણ તેને ભેટીને ખૂબ રડ્યો, અવંતિકાના વિરહમાં આટલા વર્ષો દૂર રહી ઘણાં આંસુઓ એકલા એકલા વહાવ્યા હતાં, આજે અવંતિકા તેની બાહોમાં રડી રહી હતી તેને ચૂપ કરાવવાના બદલે તે પણ તેની સાથે રડવા લાગ્યો.
ઘણીવાર સુધી બંને રડતાં રહ્યાં, રોહને અવંતિકાને થોડી અળગી કરી તેની આંખોના આંસુઓ લૂછયા. રોહિતના ગયા બાદ આ પહેલો એવો પ્રસંગ હતો જ્યારે અવંતિકા આટલું રડી હશે. અવંતિકાને શાંત કરતાં રોહને કહ્યું :
“બસ હવે હું તને રડવા નહિ દઉં, કે ના હવે મારાથી તને દૂર જવા દઈશ”

રોહનને ભેટતા પહેલા એકક્ષણ માટે અવંતિકા બધું જ ભૂલી ગઈ હતી, પણ રોહને તેને જે કહ્યું એ સાંભળી તેનાથી થોડી દૂર ખસી કહેવા લાગી :

“રોહન, મારુ જીવન હવે સાવ બદલાઈ ગયું છે, હું હવે પહેલાંની અવંતિકા નથી રહી. મારા જીવનમાં ઘણું બધું ઘટી ગયું છે.”

“મને બધી જ વાતની જાણ થઈ ચૂકી છે અને એટલે જ હું તારી પાસે આવ્યો છું.” અવંતિકાના બંને હાથ પકડતાં રોહન કહેવા લાગ્યો.

“ભલે રોહન તને બધું જ ખબર હોય છતાં હું તારો સાથ નહિ આપી શકું, કદાચ કાલે રોહિત પાછો આવે તો હું એને શું જવાબ આપીશ?” રોહનના સામેથી મોઢું ફેરવતા અવંતિકા બોલી.

“તને વિશ્વાસ છે કે રોહિત પાછો આવશે ? અવંતિકા એને ગયાને ચાર વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો, જો એ ક્યાંક હોત તો અત્યાર સુધી એના કોઈક તો સમાચાર મળી શક્યા હોત ને ? ભલે તું એના સુધી ના પહોંચી શકતી પણ એ તો તારો કે તારા સસરાનો સંપર્ક કરતો ને ? અવંતિકા, હકીકત સ્વીકારી લે હવે, તારા માટે નહીં તો તારા દીકરા આરવ અને તારા બંને પરિવારો માટે, તારા મમ્મી પપ્પા અને તારા સાસુ સસરા છેલ્લા કેટલાય સમયથી તારા કારણે પરેશાન છે, એ નથી જોઈ શકતા આ રીતે તને પળ પળ મરતાં, કેવી હતી તું અને હવે કેવી થઈ ગઈ છે ? ક્યારેય અરીસા સામે ઊભા રહી તે તારી જાતને જોઈ છે ? તારી આંખો નીચેના કુંડાળાને ધ્યાનથી જોયા છે ? કેટલી રાતોના ઉજાગરા ? કેટલાય આંસુઓ વહ્યા વગરના અકબંધ તારી આંખોમાં ભરાયેલા પડ્યા છે.” રોહન અવંતિકાને સમજાવવા લાગ્યો.
રોહનની વાત સાંભળી અવંતિકાની આંખોના આંસુઓ વધુ તીવ્ર બન્યા, શું કરવું તેના માટે તે કોઈ નિર્ણય કરી શકતી નહોતી. રોહન અવંતિકાને સમજાવી રહ્યો હતો.

“કિસ્મત વાળી છે તું ! જેને આવા મા – બાપ અને માતાપિતા જેવા સાસુ સસરા મળ્યા છે. તારા પપ્પાએ મારો સંપર્ક કર્યો, અને મને તારા વિશે જાણ થઈ. હું હવે તને આ પરિસ્થિતિમાં રહેવા દેવા નહોતો માંગતો, મેં પણ તને પ્રેમ કર્યો હતો, તારા રોહિત સાથે લગ્ન થવાના કારણે ભલે હું તારાથી દૂર થઈ ગયો, પણ હવે હું તને એકલી નહિ રહેવા દઉં. એ સમયે મારી મજબૂરી હતી જેના કારણે હું કઈ કરી શક્યો નહીં, પણ આજે તારા બંને પરિવાર મારી સાથે છે. અને હું પણ હવે હાર માનવાનો નથી, તને અને આરવને બંનેને અપનાવવા આવ્યો છું.”

રોહનની વાતોથી અવંતિકાનો વિચાર બદલાવવા લાગ્યો, અવાર નવાર તેના સાસુ સસરા અને મમ્મી પપ્પા પણ આ બાબતે વિચારવા માટે કહ્યા કરતાં હતાં પણ અવંતિકાના દિલમાં સુતેલી લાગણીઓને કોઈ જગાડી શક્યું નહિ, પણ આજે રોહને અવંતિકાને વિચારવા ઉપર મજબુર કરી દીધી. રોહનને ભેટીને પાછી રડવા લાગી. રોહને તેની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું :
“જે બન્યું છે એ ભૂલી ને હવે નવા જીવનની શરૂઆત કર. મારા જીવનમાં એક તારી ખોટ હતી, અને ઈશ્વરે જ આપણને આજે ભેગા કર્યા છે. ઘરે તારા મમ્મી પપ્પા આપણી રાહ જોઈ રહ્યાં છે. મારી પાસે એમને કેટલીય આશાઓ હતી. અને તારી એક હા એમની આશાઓ પૂર્ણ કરશે.”

અવંતિકાએ રોહનની આંખો સામે આંખો મિલાવતા “હા” કહ્યું. રોહનના ચહેરા ઉપર ખુશીનું મોજું ફરી વળ્યું. અવંતિકા સાથે રોહન પણ તેના ઘરે ગયો. બંને પરિવાર ત્યાં ભેગા મળી એ લોકોના આવવાની રાહ જોતાં હતાં. બંનેને સાથે જોઈ અનિલભાઈ અને સુરેશભાઈને ખુશી થઈ. ઘરે આવી અવંતિકા રોહન સાથે લગ્ન કરવા રાજી થઈ છે એ જાણી બંને પરિવાર ખૂબ જ ખુશ થયા.

અવંતિકાના બીજા લગ્ન હોવાના કારણે વિધિવત લગ્ન ના થઇ શક્યા, પણ રોહનના મિત્ર વરુણે ભવ્ય રિસેપશનનું આયોજન કર્યું. રોહનને પણ અવંતિકાના સાસુ સસરાએ પોતાનો દીકરો માની લીધો. રોહનને પણ મા બાપ મળી ગયા, આરવને પિતાનો પ્રેમ મળી ગયો. અવંતિકા અને રોહન બંને પોતાની ખુશહાલ જિંદગી વિતાવવા લાગ્યા. આરવ ના કારણે રોહને બીજા બાળકની પણ ઈચ્છા ના વ્યક્ત કરી. વર્ષો સુધી રોહિતના કોઈ સમાચાર આવ્યા જ નહીં, અને રોહન સાથે નવું જીવન શરૂ કર્યા બાદ અવંતિકાએ પણ સ્વીકારી લીધું કે રોહિત હવે આ દુનિયામાં નથી.

આ વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. આ સમગ્ર નવલકથા આપને કેવી લાગી ? તેનો અભિપ્રાય ચોક્કસ આપજો.
ટૂંક સમયમાં આપના માટે લઈને આવી રહ્યો છું એક અલગજ પ્રકારની સંપૂર્ણ પારિવારિક પ્રેમકથા. “વિલ યુ મેરી મી ?” વાંચવા માટે જોડાયેલા રહો “ગુજ્જુ રોકસ” સાથે.

આપનો આભારી.
Author : નીરવ પટેલ “શ્યામ” – GujjuRocks Team
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો) ભાગ 37 માટે અહીં ક્લિક કરો.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here