ઘર છૂટયાની વેળા ભાગ – 34

0

ઘર છૂટયાની વેળા ભાગ – 34

(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો, ભાગ 33 માટે અહીં ક્લિક કરો)
રોહિત અને અવંતિકા ઘરની બહાર ચાલવા માટે નીકળ્યા. અવંતિકાને સમજાઈ રહ્યું નહોતું કે રોહિત ને કેમ કરી પોતાની મૂંઝવણ જણાવવી. પણ આ રીતે રોજ રોજ ઘરમાં ગૂંગળામણ અનુભવવા કરતાં રોહિત સાથે ખુલીને વાત કરી લેવી સારી એમ અવંતિકા માનતી હતી. અવંતિકા એ ચાલતા ચાલતા રોહિતનો હાથ પકડ્યો અને કહેવા લાગી :
“રોહિત, મારે તમારી સાથે એક વાત કરવી છે ?”

રોહિત : “હા, બોલને શું કહેવું છે ?”

અવંતિકા : “આપણાં મેરેજને ચાર મહિના વીતી ગયા, તમે પણ તમારા કામકાજમાં વ્યસ્ત હોવ છો. મમ્મી પપ્પા સાથે મને ખુબ જ સારું ફાવે છે તે છતાં મારું મન નથી લાગતું ક્યારેક, એકલા એકલા કંટાળી જાવ છું.”
રોહિત : “કેમ તને એમ લાગે છે ? મમ્મી સાથે કે પપ્પા સાથે કંઈ થયું ?”
અવંતિકા : “ના, મમ્મી પપ્પા તો મને દીકરીની જેમ સાચવે છે..પણ….”
રોહિત : “પણ શું ? અવંતિકા ?”

અવંતિકા : “હું અત્યાર સુધી ખૂબ જ જુદા વાતાવરણમાં રહી છું, તે પણ જોયું છે અમદાવાદ માણસોથી કેટલું હરયુભર્યું છે. મારી ફ્રેન્ડ સાથે ઘણીવાર અમે કાંકરિયા કે રિવરફ્રન્ટ ઉપર કલાકોના કલાકો સુધી બેસી રહેતા. પણ અહીંયા આવી ને મને ઘરમાં ને ઘરમાં ગૂંગળામણ થાય છે. મમ્મી સાથે પણ કેટલી વાતો કરી શકું ?”

રોહિત : “હા, એ તો છે. અમદાવાદની જેવી મઝા તને નહિ આવતી હોય, પણ તું બહાર ફરવા માટે નીકળી શકે છે, મારા તરફથી કે મમ્મી પપ્પા તરફથી આ બાબતે કોઈ રોક ટોક નથી તને !”

અવંતિકા : “પણ રોહિત, બહાર એકલા એકલા ફરવાનું મને નહીં ગમે, અને હું એકલી ક્યાં જઈ શકું ? મમ્મી સાથે પણ એક ફ્રેન્ડની જેમ તો હું ના જ ફરી શકું ને ? અને આ પ્રોબ્લેમ એક બે દિવસનો નથી, મારે આખી લાઈફ અહીંયા જીવવાની છે. એમ રોજ ફરવા પણ થોડું નીકળી જવાય ?”

રોહિત : “તો હું શું કરી શકું બોલ અવંતિકા ? મારે હમણાં થોડું કામકાજ વધારે છે એટલે હું પણ તારી સાથે ક્યાંય આવી શકું એમ નથી, મારુ આ કામ પૂર્ણ થઈ જાય પછી તને ચોક્કસ સમય આપીશ.”

અવંતિકા : “ના રોહિત, તું એવું ના વિચારશો કે તમારું કામ આપણી વચ્ચે આવે છે. હું તો ખુશ છું તમને આ રીતે કામ કરતા જોઈને. અને તમારું કામ દિવસે ને દિવસે વધે એવી જ હું ઈચ્છા રાખીશ.”

રોહિત : “તો પછી અવંતિકા હું શું કરી શકું બોલ તારા માટે ?”

અવંતિકા : “હું પણ કંઈક કરવા માગું છું, કોઈ જોબ કે બીજું કંઈ પણ, કમાવવા માટે નહીં માત્ર સમય પસાર કરવા માટે, ઘરમાં બેઠા બેઠા શરીર અને મગજ બંને ખરાબ કરવા કરતાં કંઇક કરતી રહીશ તો મને પણ ગમશે, અને સમય પણ નીકળી જશે.”

રોહિત : “તારો આઈડિયા તો સારો છે. પણ તું કેવી જોબ કરીશ ?”

અવંતિકા : “હું પણ ભણી છું, મારી લાયકાત અનુસાર મને કોઈક તો જોબ મળી જશે, મોલમાં, સ્ટોરમાં કે બીજે ગમે ત્યાં.”

રોહિત : “પણ મમ્મી પપ્પાને કેમ કરી સમજાવીશું ? એ તને આવી કોઈ જોબ કરવાની પરવાનગી નહિ આપે.

અવંતિકા : “એટલે જ મેં પહેલા તમને વાત કરી. તમે જ કંઈ વિચારી શકો આ બાબતે.”

રોહિત (થોડું વિચારીને) : “એક રસ્તો છે. જો તને ગમે તો ?”

અવંતિકા : “કેવો રસ્તો ?”

રોહિત : “તું રોજ મારી સાથે જ મારી ઓફિસમાં આવ, ત્યાનું થોડું કામકાજ સંભાળ. મને પણ કામમાં થોડો ટેકો મળશે

અને પપ્પા કે મમ્મી ને પણ આ વાત ગમશે.”

અવંતિકા : “ખરેખર આમ થઈ શકે ?”

રોહિત : “હા, જો તારી ઈચ્છા હોય તો હું પપ્પાને આ બાબતે વાત કરું.”

અવંતિકા (ખુશી સાથે) : “હા, પપ્પાને વાત કરો. મને તો ખૂબ જ સારું. તમારી સાથે પણ રહી શકીશ અને મારો પ્રોબ્લેમ પણ દૂર થશે.”

રોહિત : “સારું તો હું પપ્પાને આવતી કાલે જ આ વિષય ઉપર વાત કરીશ બસ.”

અવંતિકા રોહિતનો હાથ પોતાના બંને હાથમાં જોરથી દબાવી ને કહ્યું : “થેંક્યું સો મચ, મને સમજવા માટે.”

અવંતિકા ખુશ હતી કે રોહિત તેની વાત સમજ્યો. રોહિતે બીજા દિવસે તેના પપ્પા સાથે વાત કરી. તેમને પણ કોઈ વિરોધ કર્યો નહીં. તેમને ખુશી ખુશી હા કહી. થોડા જ દિવસમાં અવંતિકા પણ રોહિત સાથે ઓફીસ જવા લાગી. રોહિતે ધીમે ધીમે અવંતિકાને ઓફિસના કામ કાજ શીખવી દીધા. અવંતિકાનું મન હવે ઓફિસમાં લાગવા લાગ્યું. દિવસો કામ કરતા કરતા ક્યારે પૂર્ણ થઈ જતાં તેની પણ હવે ખબર ના રહી.

વરુણ ઘરેથી પાછો દહેજ આવી ગયો. રોહન સાથે મન લગાવી અને કામ કરવા લાગ્યો. વરુણના પપ્પાએ દહેજનો પ્રોજેકટ સફળતા પૂર્વક પૂર્ણ થઈ અને ત્યાનું કામકાજ શરૂ કરાવ્યા બાદ બીજા નવા પ્રોજેકટ માટે વરુણ અને રોહનને અલગ અલગ સ્થળે મોકલવા લાગ્યા, ઘણીવાર ગુજરાતની બહાર તો ઘણીવાર દેશની બહાર પણ જવાનું થતું. રોહન હવે વરુણના પરિવાર માટે એક કર્મચારી નહિ પણ પરિવારનો એક સભ્ય જ બની ચુક્યો હતો. રોહન પણ ખૂબ જ ઈમાનદારી પૂર્વક પોતાનું કામ સંભાળતો. પોતાની ગરીબીમાંથી મહેનત દ્વારા રોહન સફળતાની સીડીઓ ચઢતો ગયો. આજે તેની પાસે પોતાની કાર, આલીશાન ઘર, બેન્ક બેલેન્સ બધું જ થઈ ગયું. છતાં તે અવંતિકાને હજુ ભૂલી નહોતો શક્યો. તેના પર્સમાં અવંતિકાનો ફોટો રાખતો અને રોજ રાત્રે તેને જોઈ જૂની યાદો વાગોળતો. અવંતિકા બધું જ ભૂલી અને રોહિતને જ પોતાનું સર્વસ્વ માની ચુકી હતી પણ રોહન માટે અવંતિકાને ભૂલવું અશક્ય હતું.

વરુણ માટે લગ્નની વાતો આવવા લાગી. પોતાનો વધતો જતો બિઝનેસ અને શહેરમાં તેના પપ્પાની પ્રતિષ્ઠાના કારણે ઘણાં મોટા મોટા પરિવાર પોતાની દીકરી આપવા માટે રાહ જોઇને બેઠા હતાં. પણ વરુણ લગ્ન માટે ના જ કહેતો. વરુણના માતા પિતા પણ તેને ખૂબ જ કહેતા પણ વરુણ લગ્ન માટે તૈયાર થતો નહિ. છેવટે વરુણના પપ્પાએ રોહનની મદદ માંગી અને લગ્ન માટે વરુણને તૈયાર કરવાની જવાબદારી રોહનને સોંપવામાં આવી. રોહન માટે પણ આ કામ મુશ્કેલી ભર્યું હતું. પણ રોહને ગમેતેમ કરી વરુણને લગ્ન માટે તૈયાર કરી લીધો ધામધૂમથી વરુણના લગ્ન થયા. રોહનને પણ વરુણના મમ્મી પપ્પાએ ખૂબ સમજાવ્યો કે “તું પણ લગ્ન કરી લે.” પણ રોહન એ માટે તૈયાર ના થયો. એકલો રહી અને સફળતા મેળવતો ગયો. વરુણ લગ્ન બાદ ઓફિસમાં અને કામકાજમાં ઓછો સમય આપી શકતો પણ રોહન, વરુણના ભાગનું કામ પણ પોતે ઉઠાવી લેતો. મોટાભાગની મિટિંગમાં રોહન જતો. પોતાના બોલવાના અંદાઝ અને ધંધાકીય આવડતના કારણે કંપનીને સારો પ્રોફિટ મળતો. વરુણના પપ્પા પણ હવે આંખ બંધ કરી અને રોહન ઉપર વિશ્વાસ કરવા લાગ્યા.

દીકરીને પરણાવ્યા બાદ અનિલભાઈ અને સુમિત્રા પણ એકલા પડી ગયા હતાં. અવંતિકા વગર તેમનું પણ ઘરમાં મન નહોતું લાગતું. આથી અનિલભાઈએ પણ અમદાવાદમાં બધું જ વેચી અને કાયમ માટે લંડન ચાલ્યા જવાનું નક્કી કર્યું. જીવનનો મોટાભાગનો સમય અનિલભાઈએ કમાવવામાં પસાર કરી નાખ્યો, હવે પાછળની જિંદગી તેઓ સુખેથી રહેવા માંગતા હતાં તેથી પત્ની સુમિત્રા સાથે લંડન ચાલ્યા ગયા. ત્યાં તેમને પોતાનું ઘર ખરીદી લીધું. અનિલભાઈના આ નિર્ણયથી અવંતિકા અને રોહિત બંને ખુશ હતા. રોહિત અવાર નવાર અવંતિકાને લઈ તેના મમ્મી પપ્પાને મળવા જતો. ક્યારેક અનિલભાઈ અને સુમિત્રા રોહિતના ઘરે આવી જતાં. બંને પરિવારો લંડનમાં હોવાના કારણે એકબીજા સાથે વધુ સમય વિતાવવા લાગ્યા. અવંતિકા પણ ખુશ હતી. હવે તેને અમદાવાદ જવાની પણ જરૂર ના રહી. પોતાની દીકરીને ખુશ જોઈ અનિલભાઈ અને સુમિત્રના દિલમાં પણ શાંતિ હતી.લગ્નના બે વર્ષ બાદ પણ અવંતિકા અને રોહિતે બાળક માટે વિચાર્યું નહોતું. રોહિતના કામકાજનો અડધો ભાર હવે અવંતિકા ઉઠાવવા લાગી હતી. આ જોઈ અને રોહિત અને તેના મમ્મી પપ્પા પણ ગર્વ કરતાં હતાં. પણ તેમની ઈચ્છા હતી કે રોહિતના ઘરે પણ બાળકનો જન્મ થાય. અનિલભાઈ અને સુમિત્રા પણ એવું ઇચ્છતા હતા. રોહિત અને અવંતિકાએ પણ આ બાબતે વિચાર કર્યો. થોડા જ સમયમાં અવંતિકા પ્રેગ્નેટ બની. આ સમાચાર સાંભળી બંને પરિવારોમાં ખુશી પ્રસરી ઊઠી.

રોહિત અને ઘરના તમામ સભ્યો અવંતિકાનું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યા. થોડા જ મહિનામાં અવંતિકાને ઓફીસ પણ જવા ઉપર પ્રતિબંધ લગાવ્યો અને ઘરે આરામ કરવાનું જણાવવામાં આવ્યું. રોહિત પણ અવંતિકા સાથે સમય વિતાવવા માટે ઓફિસથી વહેલો આવવા લાગ્યો. અવંતિકાના શીમંત વિધિમાં પણ રોહિત અને તેના પરિવારે ખૂબ મોટું આયોજન કર્યું. શીમંત બાદ અનિલભાઈ તેમના ઘરે અવંતિકાને લઈ ગયા.

રોહન પાસે હવે બધું જ હતું. જેવા જીવનની તેને કલ્પના કરી હશે તેનાથી કેટલાય ઘણું સારું જીવન તે જીવી રહ્યો હતો. વરુણની મિત્રતાના કારણે આ બધું શક્ય બન્યું હતું. તે પોતાનો મોટાભાગનો સમય કામકાજમાં જ આપતો હતો. જેના કારણે તે વ્યસ્ત રહી શકે. પણ રાત્રે સૂતાં વખતે અવંતિકાની યાદો આવીને વીંટળાઈ વળતી. રાત્રે મોડા સુધી અવંતિકા વિશે વિચારતો. અવાર નવાર અવંતિકાનો ફોટો અને પોતે અવંતિકા માટે લખેલી કવિતાને વાંચતો. ઘણીવાર તેના વગર ઉદાસ પણ બની જતો. પણ કેટલીક સારી યાદોને યાદ કરી મનોમન ખુશ પણ થઈ જતો. તે જાણતો હતો કે અવંતિકા માટે તેના પપ્પાનો પ્રેમ પણ જરૂરી હતો. અવંતિકાએ ખોટું નથી કર્યું. તેને તેના પપ્પાની ઇચ્છાને માન આપ્યું છે. અવંતિકાની જગ્યાએ હું હોત તો પણ તે એજ કરતો જે અવંતિકાએ કર્યું છે. આમ વિચારોમાં કેટલીય રાતો વિતાવી દીધી. છતાં અવંતિકા માટેનો પ્રેમ કે તેની યાદો ઓછી કરી શક્યો નહીં. અને તેના કારણે જ પોતાના જીવનમાં બીજા કોઈને પ્રવેશ પણ આપી શક્યો નહિ. અવંતિકાના લંડન ગયા બાદ તેને કયારેય રોહનનો સંપર્ક કર્યો નહિ. સરસ્વતી દ્વારા પહેલા થોડી વાતો જાણવા મળતી. પણ સરસ્વતીના લગ્ન બાદ તેની સાથે પણ કોન્ટેકટ બંધ થઈ ગયો હતો. અવંતિકા પણ સરસ્વતીને રોહન વિશે પૂછતી હતી. અને તેને જાણીને આનંદ હતો કે રોહન પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. અવંતિકા સુખી લગ્ન જીવન જીવી રહી છે એ જાણીને પણ રોહન ખુશ હતો.

પણ છેલ્લા દોઢ વર્ષથી તો સરસ્વતી સાથે કોઈ વાત થઈ નહોતી જેના કારણે ના અવંતિકાને રોહનની કોઈ ખબર મળી ના રોહનને અવંતિકાની. પણ બંને એ માની લીધું હતું કે પોત પોતાના જીવનમાં ખુશ હશે. માટે એકબીજાનો સંપર્ક કરવાનો કોઈ પ્રયત્ન પણ ના કર્યો.

અવંતિકાનો મા બનવાનો સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ પરિવારની ખુશી પણ વધતી ગઈ. છેલ્લા ઘણાં સમયથી રોહિતને પણ અવંતિકાના સાથની ઓફિસમાં આદત પડી ગઈ હતી. અવંતિકા પણ મોટાભાગનું કામ સંભાળતી હતી પણ અવંતિકા હવે ઓફીસ ના આવતી હોવાના કારણે રોહિતનો કામકાજનો ભાર પણ વધ્યો હતો. અવંતિકા તેના પપ્પાના ઘરે ગયા બાદ તે મોડા સુધી ઓફિસના કામ નિપટાવતો.

ડિલિવરીના પંદર દિવસ પહેલા જ રોહિતને એક કામ માટે પેરિસ જવાનું થયું. અવંતિકાએ તેને પોતાની પાસે રોકાઈ જવા માટે કહ્યું પણ રોહિતે પાંચ દિવસ જ છે એમ જણાવી નીકળી ગયો. રોહિતના ગયા બાદ ત્રીજા જ દિવસે અવંતિકાના પેટમાં દુખાવો શરૂ થયો અને તેને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી. ત્યાં ડોક્ટરે સોનોગ્રાફી અને બીજા ટેસ્ટ કર્યા બાદ તાત્કાલિક ડિલિવરી કરાવવાનું જણાવ્યું. રોહિત હતો નહિ પણ વધુ રાહ જોવાય એમ નહોતું. અવંતિકા અને રોહિતના પરિવારે સિઝેરિયન દ્વારા ડિલિવરી કરાવવાનું નક્કી કર્યું. રોહિતને ફોન દ્વારા જાણ કરવામાં આવી, અને તે ઉતાવળે પોતાનું કામ અધવચ્ચે છોડી નીકળી ગયો.

પેરિસથી લંડનની પહેલી ફલાઇટની ટિકિટ બુક કરાવી તે એરપોર્ટ પહોંચ્યો. ધોધમાર વરસાદ અને ખરાબ વાતાવરણના કારણે ફલાઈટ પણ લેટ હતી. રોહિત એરપોર્ટ ઉપર બેઠો બેઠો વાતાવરણ સારું થવાની રાહ જોવા લાગ્યો. તેની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો જલ્દી પહોંચવા માટે. બે કલાક બાદ વાતાવરણમાં થોડો સુધારો થતાં એક ફલાઈટનું એનાઉન્સ લંડન માટે થયું. રોહિત પ્લેનમાં બેસી ગયો. આ તરફ અવંતિકાને પણ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી.

લેખક : નીરવ પટેલ “શ્યામ”
વધુ આવતા અંકે.. (ભાગ-35 મંગળવાર 16-Oct રાત્રે 9:30 કલાકે)
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો) ભાગ 33 માટે અહીં ક્લિક કરો.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here