ઘર છૂટ્યા ની વેળા.. ભાગ – ૩૦

0

ઘર છૂટ્યા ની વેળા.. અંક – ૩૦
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો, ભાગ 29 માટે અહીં ક્લિક કરો)

વરુણ કાર લઈ રોહન જ્યાં તેની રાહ જોઈ ઉભો હતો ત્યાં પહોંચ્યો. બંને સાથે વરુણના પપ્પાની ઓફીસ જવા માટે રવાના થયા.

વરુણ : “રોહન, આપણે કરી શકીશું ને ?”

રોહન : “હા, ભાઈ. જીવનમાં કંઈક તો કરવાનું જ છે, અને આપણને સામે ચાલીને આ તક મળી રહી છે. તને તો તારા પપ્પાના વ્યવસાય વિશે ખબર તો હશે ને ?”

વરુણ : “હા, ઘણીવાર હું એમની સાથે ગયો છું અને મેં જોયું છે. પણ એકસાથે આટલી મોટી જવાબદારી ક્યારેય સ્વીકારી નથી. માટે થોડું ટેનશન થાય છે. પણ તું સાથે છું એટલે થોડી રાહત છે.”

રોહન : “જો સાચા મનથી આપણે આ કાર્ય શરૂ કરીશું તો ચોક્કસ સફળ થઈશું. મારે પણ હવે આ એક જ લક્ષ તરફ આગળ વધવું છે.”

વરુણ : “તું અવંતિકાને ભુલાવી શકીશ ખરો ?”

રોહન : “ના, અવંતિકાને હું ક્યારેય નહીં ભૂલી શકું. પણ એને મને સતત હિંમત આપી છે, દરેક સમયમાં. હું એની યાદોમાં દુઃખી થઈ બેસી રહેવા કે કોઈ ખોટા રસ્તે વળી જવા નથી માંગતો. વિચાર્યું તો હતું કે ક્યાંક દૂર ચાલ્યો જઈશ. પણ તે મને આ પ્રોજેકટની વાત કરી તેથી મને મારા જીવનનું નવું લક્ષ મળી ગયું.”

બંને જણ નવા પ્રોજેકટની વાતો કરતાં કરતાં ઓફીસ પહોંચી ગયા. કાર પાર્ક કરી ઓફિસમાં પ્રવેશ્યા.

વરુણના પપ્પાની આલીશાન ઓફીસ જોઈ રોહન દંગ રહી ગયો. પોતાને સપનામાં પણ ખબર નહોતી કે તે આવી કોઈ ઓફિસ સાથે એ કામ કરશે. તેને મનોમન વરુણનો આભાર માન્યો. વરુણ ઓફિસના બધા કેબિન વિશે રોહનને જણાવી રહ્યો હતો. અને છેલ્લે પોતાના પપ્પાના કેબિનમાં બંને પ્રવેશ્યા.

વરુણ અને રોહનને કેબિનમાં પ્રવેશતા જોઈ અશોકભાઈ એ કહ્યું : “આવો.. આવો.. હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો.”

રોહને વરુણના પપ્પાને નમસ્તે કહી, વરુણ સાથે ઓફિસના સોફા ઉપર બેસી ઓફિસને જોવા લાગ્યો

અશોકભાઈ : “તો રોહન કેવી લાગી અમારી ઓફીસ.”

રોહન : “બહુ જ સરસ છે.”

અશોકભાઈ : “રોહન હું જ્યારે આ શહેરમાં આવ્યો ત્યારે મારી પાસે કંઈજ નહોતું, તારી જેમ હું પણ ખાલી હાથે આ શહેર સાથે જોડાયો. સામાન્ય નોકરી કરી. ધીમે ધીમે ઘણું બધું શીખવા મળ્યું, અને પોતાનો બિઝનેશ શરૂ કર્યો. દિવસ રાત એક કરી, પ્રોડક્શનથી લઈ અને માર્કેટિંગ સુધીની બધી જ જવાબદારી એકલા હાથે ઉઠાવી, કામ વધતું ગયું અને માણસો પણ વધારતો ગયો. પોતાની સૂઝબૂઝ, મહેનત અને આવડતથી હું આ જગ્યા ઉપર પહોંચી શક્યો છું.”

રોહન : “ગ્રેટ અંકલ. તમારી સાહસકથા વખાણવા યોગ્ય છે.”

અશોકભાઈ : “બેટા, મેં તમને જે મારી સ્ટ્રગલની વાત કરી એ આજના તમારા પ્રશિક્ષણના ભાગ રૂપે જ છે. વરુણે તને અમારા નવા પ્રોજેકટ વિશે વાત તો કરી જ છે, અને તેની માહિતી આપવા જ મેં તમને બંનેને અહીંયા બોલાવ્યા. હું તમારા બંનેને આ જવાબદારી સોંપી રહ્યો છું, પણ એમાં તમારા બંનેએ સખત મહેનત કરવી પડશે. મેં તો શૂન્યમાંથી સર્જન કર્યું છે. પણ તમને તો હું સપોર્ટ કરી રહ્યો છું, તે છતાં હું તમને માત્ર રાહ બતાવી શકીશ. કામ તો તમારી જાતે જ કરવાનું છે.”

રોહન : “જી અંકલ. અમે તમારા વિશ્વાસ ઉપર ખરાં ઉતરીને બતાવીશું. તમને ફરિયાદનો કોઈ મોકો નહિ આપીએ.”

વરુણ : “હા, પપ્પા હું પણ તન મનથી આ પ્રોજેકટની જવાબદારી સાંભળીશ. અને મારી સાથે રોહન છે તો મારે બીજું શું જોઈએ ?”

અશોકભાઈ : “તમારા બંનેનો ઉત્સાહ જોઈ મને ખુશી થાય છે. અને રોહન ઉપર પણ મને પૂરો વિશ્વાસ છે. બેટા રોહન, તારા વિશે મને વરુણે બધું જ જણાવ્યું. તું કોઈ ચિંતા ના કરીશ. તુ પણ મારા દીકરા જેવો જ છે એટલે જ હું તમને બંનેને આ જવાબદારી સોંપી રહ્યો છું.”

અશોકભાઈએ રોહન અને વરુણને નવા પ્રોજેકટની માહિતી આપતાં રહ્યાં. રોહન ધ્યાન પૂર્વક બધું સાંભળી રહ્યો હતો. વરુણ કેટલીક વાતો અને કેટલુંક માર્ગદર્શન તેના પપ્પાને પૂછી અને મેળવી રહ્યો હતો.

રોહિત લંડનથી ભારત આવી ગયો. તેના આવવાના આગળના દિવસે જ લંડનથી રોહિતના પપ્પા સુરેશભાઈનો ફોન અવંતિકાના પપ્પા અનિલભાઈ ઉપર આવી ગયો હતો. તેમને ફોન ઉપર જ જણાવ્યું હતું કે જો રોહિત અને અવંતિકા એક બીજાને પસંદ કરી લે તો આ મહિને જ લગ્નનું મુહૂર્ત કરાવી લઈએ. અનિલભાઈએ પણ સુરેશભાઈ સામે તૌયારી બતાવી હતી.

રોહિત પહેલો દિવસ હોટેલમાં રોકાઈ બીજા દિવસે અવંતિકાના ઘરે બધાને મળવા જવા માટે નીકળ્યો. નાનપણમાં મળેલી અવંતિકાને આ સમયે મળવા માટે તેનું મન પણ ઉત્સાહિત હતું.  રોહિતના પપ્પાએ અવંતિકા સાથે તેના લગ્નની વાત કરી ત્યારથી રોહિત પણ અવંતિકાના સપનાં જોવા લાગ્યો હતો. પોતે વર્ષોથી લંડનમાં સ્થાયી થઈ ગયો અને કામકાજમાં વ્યસ્તતાના કારણે કોઈ છોકરીને પોતાના પ્રેમની સહભાગી બનાવી શક્યો નહિ. રોહિત સખત મહેનતું પણ હતો. પોતાના કામ સિવાય બીજે ક્યાંય તેને પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું નહિ. પણ જયારેથી અવંતિકાનું નામ તેની આગળ આવ્યું ત્યારથી તે પોતાના હૃદયમાં એક અલગ અહેસાસ અનુભવી રહ્યો હતો. બાળપણમાં અવંતિકા સાથે ખૂબ મઝાક મસ્તી કરી, પણ હવે બંને પુખ્તવયના બની ગયા છે. ઘર ઘર રમતાં રમતાં હવે સાચું ઘર માંડવાનું છે એ ક્ષણો એ અનુભવો રોહિતના ચહેરાની ચમક વધારી રહ્યા હતા.

રોહિતના સ્વાગત માટેની બધી જ તૈયારીઓ અવંતિકાના ઘરમાં થઈ ચૂકી હતી. અવંતિકાએ હવે પોતાના માટે નહીં પણ તેના પપ્પાની ખુશી માટે લગ્ન કરવાની હતી. માટે તેને પણ ચહેરા ઉપર ખુશી દર્શાવી પોતાના પપ્પાને ખુશ કર્યા. સુમિત્રાએ પણ અવંતિકાને સમજાવી હતી.

રોહિતની કાર ગેટની અંદર પ્રવેશી. અનિલભાઈ મુખ્ય દ્વાર પાસે જ રોહિતને આવકારવા ઊભા હતા. રોહિતે અનિલભાઈના ચરણ સ્પર્શ કરી અને પોતાના સંસ્કારોની ઓળખ આપી. ઘરમાં પ્રવેશી સુમિત્રાને પણ પગે લાગ્યો. અનિલ અને સુમિત્રા વચ્ચે આંખોમાં જ ઈશારા થઈ ગયા કે રોહિત પોતાના સંસ્કારો વિદેશમાં રહીને પણ નથી ભુલ્યો અને અવંતિકા માટે એની પસંદગી યોગ્ય જ છે.

રોહિતની નજર ઘરમાં પ્રવેશતા જ અવંતિકાને શોધી રહી હતી. અનિલભાઈએ તેને સોફા ઉપર બેસવા કહ્યું. નોકર આવીને પાણી આપી ગયો. રોહિતની સફર વિશે અને તેના કામકાજ વિશે થોડી વાતચીત અનિલભાઈએ કરી. રોહિતે પણ ખૂબ પ્રેમપૂર્વક અનિલભાઈ સાથે વાત કરી.

રોહિતે વાતોમાં જ પૂછી લીધું :”અંકલ, અવંતિકા ક્યાં છે ? મેં તો એને જોયે ઘણાં વર્ષો થઈ ગયા.”

અનિલભાઈ : “એ એના રૂમમાં જ છે. (સુમિત્રા તરફ ઈશારો કરતાં) સુમિત્રા, જા એને બોલાવી લાવ ને !”

સુમિત્રા અવંતિકાને બોલાવવા માટે ઉપર એના રૂમમાં ગઈ. અવંતિકા તૈયાર થઈને બેઠી હતી.  સુમિત્રાએ અવંતિકાને નીચે આવવા માટે કહ્યું અને સાથે એમ પણ કહ્યું : “અવંતિકા, રોહિત ખૂબ જ સારો અને સંસ્કારી છોકરો છે. તને પણ એ ગમશે.”

અવંતિકા : “મમ્મી, તમને લોકોને જો લાગતું હોય કે રોહિત મારા માટે યોગ્ય છે તો મારે હવે કંઈજ વિચારવાનું નથી. મારા માટે પપ્પાની અને તારી ખુશી જ મહત્વની છે.”

સુમિત્રાએ અવંતિકાને ગળે લગાવી લીધી. બંને નીચે આવ્યા. અવંતિકાને નીચે આવતા જોઈ રોહિત મનોમન હરખાઈ રહ્યો હતો. તેની સુંદરતા, સાદગી જોઈ રોહિત અવંતિકાથી વધુ પ્રભાવિત થવા લાગ્યો. અવંતિકા રોહિત સામે જ સોફામાં બેઠી.

અનિલભાઈ બોલ્યા : “ઓળખું છું ને અવંતિકા આને.. તારી સાથે જે બાળપણમાં રમતો હતો એ આ રોહિત આજે લંડનમાં ત્રણ ત્રણ મોટેલનો માલિક છે.”

અવંતિકા : “હા, પપ્પા. કેમ છે રોહિત ?”

રોહિત : “બસ ફાઇન.તું કેમ છે ? ”

અવંતિકા : “હું પણ મઝામાં.”

રોહિત અને અવંતિકા વચ્ચે આછા સ્મિતની આપ લે થઈ. અનિલભાઈ અને સુમિત્રા બંનેને એકલા વાતો કરી શકે એવી વ્યવસ્થા કરવા માંગતા હતાં. માટે અનિલભાઈએ કહ્યું : “અવંતિકા, રોહિતને આપણું ઘર તો બતાવી આવ.”

રોહિત પણ અવંતિકા સાથે એકાંતમાં સમય વિતાવવાની રાહ જોઈ રહ્યો હતો.

અવંતિકા રોહિતને પોતાનું ઘર બતાવવા માટે લઈ ગઈ. ઉપર એક ઠેકાણે ઉભા રહી બંને વાતો શરૂ કરી. વાતની શરૂઆત રોહિત દ્વારા જ થઈ…

રોહિત : “બહુ બદલાઈ ગઈ છે તું અવંતિકા.”

અવંતિકા : “તું પણ ક્યાં હવે એવો જ રહ્યો છે, અત્યારે તો ખૂબ હોશિયાર પણ થઈ ગયો છે.”

રોહિત : “હા, જવાબદારી માથે આવે તો હોશિયાર થવું જ પડે ને !”

અવંતિકા : “હા, સાચી વાત છે. જવાબદારી માણસને ઉંમર કરતા વહેલા મોટા કરી નાખે છે.”

રોહિત : “તો well, હવે મેઈન વાત કરું. તારા અને મારા પપ્પા એ આપણાં લગ્નની વાત ચલાવી છે. પણ મારે એ પહેલાં તારી સાથે વાત કરવી હતી. So મેં તને પૂછ્યું. શું તું તૈયાર છે ?”

અવંતિકા : “રોહિત, હું મારા પપ્પાના નિર્ણય સાથે સહમત છું. એમને મારા માટે જે વિચાર્યું હશે તે સારું જ હશે.”

રોહિત : “ભલે નિર્ણય આપણા પરેન્ટ્સ લેતાં હોય પણ એમાં આપણી મરજી પણ જરૂરી છે. કારણ કે આખી લાઈફ તારે અને મારે જ સાથે રહેવાનું છે.એકબીજા ના સ્વભાવ, રહેણી કરણી, પસંદ ના પસંદ બધાની સાથે જીવભરની ઓળખ કરવી પડે છે લગ્ન માટે.”

અવંતિકા : “તું અહીંયા રહેવાનો છું ને થોડા દિવસ, તો સાથે રહીને એ કરી લઈશું.”

રોહિત : “મતલબ તારી હા છે એમ ?”

રોહિતના ચહેરા ઉપર બોલતા બોલતા ખુશી દેખાઈ રહી હતી.

અવંતિકાએ ફક્ત “હા”કહી અને વાત પૂરી કરી નીચે જવા માટે કહ્યું.

બંને પાછા નીચે આવી અને બેઠા.

અનિલભાઈ : “કેવું લાગ્યું બેટા તને અમારું ઘર ?”

રોહિત : “Very Nice અંકલ.”

અનિલભાઈ : “મેં તારા પપ્પાને કહ્યું હતું કે રોહિત મારા ઘરે જ રોકાશે પણ એમને કહ્યું રોહિત નહિ માને.”

રોહિત : “Yes અંકલ, મેં જ એમને ના કહ્યું હતું. મને કોઈને તકલીફ આપવી નથી ગમતી So.”

અનિલભાઈ : “એમાં બેટા તકલીફ કેવી ? આ ઘર તારું જ છે.”

રોહિત : “Thanks અંકલ, પણ મેં already બુકિંગ કરાવી લીધું હતું.”

અનિલભાઈ : “ઓકે બેટા. પણ અહીંયા આવતો રહેજે.”

રોહિત : “Ya. Sure અંકલ.”

નોકર અલગ અલગ પ્રકારનો નાસ્તો અને જ્યુસ લઈને આવ્યો. અનિલભાઈ અને સુમિત્રાએ રોહિતને આગ્રહ કરીને નાસ્તો કરાવ્યો. રોહિત શરમમાં કઈ બોલી શક્યો નહિ. અને થોડો થોડો ટેસ્ટ બધામાંથી કરી લીધો. થોડી ચર્ચાઓ બધાએ ભેગા મળી કરી. અવંતિકા મૌન બની અને બધું જ સાંભળવા લાગી. તેને પણ રોહિતનો સ્વભાવ અને વર્તન સારું લાગ્યું. પણ મનમાં રોહન વિશેના વિચારો જ ચાલ્યા કરતાં હતાં. રોહિત અને રોહન વચ્ચેનો તફાવત મનોમન શોધવા લાગી. રોહન જેવો પ્રેમ શું રોહિત પણ આપી શકશે ? એ પ્રશ્ન અવંતિકાને સતાવી રહ્યો હતો.

થોડીવાર બેસી રોહિતે જવા માટે રજા માંગી. ઊભા થઈ તેને અવંતિકા સામે એક હાસ્ય રેલાવ્યું. જવાબમાં અવંતિકા પણ મર્માળુ હસી. અનિલભાઈએ તેને બીજા દિવસે આવવાનું અને સાથે જમવાનું આમંત્રણ આપ્યું. રોહિતે આવવા માટે કબુલ્યું. તે પણ ઇચ્છતો હતો કે આ ઘરમાં વારંવાર આવવાનું થાય અને અવંતિકાને સાથે મુલાકાત થતી રહે. જતા જતા રોહિતે અવંતિકાનો ફોન નંબર પણ લઈ લીધો.

રોહિતના ગયા બાદ અવંતિકાના મમ્મી પપ્પાએ રોહિતના વખાણ કરવાના શરૂ કરી દીધા. અવંતિકાને પણ રોહિત કેવો લાગ્યો એ પૂછવા લાગ્યા :

અનિલભાઈ : “રોહિત ખરેખર ખૂબ જ સારો અને સંસ્કારી છોકરો છે, આવતાની સાથે જ મને અને તારી મમ્મીને પગે લાગ્યો.”

સુમિત્રા : “હા, અને વાતો પણ કેટલી સરસ રીતે કરે છે. આપણી સાથે એ તરત ભળી ગયો. લંડનમાં રહ્યો, ભણ્યો, ત્યાં તેનો એટલો મોટો બિઝનેસ છે, છતાં સહેજ પણ અભિમાન નથી એને !”

અનિલભાઈ : “હા, એ વાત તો સાચી તારી સુમિત્રા, આપણી અવંતિકા માટે એ બરાબર છે, એને જરૂર ખુશ રાખશે.”

સુમિત્રા : “બેટા તને કેવો લાગ્યો રોહિત ?”

અવંતિકા : “આમ બધી રીતે સારો છે, પણ એ મારા માટે શું વિચારે છે એ પણ જાણવું પડશે ને ?”

અનિલભાઈ : “બેટા , તું એને પસંદ છે એવું મેં એના ચહેરા ઉપર જ વાંચી લીધું હતું. છતાં તમે બંને એકબીજા ને મળો, બંને સાથે બહાર જાઓ. થોડો સમય વિતાવો તો વધુ ઓળખી શકશો.”

અવંતિકા : “હા, પપ્પા. એ હમણાં તો અહીંયા જ રહેવાનો છે તો એને મળીશ.”

અવંતિકાને પણ રોહિત સારો લાગ્યો હતો. તેના પપ્પાની ખુશીના કારણે રોહિત સાથે લગ્ન કરવાનું નક્કી જ કરી લીધું હતું માટે ના કહેવાનો કોઈ ફાયદો પણ નહોતો. અને તે ના કહી પોતાના પપ્પાને દુઃખી કરી પાછું કોઈ મુશ્કેલીમાં મુકવા નહોતી માંગતી, હોસ્પિટલના પ્રસંગો તેને આંખો સામે જીવંત હતા. રોહિતે ઘરમાં આવતાની સાથે જ તેના મમ્મી પપ્પાના દિલ જીતી લીધા હતાં માટે ના કહેવાનો અવસર પણ નહોતો. તેના મમ્મી પપ્પા સાથે થોડી ચર્ચાઓ કરી અને અવંતિકા પોતાના રૂમમાં ગઈ.

સાંજે રોહિતનો મેસેજ અવંતિકાના ફોનમાં આવ્યો. બીજા દિવસે બપોરે લંચ બાદ બહાર જવાની ઈચ્છા રોહિતે દર્શાવી. અવંતિકાએ પણ જવાબમાં હા કહ્યું.

રાત્રે અવંતિકાએ પોતાના રૂમમાં આવી પોતાની ફ્રેન્ડ સરસ્વતીને ફોન કર્યો. સરસ્વતીના પપ્પાનું ટ્રાન્સફર થઈ જતાં તે સુરત રહેવા માટે ચાલી ગઈ હતી. ફોન ઉપર જ અવંતિકા રોજ સરસ્વતી સાથે મોડા સુધી વાત કરી પોતાના હૈયાનો ભાર ઠાલવતી. આજે પણ રોહિત વિશેની બધી વાતો કરવા માટે સરસ્વતીને ફોન કર્યો…..

વધુ આવતા અંકે.. (ભાગ-31 મંગળવાર 18-Sept રાત્રે 9:30 કલાકે)
લેખક : નીરવ પટેલ “શ્યામ”
(બીજા 1 થી 25 ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો)
ભાગ 29 માટે અહીં ક્લિક કરો.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here