ઘર છૂટયાની વેળા ભાગ – 33

0

ઘર છૂટ્યા ની વેળા.. અંક – 33
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો, ભાગ 32 માટે અહીં ક્લિક કરો)

શરણાઈના સૂર રેલાવવા લાગ્યા, મહેમાનોનું આગમન થવા લાગ્યું. સૌના મોઢા ઉપર પ્રસન્નતા અને અનિલભાઈના વખાણ સંભળાઈ રહ્યા હતા. અનિલભાઈ એ પણ લગ્નમાં કોઈ કસર બાકી રાખી નહીં, પોતાની એકની એક દીકરીના લગ્ન હતાં. તેમના ઘરમાં આ પહેલો જ પ્રસંગ હતો, અને આ પ્રસંગ બાદ બીજો કોઈ પ્રસંગ પણ આવવાનો નહોતો. માટે અનિલભાઈ એ દિલ ખોલી અને ખર્ચ કર્યો હતો. ઓરકેસ્ટ્રા દ્વારા વાગતું સંગીત પાર્ટી પ્લોટમાં એક અલગ ઉત્સાહ જગાવી રહ્યું હતું.

અવંતિકા પોતાના રૂમમાં તૈયાર થઈ રહી હતી. આ તરફ રોહન પણ દહેજ જવા માટે તૈયારી કરી રહ્યો હતો. સાંજે નક્કી કરેલા સમય ઉપર વરુણ અને રોહન દહેજ જવા માટે નીકળી જવાના હતા. વરુણ થોડા થોડા દિવસે પાછો આવતો રહેશે, પણ રોહન કાયમના માટે આ શહેરને છોડીને જઈ રહ્યો હતો. ઘણી યાદો આ શહેર સાથે જોડાયેલી હતી. અવંતિકાના સાથ બાદ રોહનને આ શહેર પ્રત્યે વધુ લગાવ લાગ્યો હતો, તેને સપનામાં પણ નહોતું વિચાર્યું કે અવંતિકાની સાથે આ શહેર પણ છોડવું પડશે. અવંતિકા સાથે પ્રેમ થયા બાદ તે ખરા અર્થમાં જીવતા શીખ્યો, જીવનને માણતા તેને આવડ્યું,, ખુશ રહેતા શીખી લીધું, પણ અવંતિકા તેના નસીબમાં જ નથી એમ વિચારી જીવનની નવી શરૂઆત તે દહેજમાં કરવા જઈ રહ્યો હતો.

અવંતિકાએ હવે રોહનની યાદોમાથી બહાર નીકળી રોહિતને પોતાના જીવનસાથી તરીકે સ્વીકારી લીધો હતો. જીવનભર હવે રોહિતની સાથે જ રહેવાનુ હોય બધુ જ ભુલાવી તે રોહિત પ્રત્યે વફાદાર રહેવા માંગતી હતી. રોહન પણ હવે અવંતિકાના જીવનમાં ડોકિયું કરવા માંગતો નહોતો, અને તેના કારણે જ અવંતિકા અને આ શહેરથી દૂર જવાનું તેને નક્કી કરી લીધું.

જાન માંડવે આવી પહોચી, રોહિતના ચહેરા ઉપર અવંતિકા સાથેના લગ્નનો આનંદ દેખાઈ રહ્યો હતો. લગ્નનો વિધિ આરંભાયો. અવંતિકા ખુશી ખુશી રોહિત સાથે ચોરીના ફેરા ફરી. અવંતિકા બધુ જ ભૂલી અને પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીને બરાબર સમજી છે એ વાતનો અનિલભાઈ અને સુમિત્રાને આનંદ હતો. પણ અવંતિકાના વિદાય સમયે અનિલભાઈ અને સુમિત્રા ખૂબ જ રડ્યા. દીકરીની વિદાય હોય અને કયા બાપને રડવું ના આવે ? રોહિતે અવંતિકાના પપ્પા પાસે આશીર્વાદ લેતા કહ્યું : “પપ્પા હું તમારી દીકરીને જીવની જેમ સાચવીશ. તમે એકદમ નિશ્ચિંત રહેજો.” રોહિતના પપ્પા એ પણ અનિલભાઈના ખભે હાથ મૂકી કહ્યું : “આજથી અવંતિકા મારી પણ દીકરી છે. ભગવાને મારા ઘરે દીકરીને જન્મ નથી આપ્યો પણ અવંતિકા જ્યારથી નાની હતી મે એને મારી દીકરીના રૂપમાં જ જોઈ છે. ભલે આજે એ મારા ઘરની વહુ બની ગઈ છે. પણ ઘરમાં આવશે તો દીકરી બનીને જ.” અનિલભાઈ એ પણ હસતાં મુખે સુરેશભાઇ અને રોહિતનો આભાર માન્યો. અને વિદાય આપી. અવંતિકા પણ ખૂબ રડી ઘર છોડતા પહેલા. પણ દીકરીને બાપનું ઘર એક દિવસ તો છોડવું જ પડે છે. ઘર છૂટયાની વેળા એ દરેક બાપની આંખોમાં આંસુ હોય છે. તો દરેક દીકરી બાપને વળગી પોક મૂકી રડતી હોય છે. આજે આ પ્રસંગ અવંતિકાના ઘરે પણ હતો. સુમિત્રા અને અનિલભાઈ અવંતિકાની કાર જ્યાં સુધી દેખાયા કરી ત્યાં સુધી જોઈ રહ્યા.

આ તરફ રોહન અને વરુણ પણ કાર લઈને દહેજ તરફ જવા માટે રવાના થયા. અમદાવાદ વડોદરા હાઈ વે થી સીધા વડોદરા અને ત્યાથી ભરુચ થઈ અને દહેજ જવાનું હતું. રોહન અને વરુણ વચ્ચે વાતો થઈ અવંતિકાના લગ્ન વિષે :
વરુણ : “રોહન. આજે અવંતિકાના લગ્ન થઈ ગયા એ વાતનું તને દુ:ખ હશે ને ?”

રોહન : “હા, એના વિષે વિચારતા દિલમાં થોડીક તકલીફ જરૂર થાય છે. પણ હવે પરિસ્થિતી સાથે કદમ મિલાવી આગળ તો ચાલવું જ પડશે ને ? જો એજ વિચારીને બેસી રહીશ તો જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકું. અવંતિકાતો પરણી પોતાના સાસરે ચાલી ગઈ હશે. મારૂ એ સપનું તો હવે ક્યારેય નહીં પૂરું થાય પણ, અવંતિકા બાદ મારૂ બીજું સપનું મારૂ પોતાનું એક અલગ નામ કરવાનું હતું. મારી મહેનતથી હું આગળ વધવા માંગુ છુ. હવે હું મારા બીજા લક્ષ તરફ એટલે કે કામ તરફ આગળ વધીશ.”

વરુણ : “મને તારો આ ગુણ ખૂબ જ ગમે છે. જે ગયું છે અને જવા દઈ જે છે એમાં જ ખુશ રહેવાનો.”

રોહન : “હા હું તો એમ જ માનું છું, જે નથી એનો અફસોસ કરીને શું ફાયદો ? જે છે એને માનભરીને માણી લેવામાં જ સાચી મજા છે.”

વરુણ : “ખરી વાત છે દોસ્ત, તારા આવા વિચારો માત્ર તને જ નહીં મને પણ ઘણા કામ આવ્યા છે, હું પણ રાધિકાને ભૂલવામાં સફળ રહ્યો.”

રોહન : “મને પણ તારો સાથ મળે છે એટ્લે હું જીવનમાં આગળ વધી શકીશ. નહીં તો હું ક્યાં જતો એ મને પણ ખબર નહોતી ?”

પોતાના જીવન વિશેના મનોમંથન કરતાં કરતાં રોહન અને વરુણ રસ્તો પસાર કરી રહ્યા હતા, વડોદરાથી આગળ નીકળી થોડો થાક ઉતારવા માટે અને નાસ્તો કરવા માટે કરજણ હોનેસ્ટ હોટલ ઊભા રહ્યા. ત્યાં થોડીવાર આરામ કરી દહેજ જવા રવાના થયા.

અવંતિકા પણ પોતાના સાસરે પહોચી. સાસરે પણ અવંતિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અવંતિકા પોતાના સાસરી પક્ષના વ્યક્તિઓથી ખુશ હતી. ખાસ કરીને રોહિતનો સ્વભાવ તેને ખુબ જ ગમ્યો. રોહિત પણ અવંતિકાને પ્રેમ કરવા લાગી ગયો અને રોહિત વિષે જાણી અવંતિકા પણ રોહિતને પ્રેમ કરવા મજબૂર બની હતી. લગ્નના બંધનથી બંધાઈને હવે બંને એકબીજાના હમસફર હતા. લગ્નની પહેલી રાત્રે અવંતિકાએ પોતાની જાત સોંપી અને પતિ તરીકેના તમામ હક

રોહિતને આપી દીધા. રોહિત પણ અવંતિકાના પ્રેમથી ખુશ હતો.

વરુણ અને રોહન પણ દહેજ પહોચ્યા. અંધારું થઈ ગયુ હતું. ત્યાં રહેવા માટે દહેજ પહેલા આવતું ગામ જોલવા સ્થિત ટાઈગર પ્લાઝામાં પહોચ્યા. એ હોટલમાં ફ્લેટની સુવિધા છે, વરુણના પપ્પાએ ત્યાં એક 2bhk ફ્લેટ ખરીદી લીધો હતો. જમવાની વ્યવસ્થા પણ ત્યાં જ હતી. ફ્લેટ પણ સુવિધા સભર હતો. આજુબાજુનો વિસ્તાર પણ ગામડાઓથી ઘરાયેલો હતો. વરુણને તો આ સ્થળ ખૂબ જ ગમ્યું. બીજા દિવસ સવારથી જ કામ ઉપર લાગવાનું હતું. ટ્રાવેલિંગનો થાક હોવાના કારણે બંને જલ્દી સુઈ ગયા.

અવંતિકાએ પોતાની ગાડી પાટા ઉપર ચઢાવી દીધી. અને રોહન પણ હવે કામકાજમાં વ્યસ્ત રહી બધું ભૂલવા લાગ્યો. રોહિતના પ્રેમ અને કાળજી તથા તેના પરિવારના પ્રેમાળ સ્વભાવમાં અવંતિકા પણ ધીમે ધીમે બધું જ ભૂલવા લાગી. થોડા દિવસ ઇન્ડિયામાં રહી અને અવંતિકા રોહિત સાથે લંડન ચાલી જવાની હતી. રોહિત પણ આ વાત સમજતો હતો એટલે અવંતિકાને તેના મમ્મી પપ્પા સાથે વધુ સમય રહેવા દેતો.રોહન અને વરુણ પણ પોતાના નવા પ્રોજેક્ટના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યા. દિવસો અને રાતો કામમાં કેમની પસાર થઈ જતી એ પણ ખબર ના રહેતી. ફ્લેટ ઉપર આવી થાકી બંને સુઈ જતાં. અને સવારે ઉઠી કામ ઉપર. વરુણના પપ્પાને પણ રોજના કામનો રિપોર્ટ મળતો રહેતો. વરુણ અને રોહનને સોંપેલી જવાબદારી તેમને ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે એ જોઈ વરુણના પપ્પા તેમને પ્રોત્સાહન પણ આપતા. રજાના દિવસે નર્મદા કિનારે જતા અને આખો દિવસ ત્યાં જ પસાર કરતાં.

લગ્નના એક મહિનામાં અવંતિકાના લંડન જવા માટેની બધી જ કામગીરી થઈ ગઈ. રોહિત અને તેનો પરિવાર પણ છેલ્લા કેટલાય સમયથી અહીંયા હોવાના કારણે લંડનમાં બિઝનેસનું કામકાજ પણ ઘણું અટવાયું હતું. રોહિતે બધાની ટિકિટ કરાવી. લંડન જવાના થોડા દિવસ પહેલાં જ રોહિત અવંતિકાને એના ઘરે મૂકી આવ્યો હતો. જેથી કરી તે તેના મમ્મી પપ્પા સાથે સમય પસાર કરી શકે. પછી હવે ક્યારે ઇન્ડિયા આવવાનું થાય એ નક્કી નહોતું. લંડન જવાના આગળના દિવસે બંને પરિવાર આખો દિવસ સાથે રહ્યા. બીજા દિવસે અનિલભાઈ અને સુમિત્રા અવંતિકાને મુકવા માટે એરપોર્ટ ગયા. અને અશ્રુભેર દીકરીને વિદાય આપી.

લંડન પહોંચી રોહિત બીજા જ દિવસથી પોતાના કામ ઉપર લાગી ગયો. તેના પપ્પા સુરેશભાઈ પણ પોતાના કામમાં વળગી ગયા. અવંતિકા માટે દેશ નવો હતો વળી આસપાસના લોકોમાં પણ ઓળખાણ નહોતી. આખો દિવસ તે ઘરમાં જ બેસી રહેતી. રોજ રાત્રે રોહિતના આવવાની રાહ જોતી. સુરેશભાઈ જલ્દી આવી જતાં પણ રોહિત કામકાજમાં વ્યસ્ત હોવાના કારણે જલ્દી આવી શકતો નહિ. સુરેશભાઈ સાંજે જમતાં સમયે ઘણીવાર રોહિતને કહેતા પણ ખરાં કે “તારા લગ્ન હજુ હમણાં જ થયા છે, તો બીજા કોઈને જવાબદારી સોંપી તું વહેલો ઘરે આવવાનું રાખ” પણ રોહિત કામકાજનો પાક્કો માણસ હતો. બીજા કોઈ ઉપર તે આવી જવાબદારી સોંપવા નહોતો માંગતો. વળી તે કહેતો પણ ખરો કે “પપ્પા, લગ્નના સમય દરમિયાન જવાબદારી બીજાને સોંપીને જ આપણે ગયા હતાં, પણ એ લોકો કોઈ બરકત લાવે એમ નથી, જ્યાં સુધી આપણે પોતે કામ ના સંભાળીએ ત્યાં સુધી સંતોષ ના આવે.” અવંતિકા પણ રોહિતને કામ વિશે બહુ પૂછતી નહિ. રોહિત ભલે કામકાજમાં ગમે તેટલો વ્યસ્ત હોય પણ અવંતિકા સાથે થોડા થોડા સમય ફોન અને મેસેજ દ્વારા વાત કરી એને ખુશ રાખતો. ઘરે આવે ત્યારે પણ પોતાના હસતાં ચહેરાથી અવંતિકાનું દિલ જીતી લેતો. થાકેલો હોવા છતાં પણ બહાર આંટો મારવાના બહાને અવંતિકાનો હાથ પકડી ચાલવા નીકળતો.

અવંતિકા પોતાની જાતને ભાગ્યશાળી સમજતી. તેના જીવનમાં પહેલા તેના પપ્પા આવ્યા. જે તેને ખૂબ જ પ્રેમ કરતા, દરેક જરૂરિયાત પૂર્ણ કરતા. વહાલ કરતા. બીજા પ્રેમના રૂપમાં તેને રોહન મળ્યો. તે પણ તેને પુષ્કળ પ્રેમ કરતો, તેને દરેક વાતે સમજતો અને આજે પતિના રૂપમાં રોહિત પણ તેની સામે પ્રેમની એક સાચી મૂર્તિ બનીને ઊભો છે જે તેને દરેક વાતે ખુશ રાખે છે. ભરપૂર પ્રેમ કરે છે. પણ ક્યારેક અવંતિકાને એકલતા કોરી ખાતી હતી. રોહિતના મમ્મી પપ્પાએ ક્યારેય અવંતિકાને પોતાના મા બાપની ખોટ પડવા ના દીધી. પણ અમદાવાદમાં આઝાદ રીતે હરતી ફરતી, બહેનપણીઓને મળી, રિવરફ્રન્ટ કે કાંકરિયા જઈ સમય વિતાવતી અવંતિકા લંડનમાં એકલી પડવા લાગી. રોહિતના મમ્મી સાથે પણ કેટલી વાતો થઈ શકે ? ઘરમાં જો કોઈ સમવયસ્ક હોત તો સમય પસાર કરવો સહેલો હતો. અજાણ્યા દેશમાં મિત્રો પણ ક્યાં મળી શકવાના ? ક્યારેક તેની મમ્મી સુમિત્રાને ફોન કરી સમય પસાર કરતી.

રોહિત સતત કામમાં વ્યસ્ત રહેતો, રજા પણ ભાગ્યે જ રાખતો. રોહિત જ્યારે રજા રાખતો એ દિવસ અવંતિકા માટે ખાસ બનતો. ત્યારે બંને એકલા ક્યાંક ફરવા માટે જઈ શકતા, અવંતિકા પણ ઘરની બહાર નીકળી ખુશી અનુભવતી.
વરુણ અને રોહન જે પ્રોજેકટ ઉપર કામ કરી રહ્યાં હતાં તેમાં હવે પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું હતું. કામનો ભાર થોડો હળવો બન્યો હતો. વરુણના પપ્પાને આશા બહારનું પરિણામ રોહન અને વરુણે ભેગા મળીને આપ્યું. સતત ચાર મહિના કામ કર્યા બાદ વરુણે રોહન પાસે ઘરે જવાની ઈચ્છા દર્શાવી.

વરુણની ઘરે જવાની ઈચ્છા સાંભળી રોહને કહ્યું : “હું નહિ આવી શકું, તારું મન હોય તો તું એકલો જઈ આવ”
વરુણ : “તું પણ સાથે આવીશ તો મઝા આવશે.”

રોહન : “ના, હું હવે ત્યાં પાછો આવવા નથી માંગતો. મને આ સ્થળ હવે મારુ લાગે છે. તું તને ઈચ્છા પડે એટલા દિવસ ઘરે રહી આવ. હું અહી કંપનીનું કામ સંભાળીશ. અને સમય મળશે તો હું નર્મદા કિનારે જઈ ને બેસીસ. કાલે એમ પણ રજા છે કઈ કામ નથી તો તું જઈ આવ ”

વરુણ : “જેવી તારી ઈચ્છા. પણ હું બે દિવસમાં જ પાછો આવી જઈશ.”

વરુણ બીજા દિવસે સવારે ઘરે જવા માટે નીકળ્યો, અને રોહન નર્મદા કિનારે જઈ બેઠો. નર્મદા કિનારાની શાંત પ્રકૃતિ અને રેવાના વહેતા નીરનો આનંદ રોહન લૂંટી રહ્યો હતો. સાથે સાથે વરુણના કારણે તેનું જીવન કેવું બદલાઈ ચૂક્યું છે એ પણ વિચારવા લાગ્યો. વરુણ સાથે જો તેની મિત્રતા ના થઇ હોત તો આજે કદાચ આ જગ્યા ઉપર ના આવી શક્યો હોત. ચાર મહિનામાં જે કામ કર્યું છે તેના બદલામાં ઘણું બધું મળ્યું. સાથે વરુણના પપ્પાનો વિશ્વાસ જીતવામાં પણ સફળ રહ્યો. તેમને આપેલો પ્રોજેકટ સફળતા પૂર્વક પાર પાડ્યો. વરુણનો પણ તેમાં મોટા હાથ છે. પણ પોતે કઈ કર્યું એનું ગર્વ રોહન જાતે જ લઈ રહ્યો હતો.

વરુણ ઘરે પહોચતા તેના મમ્મી ખુશ થયા, ચાર મહિના બાદ તે ઘરે આવ્યો હતો. પોતાના દીકરાને મહેનત કરતો જોઈ તેના પિતા પણ ખુશ હતા.

અવંતિકાના જીવનમાં બધું જ હતું છતાં પણ તેને કંઈક ખોટ લાગી રહી હતી. વૈભવી જીવન, પ્રેમાળ પતિ, માતા પિતા જેવા સાસુ સસરા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક એકલતા મનમાં ડંખી રહી હતી. રોહિત સાથે લગ્નજીવન સુખમય હતું. પણ રોહિત કામકાજમાં વ્યસ્ત હોવાના કારણે અવંતિકાને સમય આપવામાં નિષ્ફળ રહેતો. છતાં પણ અવંતિકાએ લગ્નના ચાર મહિના બાદ પણ કોઈ ફરિયાદ કરી નહોતી. તે જાણતી હતી કે રોહિત માટે કામ પણ એટલું જ જરૂરી છે. પણ તેના મનમાં અવાર નવાર પ્રશ્નો ઉઠતા. કે શું આ રીતે જ જીવન વિતાવવું પડશે ? એકલા બેસી રહીને તો મગજ અને શરીર બંને ખરાબ થશે ? ઘરમાં પૈસાની કોઈ કમી નથી પણ સમય વિતાવવા માટે કોઈ નોકરી મળી જાય તો સારું, પોતે ભણેલી છે એટલે કોઈ તો નોકરી મળી જશે. પણ સાથે એજ પ્રશ્ન હતો કે રોહિત આટલું સારું કમાય છે તો મને નોકરી કરવા મોકલશે ? કદાચ રોહિત પણ મારી હાલત સમજી અને મને સહમતી આપે પણ મમ્મી પપ્પા કેમ કરી માનશે ? આ બધા પ્રશ્નોમાં અવંતિકા ઘેરાયેલી હતી પણ અંતે તેણે એક નિર્ણય કર્યો. રાત્રે રોહિત સાથે બહાર આંટો મારવા જતાં પોતાની હાલત વિશે જણાવવું. રોહિત મને સમજશે અને કોઈક તો રસ્તો જરૂર લાવશે.
રાત્રે રોહિત ઘરે આવી ડિનર પૂરું કરી નિત્યક્રમ મુજબ અવંતિકા સાથે ઘરની બહાર ચાલવા માટે નીકળ્યો.

લેખક : નીરવ પટેલ “શ્યામ”
વધુ આવતા અંકે.. (ભાગ-34 મંગળવાર 9-Oct રાત્રે 9:30 કલાકે)
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો) ભાગ 32 માટે અહીં ક્લિક કરો.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here