ઘર છૂટયાની વેળા ભાગ – 37

0

ઘર છૂટયાની વેળા ભાગ – ૩૭
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો, ભાગ 36 માટે અહીં ક્લિક કરો)

આરવના જન્મ દિવસે નક્કી કર્યા મુજબ રોહિતના પાછા આવવાની કોઈ આશા બાકી ના રહેતા પરિવાર જનોએ અવંતિકાના બીજા લગ્ન માટે ગોઠવણ કરી અને અવંતિકાને મનાવવાની હતી.

સુરેશભાઈએ અનિલભાઈ ને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યા. સુમિત્રા સાથે અનિલભાઈ આવી પહોંચ્યા. અવંતિકા આરવ સાથે એના રૂમમાં હતી. ડ્રોઈંગ રૂમમાં બેસી ફરી એ ચર્ચા આરંભાઈ. બંને પરિવારો અવંતિકા ને બીજા લગ્ન કરવા માટે રાજી કરવાના પ્રયત્નો કરવાનું નક્કી કર્યું.

આરવને સુવડાવી અવંતિકા પણ ડ્રોઈંગ રૂમમાં આવી. પોતાના મમ્મી પપ્પાને જોઈને તેને નવાઈ લાગી. તેના મનમાં પ્રશ્ન આવ્યો કે “ગઈ કાલે આરવના જન્મદિવસ નિમિત્તે મમ્મી પપ્પા રાત્રે મોડા સુધી બેઠા અને આજે પણ એ અહીંયા?” પણ એમને કઈ પૂછ્યા વિના ચા-પાણી નું પૂછવા લાગી. અનિલભાઈએ કહ્યું :

“અમારે ચા-પાણી નથી લેવા, તું બસ આમરી સાથે બેસ, અમારે તને એક વાત કરવી છે.”

અવંતિકા સોફાની નજીક આવતાં કહેવા લાગી :”શું વાત છે પપ્પા ?

અનિલભાઈ : “બેટા પહેલા બેસ મારી પાસે.”

અવંતિકા અનિલભાઈની બાજુમાં આવી ને બેઠી. અનિલભાઈ માથે હાથ ફેરવતાં કહેવા લાગ્યા : “જો દીકરા, રોહિતના ગયા ને એક વર્ષ થઈ ગયું, પણ હજુ સુધી એના કોઈ સમાચાર નથી, જો એ હયાત હોત તો પાછો આવી ગયો હોત ને.. પણ મને લાગે છે રોહિત આપણાં બધાને છોડી હંમેશને માટે ચાલ્યો ગયો છે એક નવી દુનિયામાં.”

અનિલભાઈને વચ્ચે જ રોકતાં અવંતિકા કહેવા લાગી : “શું બોલો છો પપ્પા તમે ? રોહિત જરૂર પાછા આવશે, મને હજુ પણ વિશ્વાસ છે. એમના દીકરાનો પ્રેમ એમને અહીંયા લઈ આવશે.”

અનિલભાઈ : “બેટા એમ ક્યાં સુધી તું આશા રાખીને બેસી રહીશ ?”
અવંતિકા : “જ્યાં સુધી રોહિત પાછા ના આવે ત્યાં સુધી.”
અનિલભાઈ : “અને એ ક્યારેય પાછા ના આવ્યા તો ??”
અવંતિકા : “એવું નહિ બને એ જરૂર પાછા આવશે.”

અવંતિકા કોઈ વાતે સમજવા માટે તૈયાર નહોતી, તે સ્વીકારી શકે એમ નહોતી કે રોહિત હવે આ દુનિયામાં નથી. સુરેશભાઈએ પણ સમજાવવાનો દરેક પ્રયત્ન કરી જોયો પણ અવંતિકા સમજી નહિ. જો અવંતિકા સ્વીકારી લે કે હવે

રોહિત આ દુનિયામાં નથી તો તેની આગળ બીજા લગ્નની વાત કરી શકાય. છેલ્લે સુરેશભાઈ બોલ્યા :

“અવંતિકા, તું મારા ઘરની વહુ જ નહીં મારી પણ દીકરી છે. મારી પણ ઈચ્છા થાય કે મારો દીકરો પાછો આવે, પણ બેટા આ વાત ને એક વર્ષ વીતી ગયું, હવે તો અમે પણ આશા છોડી દીધી છે રોહિતની, અમે તને આ રીતે નથી જોઈ શકતાં !” સુરેશભાઈની આંખો આંસુઓથી ભરાઈ આવી.

અનિલભાઈ : “બેટા, તું આરવનું તો વિચાર, હજુ એ નાનો છે, કાલે ઉઠી એ પણ એના પિતા વિશે પૂછશે, ત્યારે આપણે એને શું જવાબ આપી શકીશું ?”

અવંતિકા : “પપ્પા, તમે કહેવા શું માંગો છો ?”

અનિલભાઈ : “હજુ આ ઉંમર તારી વિધવા જીવન વિતાવવાની નથી, અમે બધા ઇચ્છીએ છીએ કે તું બીજા લગ્ન માટે વિચાર કરે.”

સોફામાંથી એકદમ ઊભા થતાં અવંતિકા કહેવા લાગી : “ના પપ્પા, એવો વિચાર તો હું સપનામાં પણ નહીં કરી શકું, રોહિત સાથે લગ્ન કર્યા એ દિવસથી જ મેં મારો આ જન્મ રોહિત અને એના પરિવારના નામે કરી દીધો છે. ભલે રોહિત પાછો નહીં આવે તો પણ હું મારું જીવન આ પરિવાર સાથે જ કાઢી લઈશ. રોહિત બાદ મારા જીવવાનો આધાર આરવ બની ચુક્યો છે.”સુરેશભાઈ : “બેટા એમ આખું જીવન ના નીકળી શકે ? અને અમે એટલા પણ સ્વાર્થી નથી કે અમારા માટે તારા જીવનની આહુતિ આપી દઈએ. અમારી આંખો સામે તારું જીવન બરબાદ થતાં અમે નહિ જોઈ શકીએ.”
અવંતિકા : “પપ્પા, મેં પણ ગઈકાલે એક નિર્ણય કર્યો છે. એકક્ષણ માટે તો મેં પણ રોહિતના ના આવવાની હકીકત સ્વીકારી લીધી હતી. પણ મને દિલમાં ઊંડે ઊંડે આશા છે કે રોહિત પાછો આવશે, અને હવેથી હું આપણા બિઝનેસને આગળ ધપાવીશ. રોહિતના બાકી રહી ગયેલા કામને હું સાચવીશ. તમારા જીવનમાં રોહિતની ખોટ હું પુરી કરીશ.”

સુરેશભાઈ : “બેટા, એટલું સહેલું નથી આ બધું કરવું ?”

અવંતિકા : “પપ્પા, આ દુનિયામાં કઈ અશક્ય નથી.”

અવંતિકાને સમજાવવાના બધા જ પ્રયત્નો કરી જોયા પણ સુરેશભાઈ અને અનિલભાઈને કોઈ સફળતા મળી નહીં. અવંતિકાએ નક્કી કરી લીધું કે હવે સંપૂર્ણ પણે રોહિતના બિઝનેસને સાચવી લેવો.

બીજા જ દિવસથી અવંતિકા આરવને તેના સાસુ સસરાને સોંપી ઓફિસે જવા લાગી. અવંતિકાના આ નિર્ણયથી બંને પરિવારો ખુશ પણ હતાં સાથે અવંતિકા પોતાના જીવનમાં એકલી રહી ગઈ છે એનું દુઃખ પણ હતું. પરંતુ અવંતિકાના નિર્ણય સામે બંને પરિવારને ઝુકવું પડ્યું.

પ્લેન દુર્ઘટના બાદ રોહિતનો મૃતદેહ મળ્યો નહોતો, માટે રોહિતના પાછા આવવાની આશામાં બેઠેલી અવંતિકા હવે રોહિતના વ્યસવસાયને સંભાળવા લાગી. ઓફીસ અને આરવની સંભાળમાં અવંતિકાએ પોતાના દિવસો પસાર કરવા માંડ્યા, બહાર ગામની મિટિંગ માટે સુરેશભાઈ જતાં પણ ઓફિસનું બધું જ કામ અવંતિકા સાચવવા લાગી. આરવ પણ સમય સાથે મોટો થતો ગયો. રોહિતની છબી આરવમાં જ ઉભરી આવી હતી. આરવના દરેક જન્મ દિવસે બંને પરિવારો ભેગા થઈ સામાન્ય ઉજવણી કરતાં. અને દરેક વખતે અવંતિકાને સમજાવવાના પ્રયત્નો કરવામાં આવતા પણ અવંતિકા પોતાના નિર્ણય ઉપર મક્કમ હતી. ત્રણ વર્ષ વીતવા છતાં અવંતિકાના મનમાં હતું કે રોહિત પાછો આવશે.
અનિલભાઈ અને સુમિત્રા એક દિવસ સાંજે બગીચામાં બેસી પોતાની દીકરી અવંતિકા વિશે ચિંતા કરતાં હતાં ત્યારે અચાનક સુમિત્રાને રોહન યાદ આવ્યો. અનિલભાઈ સામે રોહનની વાત શરૂ કરી :.

સુમિત્રા : “તમને રોહન યાદ છે ?”

અનિલભાઈ : “કોણ રોહન ?”

સુમિત્રા : “જેની સાથે અવંતિકા ઘર છોડી ને ચાલી ગઈ હતી એ !”

અનિલભાઈ : “હા, પણ અત્યારે તું એ વાત કેમ યાદ કરે છે ?”

સુમિત્રા : “અવંતિકા મને કહેતી હતી કે રોહન ખૂબ જ સારો છોકરો હતો, અને તેને ખૂબ જ પ્રેમ પણ કરતો હતો, પરંતુ તેના ઘર છોડ્યા બાદ તમને જે એટેક આવ્યો, અને તમારી ખુશીના કારણે અવંતિકાએ રોહિત સાથે લગ્ન કરવા તૈયારી બતાવી, રોહન પણ ખૂબ જ સમજુ હતો અને એટલે જ તે અવંતિકાથી દૂર થઈ ગયો.”

અનિલભાઈ : “પણ હવે એ વાત નો શું મતલબ છે ? અને રોહિત સાથે અવંતિકાના લગ્ન કરાવીને પણ આપણે કઈ ખોટું નથી કર્યું ! આ તો વિધિના વિધાનને કોણ ટાળી શકવાનું ?”

સુમિત્રા : “મારા કહેવાનો મતલબ એ નથી ! શું આપણે રોહનની શોધખોળ કરી શકીએ ? કદાચ રોહનને જોઈ અવંતિકાનું મન બદલાઈ જાય ?”

અનિલભાઈ : “વાત તો તારી વિચારવા જેવી છે ! પણ રોહને લગ્ન કરી લીધા હશે તો ?”

સુમિત્રા : “જો રોહને લગ્ન કરી લીધા હોય તો પછી આપણે આપણું કિસ્મત ખરાબ છે એમ સમજીશું, પણ હમણાં પ્રયત્ન કરવામાં શું ખોટું છે ?”

અનિલભાઈ : “પણ આટલા વર્ષો બાદ રોહનને આપણે કેવી રીતે શોધી શકીશું ? આપણને તો એના વિશે કંઈજ ખબર નથી !”

સુમિત્રા : “અવંતિકાની ફ્રેન્ડ સરસ્વતીને ખબર હશે. એ અવંતિકાની ખાસ ફ્રેન્ડ હતી, એટલે એ જરૂર જાણતી જ હશે, આપણે એનો સંપર્ક કરીએ.”


અનિલભાઈ : “હા, સરસ્વતીને ખબર હશે રોહન ક્યાં હશે. પણ આપણે સરસ્વતીનો સંપર્ક કેમ કરી કરીશું ?.”

સુમિત્રા : “અવંતિકા પાસે એનો નંબર હશે, પણ આમ અચાનક આપણે એની પાસેથી સરસ્વતીનો નંબર માંગીશુ તો એને પણ શંકા જશે. મને પણ છેલ્લે એટલું જ ખબર છે કે એના પપ્પાની બદલી સુરતમાં થઈ હતી. અને અવંતિકાના લગ્નમાં એ સુરતથી આવી હતી.”

અનિલભાઈ : “અવંતિકા ફેસબુક પણ નથી યુસ કરતી નહીતો એના ફ્રેન્ડ લિસ્ટમાં પણ એ મળી જતી. પણ છતાં હું સર્ચ કરીશ. એ ફેસબુકમાં મળી જાય તો એની પાસેથી એનો નંબર લઈ વાત કરીશું.”

સુમિત્રાને રોહન દ્વારા અવંતિકાનું જીવન બદલવા માટે એક આશાનું કિરણ નજરે ચઢ્યું. જે રોહન માટે એક સમયે નફરતની લાગણી જન્મી હતી એ આજે પ્રેમમાં બદલાઈ રહી હતી. કોઈપણ રીતે એ રોહન સુધી પહોંચવા માંગતા હતાં. થોડા જ દિવસમાં અનિલભાઈએ સરસ્વતીની પ્રોફાઈલ શોધી નાખી એમાં રિકવેસ્ટ મોકલી. સાથે મેસેજ રિકવેસ્ટમાં સરસ્વતીના નંબરની માંગણી પણ કરી. સરસ્વતીએ એ થોડા જ સમયમાં એ રિકવેસ્ટ એક્સેપટ કરી પોતાનો નંબર આપ્યો. અનિલભાઈએ નંબર મળતા જ સરસ્વતીને ફોન કર્યો…

અનિલભાઈ : “કેમ છે બેટા ?”

સરસ્વતી : “એકદમ મઝામાં અંકલ, તમે કેમ છો ? અને આંટી કેમ છે ?”

અનિલભાઈ : “અમે પણ મઝામાં છીએ બેટા.”.

સરસ્વતી : “અવંતિકા તો મને ભૂલી જ ગઈ છે અંકલ, કેટલા વર્ષો થયા એની સાથે વાત કરે, ફેસબુકમાં પણ મેં એને ઘણું શોધી, એનો કોઈ કોન્ટેકટ જ નથી મળતો, સારું થયું તમે મારો કોન્ટેકટ કર્યો. રોહિતકુમાર મળી ગયા એટલે એતો અમને ભૂલી જ ગઈ.”

સરસ્વતીની વાત સાંભળી અનિલભાઈની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. અનિલભાઈએ તેને અવંતિકાના જીવનમાં બનેલી બધી જ ઘટનાઓની વાત કરી. સરસ્વતીને પણ સાંભળી ઘણું દુઃખ થયું, તે અવંતિકા સાથે વાત કરવા માટે ઉતાવળી થવા લાગી. પણ અનિલભાઈએ તેને સમજાવતા કહ્યું :

“બેટા, અવંતિકા સાથે હું તારી વાત કરાવીશ, પણ હમણાં નહિ, હમણાં તો અમારે તારી મદદની જરૂર છે, છેલ્લા ત્રણ વર્ષથી રોહિતની રાહ જોઈ અવંતિકા બેસી રહી છે, રોહિતના પાછા આવવાની દૂર દૂર સુધી કોઈ આશા નથી, અને અમે એને બીજા લગ્ન માટે સમજાવી પણ એ તૈયાર નથી. અમે એને આ રીતે જીવન જીવતાં નથી જોઈ શકતાં, આ ઉંમર એના વિધવા બની જીવન વિતાવવાની નથી !”

સરસ્વતી : “પણ આમાં હું શું મદદ કરી શકું અંકલ ?”

અનિલભાઈ : “રોહનને તું ઓળખે છે ને ?”

સરસ્વતી : “હા, રોહન અમારી સાથે જ કોલેજમાં હતો.”

અનિલભાઈ : “મારે રોહનને મળવું છે, એક રોહનજ છે જે અવંતિકાને નવું જીવન આપી શકે છે.”

સરસ્વતી : “મારા લગ્ન બાદ હું રોહનના સંપર્કમાં નથી, પણ હું એના એક ખાસ મિત્રને ઓળખું છું, એ જરૂર જાણતો હશે રોહન ક્યાં હશે. હું એની સાથે વાત કરી તમને જણાવીશ.”

અનિલભાઈ : “આભાર સરસ્વતી.”

સરસ્વતી : “એમાં આભાર ના હોય અંકલ, અવંતિકા વિશે જાણીને તો મને પણ ખૂબ જ દુઃખ થયું, અને તમે જે આ નિર્ણય લેવા માંગો છો તે પણ ખૂબ જ યોગ્ય છે, આ કામમાં હું ચોક્કસ સહભાગી થઈશ. મારા કારણે જો અવંતિકાનું જીવન બદલાતું હોય તો મને બહુ ખુશી થશે.”

સરસ્વતી સાથે વાત કરી અનિલભાઈ અને સુમિત્રા બંને ખુશ હતાં. જો રોહન હજુ પણ અવંતિકાને પ્રેમ કરતો હશે તો એ જરૂર અવંતિકાને અપનાવી લેશે. અને અવંતિકા પણ રોહનને સ્વીકારશે.

લગ્નબાદ સરસ્વતી રોહનના સંપર્કમાં નહોતી પણ વરુણની પ્રોફાઇલને ફોલો કરતી હતી. સરસ્વતીના દિલમાં રહેલો વરુણ પ્રત્યેનો એકતરફી પ્રેમ હજુ તેના મનમાં ક્યાંક સળવળતો હતો જેના કારણે વરુણના સુખી પરિવારને જોઈ તે મનોમન ખુશ થતી હતી, લગ્નબાદ તેને ક્યારેય વરુણ સાથે વાત નહોતી કરી પણ આજે તેને વરુણને મેસેજ કર્યો, વરુણ મેસેજ જોઈને ખુશ થઈ તરત રીપ્લાય આપ્યો. પોતાના જીવન વિશે અને બીજી નોર્મલ વાતો કરી સરસ્વતીએ વરુણને અવંતિકા વિશે જણાવ્યું. અને રોહનનો નંબર માંગ્યો. વરુણે તરત રોહનનો નંબર આપ્યો, અને પોતે રોહન સાથે વાત કરવા માટે જણાવવાનું કહ્યું, પણ સરસ્વતીએ જણાવ્યું કે “અવંતિકાના પપ્પા રોહન સાથે વાત કરવાના છે એટલે પહેલા એ વાત કરે પછી જ તું રોહન સાથે વાત કરજે એમ કહ્યું.” વરુણને અવંતિકા સાથે જે બન્યું એનું દુઃખ થયું, પણ સાથે પોતાના મિત્રનો અધુરો રહી ગયેલો પ્રેમ પૂર્ણ થશે એ વાતની મનોમન ખુશી પણ થઈ. રોહનનો આટલા વર્ષોની પ્રતીક્ષા જાણે ફળતી હોય એમ લાગ્યું.

સરસ્વતીએ રોહનનો નંબર અનિલભાઈને મેસેજ કરી મોકલી આપ્યો. અનિલભાઈને પણ રોહનના જીવનમાં કોઈ આવ્યું નથી એ જાણી ખુશી થઈ. રોહનનો નંબર મળતા જ અનિલભાઈએ રોહનને ફોન લગાવ્યો…..

લેખક : નીરવ પટેલ “શ્યામ”
વધુ આવતા અંકે.. (વાંચો આ સ્ટોરી ને છેલ્લો ભાગ 38 આવતા મંગળવાર 06-Nov રાત્રે 9:30 કલાકે)
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો) ભાગ 36 માટે અહીં ક્લિક કરો.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here